આ વિષચક્રમાંથી છૂટવા – – બટુક દેસાઈ

ગામડાંઓ તૂટી રહ્યાં છે. રોજગારીની શોધમાં ગામડાંમાંથી એકધારો પ્રવાહ શહેરો તરફ વહી રહ્યો છે. શહેરોમાં ગુનાખોરીના પ્રમાણમાં મોટો વધારો થઈ રહ્યો છે. વિશ્વભરમાં છેલ્લા બે દશકામાં હિંસક ગુનાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

વખાનો માર્યો રોજી-રોટલો શોધવા શહેરમાં આવેલો ગામડાનો સીધોસાદો ખેડૂતનો દીકરો ગુનેગારીને માર્ગે શા માટે વળતો હશે ?

માનવીમાત્રાનું એક વ્યક્તિત્વ છે. તેને પોતાનો સમૂહ છે, પોતાનાં વડીલો છે, વડીલોની આમન્યા પાળવાની પરંપરા છે, મિત્રો છે – અને એ બધાંથી બંધાયેલું તેનું વ્યક્તિત્વ છે. આ બધાંનો તેને ખોટું કરતાં વારતો ડર પણ છે, અને પોતાની પ્રતિષ્ઠા ઘટવાની ભીતિ પણ છે. નિરક્ષર અને બેકાર મનુષ્યની પણ, તે જ્યાં જન્મ્યો અને ઊછર્યો હોય તે સમાજમાં કોઈક પ્રકારની ભૂમિકા છે. ત્યાં બીજાઓ તેને પિછાને છે, તેમની સાથે તેનો સામાજિક વ્યવહાર છે, લાગણીનો સંબંધ છે. તેમની પાસેથી તે આવકાર પામે છે, સ્વીકૃતિ પામે છે.

આવા ખેડુપુત્રો રોજીની શોધમાં શહેરમાં આવે છે ત્યારે એકલા-અટુલા, મિત્રો-સંબંધીઓ વિનાના, મૂળિયાં વિનાના છોડ જેવા બની જાય છે, શહેરના વિશાળ ફલકમાં ખોવાઈ જાય છે. વ્યક્તિત્વ અને કશી નિજી ઓળખ વિનાના પડછાયા જેવા તે બની જાય છે, અને શું કરવું એની સમજ તેને પડતી નથી.

શરૂઆતમાં તો પોતાના કે અડોશપડોશના ગામથી આવેલા ઓળખીતાઓ રહેતા હોય ત્યાં ગોઠવાવા એ પ્રયત્ન કરે છે. પણ એ લોકોય માંડ જીવન ગુજારતા હોય છે અને આખો દિવસ તન તોડતા અસંખ્ય ગરીબોની જમાતના હોય છે. નવા આવનારને દાદ દઈ શકે તેવી એમની જ સ્થિતિ નથી હોતી. એટલે પછી નવો આગંતુક વસતીથી ઊભરાતા શહેરમાં અટુલો પડી જાય છે. પોતાનામાં જે કાંઈ શક્તિ હોય તેની અભિવ્યક્તિ દ્વારા બીજાઓની પ્રશંસા પામવાની તક તેને મળતી નથી. તે હતાશ થાય છે, પોતાને વ્યક્તિમાંથી માત્રા પડછાયો બની ગયેલો જોઈને તે હતાશ થાય છે. ધીમે ધીમે તેને આ શહેર ઉપર અને પોતાની જાત ઉપર નફરત આવતી જાય છે.

આમ છતાં આરંભમાં તો તે ગુનેગારીના માર્ગે વળતો નથી. ગુનામાં આવી જવાય એવું કશું પણ કરતાં એ ડરે છે. પણ આસપાસ જે કાંઈ બની રહ્યું છે તે જોતાં જોતાં એનો ડર હળવે હળવે ઘટતો જાય છે. શહેરના પ્રતિકૂળ વાતાવરણમાં પણ કેટલાય ગરીબો શી રીતે જીવે છે તે જોતાં જોતાં એ પણ તેની કરામતો શીખવા માનસિક રીતે તૈયાર થતો જાય છે. અને પછી ક્યાંક આડોઅવળો સાથ મળતાં તે પણ ગુનેગારોની આલમમાં દાખલ થઈ જાય છે. આજની સામાજિક વિષમતા અને આ„થક અસમાનતાએ શહેરોને ગુનેગાર તૈયાર કરવાનાં કારખાનાં બનાવી દીધાં છે.

પ્રામાણિકપણે મહેનત કરીને રોટલો રળવા આવેલા ખેડુપુત્રાને ગુનેગારમાં પલટી નાખતી આ પ્રક્રિયાને વેગ આપનારું બીજું પરિબળ તે શહેરનો માહોલ છે. શહેરનું મુક્ત વાતાવરણ, સ્વચ્છંદતા, કોઈની શરમ કે ભય વિના મનગમતા ભોગ ભોગવવાની – પૈસા હોય તો – છૂટ : આ બધું જોઈને તે હલબલી ઊઠે છે. સાચા- ખોટાની તથા જીવનને મૂલવવાની આછીપાતળી જે કંઈ સમજ તેનામાં હોય તે હચમચી જાય છે.

આટલું ઓછું હોય તેમ ટીવી દ્વારા પ્રસારિત કરાતો ઉપભોક્તાવાદ, સુખવાદ બાકીનું કામ પૂરું કરી નાખે છે. ટેલિવિઝન ગાઈ-બજાવીને તેને કહે છે કે માણસનું મૂલ્ય તેના ચારિત્રયથી નહીં, સમાજઘડતરમાં તે કેટલો ફાળો આપે છે તેના પરથી નહીં, પણ નાણાંથી મૂલવાય છે. આવા સંજોગોમાં, જેની પાસે ધન નથી અને સીધે રસ્તે તે રળવાની તક પણ નથી એવા લોકો ગુના કરવા તરફ વળે છે. આજે મહાનગરોમાં ગુનેગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, તેના મૂળમાં આ પરિસ્થિતિ રહેલી છે.

ભણેલાગણેલા મધ્યમવર્ગમાં પણ ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. તેમના ગુનાઓ હિંસક પ્રકારના નહીં પણ વિવિધ પ્રકારની આ„થક છેતરપિંડીના હોય છે. આવા ગુનાની 928 ફરિયાદો 1995માં દિલ્હીની પોલીસ પાસે નોંધાઈ હતી, જ્યારે 1998માં તેની સંખ્યા 2,420 પર પહોંચી હતી.

ફિલ્મો અને ટીવીની સિરિયલોમાં હિંસાને આકર્ષક બનાવતાં દૃશ્યો ને સંવાદોની ભરમારે પરિસ્થિતિને વિશેષ વણસાવી છે. શ્રમ-આધારિત ઉત્પાદનનું સ્થાન યંત્રા- આધારિત ઉત્પાદન લેતું ગયું તેમ તેમ બેકારી વધતી ગઈ. પેટનો ખાડો પૂરવા, પેટનાં સંતાનોને મૂઠી ધાન આપવા, ગુનાને માર્ગે વળવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. પરિણામે ગુનાખોરી પણ વધતી ગઈ. મુંબઈની ગુનેગાર આલમના નામચીન સરદારો, એ બેકાર મિલ-મજૂરોની જ ઓલાદ છે. મોટા ઉદ્યોગો વધતા જશે તેમ તેમ આ બેકારોની ફોજ પણ વધતી જ જવાની. મોટાં શહેરોમાં ગુનાખોરી વધતાં તેની સામે બુમરાણ થશે, પોલીસની સંખ્યા ને કડકાઈ ત્યાં વધતી જશે, તેથી ત્યાંના ગુનેગારો મધ્યમ કક્ષાનાં શહેરો ભણી વળશે; પછી ત્યાં ગુનાઓનું પ્રમાણ વધી જશે.

આ એક વિરાટ વિષચક્ર છે. તેમાંથી છૂટવું હશે તો આપણી જીવનશૈલી અને મૂલ્ય-પદ્ધતિ અંગે ફેરવિચારણા કર્યા વિના ચાલવાનું નથી. ઉપભોક્તાવાદી જીવનશૈલી છોડીને તંદુરસ્ત જીવનશૈલી તરફ વળવું પડશે. આ વિકલ્પી જીવનશૈલીનો પાયો લોભ નહીં પણ આવશ્યકતા હશે. સમાજના થોડાક સંપન્નોના ભોગવિલાસ પૂરનારા નહીં, પણ આમજનતાની લઘુતમ આવશ્યકતા પર ભાર મૂકનારા અર્થતંત્રાની રચના આપણે કરવી પડશે.

બટુક દેસાઈ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.