નહીં આવે આડે પ્રણય પ્રણયીના હિત મહીં
કદા, ક્હેવું એવું, પ્રિયતમ સખે! લાયક નહીં;
દીસો તોયે ખોટું, સદય પર શું નિર્દય થવું?
તપાસી જો, જોશે અનુભવ વિશે અંકુર નવું!
વિચારે કે મોડું ક્ષણ પણ હતે, હા! નહિ વળે,
મળે જ્યારે ત્યારે : સમય વહી જાતાં નહિ મળે;
સખે! ધારા પ્રેક્ષી જલદ રસમાં સ્નાન કરવું,
જરા વ્હેલું? હૈયે નહિ, અરર! એવું ન ધરવું!
નથી તારું એ કૈં, સકળ રચના છે કુદરતી,
નિસર્ગે બંધાતી, ત્રુટિત પણ મેળે થઈ જતી;
પડયું જે સંગીત શ્રુતિ પર નભોમંડળ તણું,
અરે! જો માં તારો સમય, વિરલું, અંતર ઘણું!
સુધાનાં સત્ત્વોનું મધુર મધુ કોને નહિ ગમે?
સ્વભાવે પ્રેરાતું પ્રિય હૃદય નિષ્કારણ દમે!
ઉઘાડી દે હાવાં પણ વિહગને પિંજર જવા,
બની ઘેલું પેલી કુસુમરજમાં મૂર્ચ્છિત થવા!
Feedback/Errata