૮૩. પ્રિયા કવિતાને આશ્વાસન

[પુષ્પિતાગ્રા અને દ્રુતવિલંબિત]
“અરર મુજ હશે નસીબ કેવું
નથી મળતું ક્યહીં માન, હાય!” એવું
કહી પછી ચરણો વિશે પડે છે,
પ્રિય કવિતા મુજ વેગથી રડે છે.

બહુ જ વિસ્મય ખેદ મને થયો,
તદ્દન સ્તબ્ધ જ મૂઢ બની ગયો;
પણ પછી ઝટ શાન્ત જરા કરી
નિજ પ્રિયા સરખી હૃદયે ધરી.

રહી પણ ગઈ એ જરાક છાની
બહુ દિલગીર હું થાઉં એમ માની;
મુજ મુખ ભણી નેત્રને લહે છે,
અતિશય આર્ત્ત સ્વેર પછી કહે છે : —

“દિલ દયા ધરી માફ કરો મને
દુખી થઈ કરું છું દુખી આપને;
અરર જીવિત આમ ભલે જતું,
સહન, નાથ, નથી મુજથી થતું!

ગુણ નથી મુજ માંહી એક સારો,
નિજ મનમાં, પ્રિય પ્રાણ, એ વિચારો;
તદપિ પ્રણય શીદ ને કરો છો?
મૂરખ પ્રિયા પર ચાહના ધરો છો.

વિષમ ટેવ પડી મુજને ખરે,
હૃદયને બહુ માન ગમે અરે!
ગુણ વિના પણ કેમ જ એ મળે?
મફત નિર્બળતા થકી શું વળે!

નથી નથી નથી યોગ્ય હું તમારે
જીવતર આ નથી રાખવું જ મારે;
મનથી લઈ રજા હવે મરું છું,
પણ તમને પ્રિય મુક્ત હું કરું છું”

નયનથી બહુ નીર મને વહે,
હૃદય શબ્દ કહો ક્યમ આ સહે?
વચન તો મુખથી નવ નીસર્યું,
તદપિ ચુમ્બન મેં હળવે કર્યું.

ધડક ધડક થાય હાય છાતી,
ધીરજ રહી મુજનીય સાવ જાતી;
વદનકમલ જોઈને કહું છું,
નજર ઠરાવી ત્યહાં જ હું કહુ છઃં —

“કદર અવર શું જનો પિછાને ?—
મન મહીં એ ધરી શોક કોણ આણે?
ઉભય મળી મને ખુશી કરો છો,
પર પરવા શીદ અન્તરે ધરો છો?”

મધુર શબ્દ થકી ખુશ મેં કરી,
દિલગીરી મનની સઘળી હરી;
કરી વિદાય કહી બહુધા અને,
વિરહથી બળતી વનિતા કને.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.