થાકેલા ભગવાન – રવિશંકર મહારાજ

કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા.

પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રાણ પગલાંમાં ત્રાભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.

તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ – એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.

છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડયા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરઅંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછયું : “ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે ?”

ભગવાને જવાબ આપ્યો : “હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં જ આપી દીધો છે : ‘उद्ध्दरेदात्मनात्मानम्’ – માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.”

રવિશંકર (મહારાજ) વ્યાસ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.