૨૨. પ્રમાદી નાવિક

મનોહર તરંગ આ ઉપર ચંદ્રિકા વિસ્તરે,
સુધા ધવલ અંતથી ઝબક સાથ વિદ્યુત સરે;
વહી પવન મંદ મંદ જડ અંગ જાગ્રત કરે;
નહીં વિધુર અંતરે તદપિ કાંઈ આશા ઠરે!
***
હતો ચરસ મૂલથી સરતનો જરાયે નહીં,
નહિ સફર લાભની પ્રગટતી સ્પૃહા એ મહીં;
સદૈવ સુખનાવમાં સ્વજનસંગ માટે જતો,
કૃતાર્થ સહચારથી પ્રણયથી હંમેશાં હતો.

ફર્યા સકલ ખંડના નવનવે કિનારે અમે,
હવાઈ દરયાઈ કૈંક નીરખ્યા ચમત્કારને;
શશી સહિત રાત્રીઓ મહીં અનેક ગોષ્ઠી કરી,
ગયા દિવસે તે બધા! નહીં જ આવવાના ફરી!

ગયા, વખત આવતાં સ્વજન સર્વ છૂટાં થયાં,
ઘણા સફરમાં અને સરત જીતવાને ગયા;
રહી પ્રિયતમા સખી નિકટ માત્ર નૌકા પરે,
ગણી ઉભય અર્થ સર્વ ભટક્યાં મહાસાગરે!

ભર્યાં દિલ વિલાસથી, મધુર કૈંક ગાનો કર્યાં,
તર્યાં જલધિમાં અને વિરલ ટાપુઓમાં ફર્યાં;
જતાં નિકટ બંદરો નીરખતાં હલેસે વહી,
“ન હોય સુખનાવની કદર બંદરોને,” કહી!

ઘણી વખત થાકતાં, નિજ કરે સુવાડી મને,
પ્રિયા ઉભય નાવને ચલવતી ધરીને કને;
કદી ગહન અંધકાર પ્રસર્યા પછી જાગતો,
તથાપિ ગણતો ગણતો નહિ, સદયની ક્ષમા માગતો!

અહો! હૃદયહીનતા! અવધિ છેક કાઠિન્યની!
વ્યથા ન સમજી શક્યો પ્રિયતમા મુખે દૈન્યની!
કદાપિ લઈ અંકમાં રસિક કૈં કથાઓ કહું,
ગણી પરિસમાપ્તિ ચિત્ત કૃતકૃત્ય માની લહું!

કહે કરુણ એકદા : “નવ જશું કિનારે સખે,
જરા જનસમાજમાં! જડ જલે થવાશે રખે!”
હતાં સજલ નેત્ર એ : મુજ ભરેલ નિદ્રા લસેઃ
પડયો તરત ઊંઘમાં! સ્મરણ તે ન હાવાં ખસે!
***
કરાલ રજની મહીં ગગન ગર્ત્તમાં ડૂબતી,
દૃગે દૃગ ઉઘાડતાં ચડી અનેક તારા સતી;
હતી શિથિલ નાવલી સ્થિર, જરા ન દીઠી ક્રિયા,
પડયો તરત જલ્પતો જલધિમાં “પ્રિયા! હા પ્રિયા!”

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.