૧૭. માનસસર

અંતર ઊછળ્યું હો! સહસા ધૈર્ય ગળ્યું હો!

ક્ષોભ થયો વૃત્તિમાં અતિશય, તરંગ જબ્બર ચાલે :
માનસસર મારું ડ્હોળાયું, ખૂબ ચલિત જલ હાલે :
સ્થાનક ન મળ્યું હો! સહસા

હાય! વધે જલ, અલ્પ દીસે સ્થલ, છેવટ રે! શું થાશે?
નાજુક પાળ, પ્રચંડ ભરાવો : હા! શી રીતે સમાશે?
જલબલ ન ચળ્યું હો! સહસા

આવે ઉગ્ર ઉછાળા ઉપર, તોફાન ખરું જામે :
નાનું સર, દેખાવ ભયાનક! શાથી સદ્ય વિરામે?
પાછું ન વળ્યું હો! સહસા

રંગ ગયો બદલાઈ, ખરેખર નિર્મલતા પણ ઊડી!
જલસેના ઊભરાવાં માંડી, પાળો પણ ગઈ બૂડી :
સ્થળ સાથ ભળ્યું હો! સહસા

ઉપર થઈ ઢોળાય બધેથી મસ્ત ધોધવા દોડે :
જંગ બરાબર થાતાં નિર્બલ પરિસીમાને તોડે :
આખર ન કળ્યું હો! સહસા

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.