આ ગામડાં – હસિત બૂચ

આ ગામડાં !…

બપોરનો તડકો હશે,…
આ કોશિયાનાં ગાન, ટ્હૌકો મોરનો ઘેરો હશે ને
ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે….
પાવાતણી મીઠી ખુમારીથી ભરેલાં આયખાં,
ફૂલો સમાં નિર્દોશ ખુલ્લાં ખેતરો જેવાં હયાં,
કૂવે-વલોણે-માખણે જીવન્ત એવાં ગામડાં….

આ ગામડાં !….
ખાડા અને ખૈયા મટી
રસ્તા થશે પહોળા અને પાકા બધે;
ફેલાઈ જાશે વીજળી,
નાનાં ઘરોની હાર ઘાટીલી સુખાળી શોભશે;…
ગ્રંથાલયો-શાળા-બગીચાઓ થશે,
ઢોરોતણી આ છાપરીઓ ધરશે કાયા નવી….
ઘી-દૂધ-માખણ અને મધની થશે કૈં મંડળી,
નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ….

અરે, બસ હો હવે !
આકાશમાં ખાલી મિનારા કાં ચણો ?
આ ગામડાં !…
આવો,
અહીં આકાશ પર ટાંપી રહ્યાં
ખુલ્લાં છતાં છાનાં રહેલાં ખેતરો;…
જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના,
ભંડાર ખૂટયા ના વળી જે ભોમના,
તે ઠામનાં
લાખો જનો ભૂખે મરે કંકાલ શાં !
છે ભોમ એ,
રે ! વ્યોમ એ,
અંગાર તો યે ભૂખનો પેટાય રોમેરોમ કાં ?…

આ ગામડાં !…
આકાશને ટેકે અહીં તો છે રહ્યાં સૌ હાડકાં,
ના બાવડાં આજે રહ્યાં;
હૈયાંય કિંતુ છે થયાં પાષાણનાં – ધાતુ સમાં !
ચૂસે બધું યે સત્ત્વ થોડા સ્વાર્થમાં અંધા બની,
અળગાં કરી પોતાતણાં
ભાંડું ઘણાં જે દીન શોષાતાં રહ્યાં.
જોતી રિબાતી માવડી :
સંતાન રેં’સાઈ રહ્યાં સંતાનથી !

આ ગામડાં !
ખૂણે પડયા પાવા,
બજી હોટેલની થાળી રહી :
એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ !
તૂટેલ ગંદા કોંપની ચાના રગડ,
ઊગે નહીં વ્હાણું અહીં બીડી વગર;
ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર,
ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક !

ઉદ્ધારનાં નકશા-નિવેદનમાં રહ્યાં એ ગામડાં !
લેખોમહીં ને ભાષણોમાંહે મઢેલાં ગામડાં !
જોયાં ભલે એ ગાયકે બિરદાવિયાં,
ના ચાલતી મારી જબાં –
હું તો નિહાળું છું બધે એ કલ્પનાનાં માળખાં !

હસિત બૂચ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.