પ્રતિજ્ઞા સાથે આવો વ્યવહાર ? – વજુભાઈ શાહ

દારૂબંધી અંગેનું કામ સ્વરાજ મળ્યા પછી એક કલાકમાં કરવાનું હતું તે છતાંય હજી બાકી છે, એ આપણા રાષ્ટ્રની કમનસીબી છે. આ સંબંધમાં જ્યારે જ્યારે આગ્રહ કરવામાં આવે છે ત્યારે ત્યારે રાજ્યો તરફથી એક જ એવા કારણસર અશક્તિ જાહેર કરવામાં આવે છે કે, આબકારી જકાત બંધ થતાં રાજ્યની આવકને મોટો ફટકો પડે તેનું શું ?
આ દલીલ નિરાધાર છે, સાથે સાથે અનૈતિક પણ છે. એક તો એ કે, આબકારી જકાતની આવક એ રાજ્યની કુલ આવકના પાંચ ટકા કરતાં વધારે નથી. પરંતુ કદાચ તેમ હોય તોયે તેવી વાત કલ્યાણ રાજ્યના આદર્શ રાખનારને શોભે તેવી નથી. કેમ કે રાજ્યને આબકારી જકાતમાંથી એક રૂપિયાની આવક મળે છે એની સામે દારૂ પીનારાના ઘરમાંથી ત્રાણ-ચાર રૂપિયા દારૂમાં હોમાઈ જાય છે. એનો અર્થ એ થયો કે ગરીબ પ્રજાના ઘરમાંથી દસ કરોડ રૂપિયા બરબાદ થાય ત્યારે રાજ્યને બે-ત્રાણ કરોડ રૂપિયા મળે, અને પછી રાજ્ય એમાંથી લોકકલ્યાણનાં કામ કરે !
એક બાજુથી પ્રજાને દારૂ પીવાની સગવડ કરી આપવી, બરબાદીનો રસ્તો ખુલ્લો કરી આપવો, હજારો કુટુંબોને છિન્નભિન્ન ને રખડતાં કરી મૂકવાં, સ્ત્રીઓ અને બાળકોને નિરાધાર બનાવવાં; આમ લાખો માણસોના આરોગ્યની, પૈસાની અને નીતિની બરબાદી કરવી – અને પછી એ બરબાદીને કારણે જે થોડી આવક થાય તેમાંથી ક્યાંક ઇસ્પિતાલો, ક્યાંક સ્ત્રીઓ માટે આશ્રયસ્થાનો, બાલ-ગુનેગારો માટે સુધારણાગૃહો કરવાં, એ તે કઈ જાતનું કલ્યાણકાર્ય ?
જેઓ દારૂબંધી દાખલ કરે તેમને આબકારી જકાતની અરધી ખોટ આપવાનું ભારત સરકારે વિચાર્યું. પરંતુ આ ઉદાર સૂચનનો ઉત્તર પ્રદેશ અને મૈસૂરનાં બે રાજ્યો તરફથી જે જવાબ મળ્યો છે તે ઘણો બેહૂદો, બેજવાબદારીભર્યો અને બેશરમ છે, એમ દુઃખ સાથે કહેવું પડે છે. પોતાને ત્યાં દારૂબંધી દાખલ કરવા માટે તેમણે એવી શરત મૂકી છે કે અરધી નહિ પણ આખેઆખી ખોટની જવાબદારી ભારત સરકારે ઉપાડવી; પછી દારૂબંધીનો અમલ કરવા જતાં તંત્રાનું જે ખર્ચ આવે તે ઉપાડવું; ઉપરાંત જેઓ દારૂના ધંધામાંથી બેકાર થાય તેમને કામધંધા આપવાની જવાબદારી પણ ભારત સરકારે સ્વીકારવી.
આ મુખ્ય પ્રધાનો પોતે ક્યાં બેસીને શું બોલી રહ્યા છે તેનું તેમને ભાન હશે કે ? દારૂબંધી એ કોઈ રાજ્યો કે પ્રધાનોની ઇચ્છા પ્રમાણે ચલાવવા-ન ચલાવવાનો કાર્યક્રમ નથી. એ તો રાષ્ટ્રીય પ્રતિજ્ઞા છે અને બંધારણમાં એને માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમને પોતાની અશક્તિ લાગતી હોય તેમણે રાજ્ય ચલાવવાની જવાબદારી છોડી દેવી જોઈએ. રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સાથે આવો ઉડાઉ, બેજવાબદાર વ્યવહાર કરવાનો કોઈને અધિકાર નથી.

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.