૮૨. સ્વર્ગગંગાને તીર

[અનુષ્ટુપ અને મંદાક્રાન્તા]
સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી;
શું હવે સંભળાવું હું, નહીં જોઉં ફરી ફરી.
કાલે રાતે મુજ શયનમાં અપ્સરા એક આવી,
યંત્રો થોડાં નવીન કરમાં રાખીને સાથ લાવી;
મારા સામું ક્ષણ નીરખીને પ્રત્યભિજ્ઞા લહે છે,
ધીમે ધીમે મધુર વચનો આ પ્રમાણે કહે છે :
“વિમાન લઈને સાથે, આવી છું આપની કને,
સ્વર્ગમાં ફરવા ચાલો, આજ્ઞા છે બાઈની મને.”
ઊભાં મારા તનુ પર થયાં હર્ષથી સર્વ રોમ,
આવ્યું શબ્દો પ્રિયકર સુણી દેહમાં ખૂબ જોમ.
તેનાં યંત્રો ઉપર હળવે થાઉં છું હું સવાર,
ઊંડું ઊંચે તદપિ નીરખું સૃષ્ટિસૌંદર્યસાર.
પર્વતો થાય છે નાના, રસા બાલક જેવડી;
સરિતા સર્વ મુક્તાની માલાઓ હોય તેવડી.
જોતાંમાં તો થઈ ગઈ સખે પૃથ્વી અત્યંત નાની,
બીજા સર્વે ગ્રહગણ વિશે ઓળખું એહ શાની!
આવ્યો ત્યાં તો પરમ સુખને આપનારો પ્રદેશ,
સાહિત્યોની વિવિધ સુખમાં જ્યાં નહીં ખામી લેશ.
પૂર્ણ ચંદ્ર પ્રકાશે છે, વરસે છે સુધા સદા,
અંતરિક્ષ વિશે ગાય અપ્સરાઓ પ્રિયંવદા.
વૃક્ષોમાંથી પરિમલ લઈ વાયુ જે સંચરે છે,
સ્થાને સ્થાને હૃદયકમલો હર્ષથી તે ભરે છે;
મીઠો મીઠો રવ કરી કરે પક્ષીઓ સર્વ ગાન,
ક્રીડા કેરાં સદન નીરખી છેક ભુલાય ભાન.
“બીજું જોવા નહીં દેવું, આજ્ઞા છે એમ આકરી,
માટે આપ વળો આમ, કવિરાજ, કૃપા કરી.”
લીધો રસ્તો પ્રિય સખી તણું વાક્ય એ સાંભળીને,
છોડી દીધું અવર સઘળું અન્ય માર્ગે વળીને;
થોડી વારે પવનલહરી આવવા માંડી શીત;
ધીમું ધીમું શ્રુતિ પર પડયું દૂરથી કોઈ ગીત.
સાંભળી વિકૃતિ મારી આંખોમાં સહસા થઈ,
ઓળખ્યો સ્વર મેં એવું અપ્સરા સમજી ગઈ.
દેખાયો ત્યાં મધુર સ્વરના જન્મનો દેશ પાસે,
ઘાટાં વૃક્ષો મહીં પણ જહીં ચદ્રિકા સ્પષ્ટ ભાસે;
જોયો દૃષ્ટિ સ્તિમિત કરીને સ્વર્ગગંગાપ્રવાહ;
જેથી મારો ઝટ શમી ગયો મૂડ મર્ત્યત્વદાહ.
દર્શાવે છે કરી ક્રીડા શકુન્તો મનનો રસ,
સજોડ પુલિનો પાસે રમે છે હંસ સારસ.
આંખોમાંથી મુખ પર પડે જેમનું બાષ્પપૂર;
તે પોતાની પ્રિય સહચરી પાસ નાચે મયૂર;
ઘોળાયા છે પ્રણયરસથી જેમના ચક્ષ્વપાઙ્ગ.
રાત્રીમાંયે અનુભવ કરે હર્ષનો ત્યાં રથાઙ્ગ.
પશુઓ પક્ષીઓ વૃક્ષો પવનો પ્રસ્તરો સહુ,
ખૂબીદાર અહીં લાગે, દીસે આનંદમાં બહુ.
ધોળાં ધોળાં શશિકિરણ જે તોય સાથે ગળે છે,
તેથી તેને સરસ વધતી શ્વેત શોભા મળે છે;
વચ્ચે વચ્ચે સ્મરણ કરવા યોગ્ય દ્વીપો જણાય,
પાણી સાથે રતિ સમયનાં ભૂષણો ત્યાં તણાય.
પરિવર્તન પામે છે ચીજો ત્યાં આસપાસની —
જલમાં રચના જોશો તરુખ્ર્તારકખ્ર્ઘાસની.
એ સૌ શોભા તજી દઈ હવે ધ્યાન બીજે જ જાય,
આહા! પાસે મધુર રવ એ વીણનો સંભળાય;
જાદુ જેવા અજબ ગુણથી વૃત્તિઓ મૂઢ થાય,
ઝાઝું તો શું પણ અવયવી ચેતનાયે ભુલાય.
સ્વરથી થઈને લુબ્ધ વાયુ એ મંદ વાય છે;
વીણા દ્વારે ખરે કોઈ મોહિનીમંત્ર ગાય છે.
થોડે થોડે પરવશ થયું, સર્વ મારું શરીર,
દૃષ્ટિ ઝાંખી, જડ બની જતાં દૂર દેખાય તીર;
પાસે આવ્યું સ્થલ તદપિ તે મેં નહીં કાંઈ જાણ્યું,
શુદ્ધિ માંહી મુજ મન પછી અપ્સરાએ જ આણ્યું.
જ્યાં હું આંખો ઉગાડીને ઊતરું છું વિમાનથી,
અરે રે, હાય! એમાંનું મારી સામે જરા નથી.
નીચે ઊંડો શ્રુતિપથ થકી ઊતરીને ફરે છે;
ઝીણો મીઠો વિરલ સ્વર, એ ચિત્તમાં શું કરે છે?
ક્યાં એ સર્વે અજબ રચના આંખની જાય ઊડી?
એની કેમે ખબર ન પડે શોકમાં જાઉં બૂડી!
કેની પાસે હતું જાવું અપ્સરા કોણ એ હતી,
એ વિચાર વિશે મારી હજી મૂંઝાય છે મતિ.
જાણું છું કે સ્વર અજબ એ હું જરા ઓળખું છું,
તોયે શાંતિ નહિ હૃદયને થાય એવો જ હું છું;
ઝાઝાં વર્ષો પર શ્રુતિપથે જે પડયો હોય, હાય!
એનો એ છે — ખચિત જ — સખે, એમ શાથી જણાય?
સ્વપ્ન અદ્ભુત એ મારું લંબાયું હોય જો કદા,
સર્વ નિશ્ચલ થાતાં તો સંતોષી ર્હેત સર્વદા.
રે! હું ક્યારે ફરી નયનથી સ્વર્ગગંગા નિહાળું!
જ્યોત્સ્ના તો એ ટળી ગઈ — થયું પાસ અંધારું કાળું.
દુર્ભાગી હું શયન પરથી હાય! નીચે પડું છું;
પાછું આવે નહિ તદપિ તે સ્વપ્નને હું રડું છું.
જાણું છું નામ હું તોય જણાવું કેમ આપને,
અનુમાન જ હોવાથી બહુ સંદેહ ર્હે મને.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.