કબરોની કતાર – ‘ઓબ્ઝર્વર’

સંવત્સરના આખરી દિવસો દરમિયાન શિશિરના પહેલવહેલા સૂસવતા ચાબખાઓ ભારતીય પ્રજાસત્તાકના પાટનગરનાં ભિખારીઓ તથા હજારો પગથીવાસીઓના ઉઘાડા બરડા પર વિંઝાયા છે. આજ પૂર્વેના અનેક શિયાળાઓની જેમ આ વરસે પણ જુમા મસ્જિદનાં પગથિયાં પર, નગરસભા-ખંડના બગીચામાં, કેટલાંય સરકારી મકાનો પાછળનાં ચોગાનોમાં અને, અલબત્ત, રાજમાર્ગોની પગથીઓ ઉપર ટૂંટિયાં વાળીને, કોકડું વળીને આશરાહીનોની એ જમાત રાતવાસો કરતી પડેલી દેખાય છે. માનવીના કલેજા જેવી ટાઢીબોળ અને કઠણ ધરતીના થોડા થોડા ચોરસ-ફૂટના આ ટુકડાના આસાએશનો ત્યાગ કરવા પણ એ લોકો તૈયાર નથી – રખેને જિંદગાનીનાં પચાસ-સાઠ વરસોની સાંભરણો ખોવાઈ જાય એ દહેશતે. કેમ કે સ્મૃતિઓ તે જ એમની એકમાત્ર દોલત છે.

પગથીનાં એ વસનારાંઓને વરસોવરસની પોતાની આ અવદશા હવે કોઠે પડતી જતી લાગે છે. એમની કાયા ઉપર આદતનું જાણે કે કવચ ભિડાઈ ગયું છે અને શિયાળા સાથે એમણે કશીક ગુપ્ત સમજૂતી સાધી લીધી છે. ટાઢીહિમ જમીન પર એવાં સેંકડો એક કતારમાં સૂતેલાં હોય છે – જાણે કે કબરોની હારમાળા ! સેંકડો બીજા મિસ્કીનો ગંજીપો રમી રમીને, જુગાર ખેલીને, ચરસ પી-પીને તથા ગોઠણ વચાળે બે હાથ લપાવીને આછાં તાપણાં પાસે બેઠાં બેઠાં રાત્રીના લાંબા કલાકો વિતાવતા હોય છે. થાકેલી ને ઠિંગરાયેલી ધીરજ ધરીને એ રાહ જોતા હોય છે – શાની તે તો ખુદ એમને પણ જાણ નથી. શીત તારલિયાળી રાતે આ આખા દૃશ્ય પર નજર નાખતાં એક અજાયબ લાગણી થઈ આવે છે કે જાણે સજીવસૃષ્ટિ તો બધી ઉપર આસમાનમાં પડેલી છે, અને અહીં ધરતી પર જે પથરાયલું છે તે તો ધગધગતા નિશ્વાસોનું નર્યું ધુમ્મસ જ હશે !

‘ઓબ્ઝર્વર’

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.