કોની છે આ ધીંગી ધરતી ? – કરસનદાસ માણેક

જીવનમાં અમૃતરસ ભરતી,
કોની છે આ ધીંગી ધરતી ?

કૈંક શ્રીમંતો ને સરદારો
ઊગ્યા – આથમિયા દરબારો,
ચક્રવર્તીઓ થયા ચાલતા
બોલાવી ઘડીભર દેકારો,
ધરા તણી ધણી થઈને ફરતી
લાંબાં લશ્કર લઈ સરકારો :
તેય સૂતી સૌ સોડ તાણીને
મહાકાળનો થઈને ચારો !

ને એ સૌની મશ્કરી કરતી
હસી રહી આજે યે ધરતી !
એ જ લહેરથી વિશ્વ વિહરતી –
કોની છે આ ધીંગી ધરતી ?

કરસનદાસ માણેક

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.