૭. કલ્પના અને કસ્તૂરીમૃગ

“સુરસદન તણી જે વાડીઓમાં રમે છે,
હૃદય થકી નિહાળી આપને જે નમે છે,
પ્રમદવન તણઓ એ અપ્સરાનો જ સાથ,
નમન સહ મને આ મોકલે, પ્રાણનાથ!”

આવ્યો હતો પરમ યોગ થકી પ્રસંગ,
જામ્યો હતો સકલ વૃત્તિની માંહી રંગ :
શબ્દો પડયા ઉપર અમૃતધાર જેવા,
તાજા થયા હૃદય સાથ તરંગ તેવા!

માથું ઊંચું કરી નયનને સ્વલ્પ ઊંચું કરું છું,
જોવા જેવું નીરખી મનને હું સુધાથી ભરું છું;
અંગે અંગે ખૂબી નીરખીને આંખ તો જાય ચોટી,
સાચું માને નહિ હૃદય ને વાત દેખાય ખોટી!

એક અદ્ભુત વસ્ત્રોમાં અપ્સરા નજરે પડે;
વૃત્તિઓ થાય છે મૂઢ મુગ્ધાની મોહની વડે.

અધર મધુર તેનો જોઉં પામે વિકાસ,
વિવિધ કુસુમની ત્યાં નીકળે છે સુવાસ;
મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય,
ખબર નહિ પડે, ને કીકીઓથી નચાય!

હૈયાંના હોજમાંથી આ શું પાણી છલકાય છે?
પ્રેમ છે, એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.

બોલે પછી પ્રણયથી નવરાવતી એ :
વાણી સુધારસ બધે છવરાવતી એ :
“જાણ્યું હશે, હૃદય એમ મને કહે છે :
કે આપની ઇતર લોક વિશે રહે છે.

કવિતાદેવીની તેથી અમે દાસી જ આપની :
દેખીએ દિવ્ય ચક્ષુથી બિના આપ પ્રતાપની.

આવો નહિ વિપદ આપ સમી જરાય :
રાજ્ઞી રહો અમર એ કવિતા સદાય :
જેની કૃપા થકી થયો સુરલોક વાસ :
સાહિત્ય જ્યાં સુખધ કોટિ જણાય પાસ!

રચના દુનિયાની હું દેખાડું સરદારને :
પાંખ ઉપર બેસીને જુઓ દેશ હજારને!”

આહા! એવું વચન વદતાં અન્ય દેખાવ થાય :
પાસે ઊંચો ગિરિવર બને, શ્વેત શોભા જણાય :
ધોળાં ધોળાં ઝરણ ટપકે, વાદળાંઓ ઘસાય :
આજુબાજુ ગહન વન આ એક ઊભું જ થાય.

રહો, એ કંઈ જોવાનું દીસે છે આ દિશા મહીં :
આવે છે કોઈ પ્રાણી એ : મને સંશય છે નહિ!

છે મંદ મંદ ગતિ આ જ પ્રદેશ સામી :
આંખો થકી કહી શકાય અપૂર્વ કામી :
કસ્તૂરિકા મૃગ સમાન વપુ જણાય :
દેખાવને નીરખતાં મન ત્યાં તણાય.

જાણે કોઈ શર શિર વિષે તીક્ષ્ણ વાગેલ હોય,
ટોળું છોડી પર દુખથી જેમ ભાગેલ હોય,
તેવી રીતે ઘડી ઘડી પછી એ અગાડી ધસે છે,
વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!

અચાનક મને એનું અનુમાન થઈ ગયું :
વાદ્ય અદ્ભુત અસ્પષ્ટ સંભળાય અહીં કયું?

ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય,
નીચે નદી ગહનમાં તરુઓ તણાય;
વચ્ચે જગા વિકટ ઉપર એક ચાલે,
ગારુડી કોઈ નજરેથી ગુફા નિહાળે.

અસામાન્ય છટાથી એ બજાવે હાય બીનને!
ચાલે છે ચિત્તના તંતુ જ્ઞાન ક્યાં રસહીનને?
દેખે છે કાલને સામે તોય પાછો નહિ વળે :
જવાની તો કહે, કેમ આજ્ઞા સંગીતની મળે?

અશ્રુ પડે નયનથી, બહુ ખિન્ન લાગે;
છે મૃત્યુની ખબર, તોપણ બદ્ધ રાગે;
કેદી સમાન હળવે ડગલાં ભરે છે,
અત્યંત હર્ષ સહ ચિહ્ન બધાં કરે છે.

આવે ચાંડાલની પાસે, સુણે એકાગ્ર ચિત્તથી;
લુબ્ધ લુબ્ધકનું ચિત્ત થાય કસ્તૂરીવિત્તથી!

ધીમો તેથી કંઈ પડી ગયો બીનનો એહ નાદ :
રે! રે! કેવો શબરપતિ આ થાય તારો પ્રમાદ!

ઝાંખું તેથી મખુ થઈ ગયું એમ જોતાં જણાય,
ધીમા તોયે સ્વર સમજવા નાડીઓ ફુલ્લ થાય!

કહે કરુણ ચીસોમાં : “અરે રે! આમ શું કરે?
પ્રાણદાન કરું તોય તૃષ્ણા અત્યંત શું ધરે?”

અરે! ખૂની સામે મૃગવર બિચારો ટળવળે,
તથાપિ પારાધી હૃદય તણી પીડા ક્યમ કળે?
કરે તૈયારી એ શર તણી, ફરે ચિત્ત મુજનું,
ખરે! પાપી પ્રાણી! નિધન કરું હું દુષ્ટ તુજનું!

આપે છે શસ્ત્ર તેજસ્વી સખી એ અપ્સરા મને,
દોડું ચાંડાલની સામે રાખીને ખડ્ગને કને.

મારું જઈ શિર પરે તરવાર એને :
નીચે પડે, અરર બીન! બચાવું કેને?
તે જોઈને જ મૃગ મૂર્ચ્છિત થાય, હાય!
આવું થતું નીરખતાં જ મિજાજ જાય!

“અપ્સરા, અહીં ક્યાં લાવી?” કહી હું ક્રુદ્ધ થાઉં છું;
કલ્પના જાય છે ઊડી, એકલો રહી જાઉં છું!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.