૨૩. વિધુર કુરંગ

શશી નીરખતો, અને ગગન મધ્ય ઊંડી કરી;
સુદૂર દૃગથી, કુટુંબરત તારલાઓ ફરી;
સુધા વરસતી બધે, નહિ જ ભગ્ન હૈયાં પરે,
ફરે, તરફડે, ઠરે નહિ જ, દેહ શાથી ધરે!

પ્રિયા પ્રિયતમા ગતા! જગત સર્વ ઝાંખું થયું,
ગયું સુખ, ગયું બધું, ન પણ જીવવાનું ગયું;
તજી ગઈ વિલાસિની નિજ કુરંગને, શાવને,
સૂતો મૃદુલ બાલ તાતચરણે, ન માતા કને!

હતી કઠિન ભૂમિ શૃંગખનને સુંવાળી જરા,
ગ્રહેલ રસનાગ્રથી શયન પાસના કાંકરા;
દીસે રજકણો શમ્યા સ્ખલિત બાષ્પથી પાસમાં,
કરે તદપિ શૈત્યનું હરણ ઉષ્ણ નઃશ્વાસમાં!

નહીં હૃદયની ભણી હૃદય એક હાવાં વળે;
નહીં નયનનને ફરી નયન તે પ્રિયાનાં મળે;
કુરંગ હતભાગ્યને ભવ અરણ્ય યાત્રા રહી,
કર્યાં કરવી એકલાં, વિવશ જીર્ણ અંગો વહી!

દિશા કઈ ભવિષ્યની ન કંઈ ભૂત તે સૂચવે,
પડી વિકટ વર્તમાન કુહરે રહેવું હવે;
પડી ઊચરવું, રડી ઊચરવું, ઠર્યું સર્વદા :
પ્રિયા! હૃદયદેવતા! પ્રિયતમા! સખી નર્મદા!

કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે,
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે,
નહીં સ્વજન તેઃ સખી સ્વજન એકથી તું હતી,
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.