પરિચય

કવિ-પરિચય

નિરંજન ભગતે જેમને ગુજરાતીના સૌથી મોટા કળાકાર કવિ કહ્યા છે અને સુન્દરમે જેમની કવિતાને કાવ્યકળાની શિશિરમાં પહેલો વસંતવિજય કહી છે — તે કાન્ત ઉપનામ વાળા મણિશંકર રત્નજી ભટ્ટ (જ. ૨૦ નવે.૧૮૬૭ — અવ. ૧૬ માર્ચ ૧૯૨૩) આપણા એક ઉત્તમ સર્જક છે. નાટયગુણવાળાં અને પાત્ર-ઊર્મિની ઉત્કટતાવાળાં ખંડકાવ્યોથી એમણે નવીન કાવ્ય-સ્વરૂપ સરજ્યું ને શક્તિમંત તથા વિવિધ છંદોની સુઘડતા અને મધુરતાવાળી ચિરસ્મરણીય કૃતિઓ આપી. એવાં જ સુઘડ-મધુર સૉનેટકાવ્યો અને માત્રામેળી કાવ્યો રચ્યાં. કવિતા ઉપરાંત એમણે નાટક, વાર્તા, શિક્ષણ, અનુવાદ, વગેરે સ્વરૂપોમાં પણ લેખનકાર્ય કરેલું. એમનાં ૧૪ જેટલાં પુસ્તકો પ્રગટ થયેલાં છે.

કાન્ત એક તીવ્ર સંવેદનશીલ ચિંતક પણ હતા. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર અને પછી ત્યાગ એમના જીવનની માનસિક-સામાજિક પરિતાપવાળી ઘટના હતી. પૂર્વાલાપ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે જ દિવસે કાશ્મીરના પ્રવાસથી પાછા વળતાં ટ્રેનમાં એમનું અવસાન થયું.

કૃતિ-પરિચય

પૂર્વાલાપની ૧૦૦ ઉપરાંત કૃતિઓમાં ખંડકાવ્યો જેવી કેટલીક દીર્ઘ છંદ-રચનાઓ છે જેમાં અતિજ્ઞાન, વસંતવિજય, ચક્રવાકમિથુન કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિઓ છે. ઉપહાર જેવી સઘન સૉનેટ રચનાઓ તથા સાગર અને શશી જેવી સુંદર ગીતમય માત્રામેળી રચનાઓ છે. સુમધુર અને સ્નાયુબદ્ધ છંદવિન્યાસ, સહજ પ્રાસની શિલ્પરચના, ભાવ-અનુસાર પલટાતા વિવિધ છંદોનું સંયોજન તથા ચિંતન અને ઊર્મિની સંયુક્ત પ્રભાવકતા — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે છે.

પહેલા કાવ્યથી જ વાચકને આકર્ષી લેતી આ કવિતામાં પ્રવેશવા હાર્દિક નિમંત્રણ….

નોંધ : જેમને કાન્ત અને એમની કવિતા વિશે વધુ જાણવામાં રસ હોય તે નીચેનાં પુસ્તકો જોઈ શકે
૧. રામનારાયણ પાઠક : પૂર્વાલાપની બીજી આવૃત્તિનો ઉપોદ્ઘાત [પ્રસ્તાવના] અને ટિપ્પણો, ૧૮૨૬
૨. સુન્દરમ્ : અર્વાચીન કવિતા, ૧૯૪૬
૩.  ઉમાશંકર જોશી : સમસંવેદન,૧૯૬૫
૪. સુરેશ દલાલ (સંપા.) : ઉપહાર, ૧૯૬૭
૫. ભૃગુરાય અંજારિયા : કાન્ત વિશે, ૧૯૮૩
તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસો

(પરિચય—રમણ સોની )

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.