૪૭. વ્હાલાંઓને ઉપદેશ

સાંભળજો, વ્હાલાંઓ! વચનો દીનનાં!
દીનપણું છે પરમ દયાળનું પાત્ર જો :
મોટો એ અધિકાર તમારો, માનવી!
અધિકારી છો જેના માનવ માત્ર જો!

એક પિતા પરમેશ્વર જાણો આપણો,
નિકટ સગાંઓ સમજો ભાઈ બહેન જો;
નીકો નાની મોટી જે જીવો તણી,
વહતું તેમાં એક અખંડિત વ્હેણ જો!

હસનારાંની સાથે હસવાનું ઘટે,
રડનારાંની સાથે રડવું તેમ જો;
એક બીજાનાં આંસુડાંઓ લૂછતાં,
ઊંચે ચડશો સ્ત્રાૃપુરુષો સૌ એમ જો!

ભૂતદયા છે ધર્મ બધાના મૂલમાં,
સઘળાયે સંતોનો એ ઉપદેશ જો;
દિવ્ય દયાસાગર! યાચંતાં આપજો,
દીન જનોને અમને એનો લેશ જો!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.