૧૧. વસંતવિજય

“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”

હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં,
ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;
સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં,
વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં.

ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,
બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.

નિદ્રા પ્રશાંત જરીયે ન હતી થયેલી,
દુઃસ્વપ્ન દર્શન મહીં જ નિશા ગયેલી;
“ખુલ્લા પ્રદેશ પર જૈ ફરું થોડી વાર.”
ઊઠયો નરેદ્રમાં મનમાં કરી એ વિચાર.

ધીમે શયનને છોડી જરા એ બ્હાર જાય જ્યાં,
“નહીં નાથ! નહીં નાથ!” શબ્દો એ સંભળાય ત્યાં.

“પ્રિયે માદ્રી! શું છે? નથી નથી જતો સ્નાન કરવા,
વહી નિદ્રા, માટે અહીં તહીં જરા જાઉં ફરવા;
મટયું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હંમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.”

ન જવાનું કહી દેવી નિદ્રાવશ થઈ હતી;
જાગર્તિ ક્ષણ રોકાઈ ફરી પાછી ગઈ હતી!

“સારું થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત,
સાચી બિના નહિ જ રાખી શકાત ગુપ્ત;”
સંતોષથી નૃપતિ થાય હવે વિદાય,
છે અંધકાર, પણ ભૂલ જરા ન ખાય.

કંસારી તમરાંઓના અવાજો આવતા હતા :
સ્થળ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા!

વહે ઠંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,
ઘણા થોડા ઓજ ઉડુગણ પ્રકાશે ગગનમાં;
હજી એકે પ્રાણી ગિરિ મહીં નહીં જાગ્રત દીસે,
વધે અંધારામાં નરવર અગાડી વન વિશે.

જ્યાં જવું હતું તે આવ્યું સર સુંદર પાસનું;
આપ્યું હતું પુરા જેને નામ `માદ્રીવિલાસ’નું.

ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય,
જોતાં જ તર્ક નૃપના ક્યહીંયે તણાય;
બેસે શિલા ઉપર ચાલી સચિંત રાય,
ઊંડા વિચાર મહીં છેવટ મગ્ન થાય.

અનિદ્રા શ્રમથી તેનો ધૈર્યભ્રંશ થયો હતો;
પૂર્વના સ્મરણો માંહી ઘણો કાલ ગયો હતો.

થવા માંડયા ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે.
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે;
જવા માંડયું સર્વે સ્થલ મહીંથી અંધારું ઝટ જ્યાં,
પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં!

કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે;
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે!

વૃક્ષો અદૃશ્ય સઘળાં નજરે પડે છે :
ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છે :
એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,
ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.

“અરે! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો!”
સદ્ય એવું કહી રાજા સ્વસ્થાનેથી ઊભો થયો.

ઊઠી જોતાં શોભા બહુ જ બદલાયેલ નીરખી :
ડગ્યું પાછું ધૈર્ય, સ્મરણ મહીં આવી પ્રિય સખી :
“નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને?
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ?”

સૃષ્ટિસૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું;
ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયુ ંહતું.

ઊડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી,
નિહાળી તે, જોયું વળી પછી જરા પર્વત ભણી;
ગમી ના એ વૃત્તિ; હૃદયરસથી સંયમ ચડયો,
“થઈ ન્હાવાવેળા,” નૃપતિ કહી એવું મહીં પડયો.

સ્નાનથી થઈને શાંત પડયો એ નિત્યકર્મમાં;
જતાં રાગ બની વૃત્તિ પાછીં તદ્રૂપ ધર્મમાં.

પૂરું કરી તસ્ત તે સ્થલને તજે છે,
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સજે છેઃ
“શાને થવું પતિત આશ્રમધર્મનાથી?
સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”

જઈ આશ્રમમાં લે છે નિત્ય માફક ભોજન;
ઇચ્છે પછી જરા નિદ્રા પૂર્ણ વીસરવા વન.

ઊઠયો થોડી વારે નૃપતિ જ્યમ નિદ્રા કંઈ લઈ
મનોવૃત્તિ તેવી સ્થિર, વિમલ ને સાત્ત્વિક થઈ;
જઈ થોડે છેટે પછી અનુભવે શીતલ હવા,
પડે દૃષ્ટિ માટે વન તરફ લાગે નીરખવા!

અક્ષુબ્ધ હૃદયે જોઈ રચના એ ઋતુ તણીઃ
મળવાને પછી ચાલ્યો બીજી પર્ણકુટી ભણી.

માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર,
કુંતા ગયેલ કંઈ કારણથી બહાર!
માતા સતી નકુલ ને સહદેવની એ,
હા! તાપસી નૃપની સાથ હતી બની એ.

ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું;
નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.

“નથી શું કુંતાજી? નહિ અરર આંહી રહી શકે
પ્રિયે! તું એકાંકી? સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે?
ખરે ત્યારે આનો અનુભવ જરા આજ કરીએ,
જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ ફરીએ.”

પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો :
મટી તાપસ એ પાછો ભર્તા — સ્વામી — ખરે ! થયો!

શાંતિ મહીં નહિ થયો કંઈ ફેરફાર,
તેથી જ હાલ નૃપતિ વીસર્યો સવાર :
માદ્રી નહિ કરી શકી કંઈયે નકાર :
જાણેલ હોય કદી શું વિધિના પ્રકાર?

પૂર્વાશ્રમ તણી બુદ્ધિ પાછી આવી ગઈ હતી :
ફરે સાંપ્રતને ભૂલી વનમાં સાથ દંપતી.
વહી જતાં ઝરણાં શ્રમને હરે,
નીરખતાં રચના નયનો ઠરે :
મધુર શબ્દ વિહંગ બધાં કરે,
રસિકનાં હૃદયો રસથી ભરે!

વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,
નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,
જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.

ઊછળ્યું લોહી તેથી એ સાવધાન થયો નહીં :
સ્ત્રીસંગે નર્મગોષ્ઠીમાં વધે છે વનની મહીં.

ઉત્તુંગ નમ્ર સહકાર દીસે ઘણાય,
લાખો વળી અગુરુ ચંદન ત્યાં જણાય;
વૃક્ષો, લતા, સકલ કૈંક અપૂર્વ રંગ,
જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?

ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ;
પ્રવેશ સતીની સાથે કરે છે તે મહીં નૃપ.

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.

“સાંભળ્યું મોહ પામીને હવે કોકિલકૂજન;
પ્રિયા પંચમ વૃષ્ટિથી ન્હાવાનું થાય છે મન.”

જરા શંકા પામી, તદપિ નહિ કાંઈ કહી શકી,
વળી એવી ભીતિ નૃપવદન જોતાં નહિ ટકી;

નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે,
વિચારી એ માદ્રી તરત જ જરા કૈં શરૂ કરે.
દિવ્ય રાગ શરૂ થાતાં બન્યું શાંત બધું વન;
લોહચુંબકથી જાણે ખેંચાયાં સર્વનાં મન.

માધુર્ય એ ઊછળતું ક્યહીં ના સમાય,
હા! કેમ આ હલક અંતરથી ખમાય;
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી!
ભેટી રહ્યા સ્વર વિષે દઈ વૃત્તિ જોડી!

ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છેઃ
હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!

સંગીતામૃત વર્ષતાં પ્રથમ તો આનંદ વ્યાપી ગયો;
સાતે એક કરું પ્રિયાહૃદયને આવેશ એવો થયો;
ખેંચાયો પણ વેગ પૂર્ણ કરતાં, આવી સ્થિતિની સ્મૃતિ,
રાખે અંકુશ, તોય સ્પષ્ટ વપુમાં દેખાય છે વિકૃતિ.

નિહાળી નૃપને રાજ્ઞી જરા ગાતાં રહી ગઈ;
હાય રે! ઊલટી તેથી તેની શાંતિ વહી ગઈ!

“પ્રિયે! માદ્રી! આહા! સહન મુજથી આ નથી થતું;
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું;
ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા,
છટાથી છોડી દે! અરર! ક્યમ રાખે નિયમિતા? ”

વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
અપૂર્વ ધ્વનિથી પૂરો મદોન્મત્ત થયો હતો :

“સખી! દેવી! વ્હાલી! સ્વરૂપ તુજ આજે બહુ દીસે,
ખરે! રંભા જેવી રસમય અહીં નંદન વિશે :”
નિહાળે વર્ષાવી પ્રણયરસ બંને નયનથી,
જરા ધાસ્તી પામે સતી પણ હવે હાય! મનથી.

ગીત પૂર્ણ થતાં રાજા જાય છે પાસ કૈં મિષે;
“ક્ષમા — પ્રાણ નહીં.” બોલી; લે છે એને ભુજા વિશે!

“રે હાય! હાય! નહિ નાથ નહીં,” કહીને,
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે;
હા! દીન દૃષ્ટિ કરી એ નીરખી રહે છે,
દુઃખે ભર્યાં નયનથી નૃપને કહે છેઃ—

“ડરું છું, ભય પામું છું, જોઈને આજ આપનેઃ
અરે! કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને?

બહુ બીતી બીતી થરથર થતી એ કરગરે,
નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તોપણ, અરે!
“ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?

“પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!
ત્વરાથી દેહ જોડી દે : આ તો નહીં ખમાય રે!

“જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન :
મારું નથી બલ, બન્યો જલ બ્હાર મીન :

દેવી! વિચાર કરવા સઘળા તજી દે :
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!”

વિચાર કરવા જેવો હવે વખ્ત રહ્યો નહિ;
ઝંપલાવી પડી માદ્રી નરેદ્ર-ભુજની મહીં.
***
નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદયઃ
પડયા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય.
જરા ત્રુટયાં વાક્યો કંઈ કંઈ થઈ ને રહી ગયાં :
હજારો વર્ષો એ પછી પણ હવે તો વહી ગયાં!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.