જો! એ આવે, કંઈ બબડતો ચાલતો, મંદ મંદ,
સંચા પેઠે ચરણ ઊપડે, ને વળી વૃક્ષવૃંદ,
જોવા માટે ઘડી ઘડી પછી એહ ઊભો રહે છે,
શા માટે એ નથી ખબર કૈં દુઃખ આવું સહે છે.
થોડું ચાલી અટકી જઈને એ કરે છે વિચાર,
જોતો જોતો સ્થિર નજરથી ચાંદનીની બહાર,
રાખ્યા છે બે કર લટકતા, છે નહીં કાંઈ ભાન,
લાગેલું છે, નથી ખબર કૈં, શા મહીં તેનું ધ્યાન.
વારે વારે શિર કર ધરી એહ નઃશ્વાસ નાખે,
ધીરે ધીરે કંઈક મુખથી વાણી અસ્પષ્ટ ભાખે,
ક્યાં ચાલે છે નથી કંઈ નિશા ઠોકરો તેથી ખાયે,
શું છે તેને દરદ દિલનું કાંઈ એ ના જણાયે.
જાતાં જાતાં નદીતટ પરે એહ આવી ચડે છે,
ઓચિંતો તે શીતજલ વિશે એ બિચારો પડે છે,
તોયે તેને ગમગીની કંઈ એ તણી તો ન થાય,
આવો વ્યાધિ અજબ જબરો તેહનો શો ઉપાય!
ચિંતા માંહી નિજ વપુ તણા નૂરને એ ગુમાવે,
ભાવે નૈં કૈં વળી રજનીમાં લેશ નિદ્રા ન આવે,
કોઈ સાથે વચન મુખથી બોલતો એ નથી જ,
લાગે છે કે હૃદય મહીં કૈં, છે ખરું તેનું બીજ.
Feedback/Errata