૩૦. અનામી નામ

અનામી નામ તારું હા! સુખે એ ર્હેવાનું!
નહીં મારે કદાપિ કોઈને એ ક્હેવાનું.

તને પણ આખરે જ પ્રતીત છે સ્નેહી થવાની :
નહીં મારે અહીં સૌહાર્દ સુખ હા! દેવાનું!

ચડે આસ્માન તું, હું તો હજી પોષું પાંખો :
તને દેખાય ક્યાંથી રૂપ મારા જેવાનું !

છતાં સાચી પુરાની પ્રીત તારા આત્માની :
મને સરજ્યું જ આત્મવિયોગ અંતર સ્હેવાનું!

તથાપિ એક દિનની સાંભરે આશા જ્યારે :
રસીલા કોઈ જીવનસાગરે છે વ્હેવાનું!

અને જ્યારે અનામી વિશ્વને વ્હાલું એ નામ :
પ્રતિક્ષણ સ્વર્ગની વીણા મુખે છે લેવાનું !

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.