૩. મારી કિસ્તી

નવ સૂઝે ઉપાય કૈં : ડોલાય મારી કિસ્તી!
આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી!

ભવસમુદ્ર છે સખત :
બચે જો હો લખ્યું લખત :
સહસા તોયે આ વખત, ઝુકાવી છે મેં કિસ્તી!

અજાણ્યો છું જોકે, અગર
નથી દીઠું બીજું નગર :
વિચાર કૈં કર્યા વગર, ઝુકાવી છે મેં કિસ્તી !

અન્ય દશા જોઈ ડરત :
ધીમે ધીમે ગતિ કરત :
પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!

દેખી નહીં શકું ચંદર :
કેમ દેખું ત્યારે બંદર :
મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!

સફરનો હતો ચરસ :
ગણતો’તો ઘણી સરસ :
દીસો ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!

નવ સૂઝે ઉપાય કૈં : ડોલાય મારી કિસ્તી!
આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.