અર્થ મળે છે
સાંજનો સમય: દરિયાકાંઠો: પાંખ પસારીને ઊડતાં દેવદૂત જેવાં પંખીઓ
પાંખની ઉપર પ્રસરેલું આકાશ અને આંખની નીચે દરિયાનો રંગ
આ દૃશ્યને જોઈ જોઈને એક ક્ષણ હું પંખી થઈ જાઉં છું.
ખભાને વળગેલા મારા હાથ પાંખ તો નથી થઈ ગયાને?
જોઉં છું મને ક્યાંક ચાંચ તો નથી ફૂટીને?
થાય છે કે હું મારા ઇંડામાંથી બહાર આવું છું
અને ઊડું છું આકાશમાં મારા કોઈ પંખી સાથે.
સાથે રહીને ઊડવાનો આનંદ ઉઘાડી આપે છે એક નવું આકાશ.
હું સાંજે પાછી વળું છું ત્યારે મારા વૃક્ષમાં આકાશ લઈને આવું છું.
પણ આકાશમાં જાઉં છું ત્યારે આકાશને વૃક્ષ કરી દઉં છું.
કેટલાંય સ્વપ્નોનાં સોનેરી તણખલાં લઈને મેં એક માળો રચ્યો છે
આકાશ અને વૃક્ષની વચ્ચે જે અવકાશ છે એ જ મારો માળો.
સાંજને સમયે પોતાની પાંખ પર ચંચલ આકાશને લઈને ઊડતાં પંખીઓને જોઈ
મારા અસ્તિત્વને એક અર્થ મળે છે અને એ થઈ જાય છે સ્વયં પક્ષીતીર્થ.