મોરબીથી ઉત્તરે જીપ હંકારી. આ તરફ જેમ આગળ જાવ તેમ વૃક્ષો ઓછાં ને આછાં થતાં જાય. રસ્તામાં કંગાળ, ભાંગેલાં ગામડાં આવે. ગામડે ગામડે લોક બહાર વસેલું. બૂંગણ, પછેડી, ચાદર, સાડલા, ફાળિયાનાં રાવટીતંબૂ આડશ બનાવીને માઘના પવનમાં સોરવાતા સોસવાતા, એકબીજાની ઓથે જીવતાં માણસો ઠંડીથી થરથર ધ્રૂજતાં હતાં… જીપ હંકારી ટીકર તરફ – આ વિસ્તારનું સૌથી ધ્વસ્ત છેવાડાનું ગામ. અહીંથી આગળ રણકાંઠો શરૂ થાય.
દૂરથી જ ટીકરની તારાજી સામે આવી. ગામ આખું બહાર. ખેતરમાં, મેદાનમાં, નદીના પટમાં. શેરીઓ તો – શેરીઓ શાની કહેવાય ? – કાટમાળના ઢગલા. ભેંકાર ભીંતડાં. બજાર આખી બંધ. બેચાર સાજાંસમાં ઘર ઊભાં છે, બાકી તો બહારથી સાજાં દેખાય તેમાંય રહેવાય તેવું નથી. પડવાનું જોખમ ન હોય તેવાં તૂટેલાં ઘરમાંથી લોકો ઘરવખરી ફંફોસતા, ભેગી કરતા હતા. આવા વિપદકાળેય આ પ્રજાની નર્મવૃત્તિ ગઈ નથી. ઘરવખરી ફંફોસતાં ચશ્માં, કૂકર, ખુરશી, ચા-ખાંડના ડબરા અંબાવતા હતા, ત્યાં હાથ લાગી ગંગાજળની શીશી. એક જુવાને બીજાને કહ્યું, “આલા, લે ગંગાજળ, પી લે બે ઘૂંટડા – પછી પીવું નંઈ !”
સૂની બજાર, સૂનો રામજી મંદિરનો ચોરો, તિરાડ-તડિયાથી જર્જરિત મકાનોની દીવાલો, ઈંટ-પથ્થરોથી ભરી શેરી વટાવતાં ગામ સોંસરા નીકળ્યા પહોળા રેતાળ પટવાળી બ્રાહ્મણી નદીને કાંઠે. ગામ-છેવાડાની શેરી બહાર કાળાં કપડાંવાળી બેચાર આધેડ બાઈઓનો રોવાનો અવાજ સંભળાયો. થયું, ધરતીકંપમાં મરણ થયું હશે ને પરગામથી બાઈઓ કાણે આવી હશે. હળવું આક્રંદ કરીને બાઈઓ સામેની ડેલીમાં ગઈ. બહાર ઊભેલા ભાઈને અમે પૂછયું, તો કહે, “ગામ તૂટયાની ખબર સાંભળીને પાવૈયાઓ ગામની કાણે આવ્યા છે. આ ડેલી ઈ ઈમનો મઠ સે.” મઠમાં જવાય કે નહીં તે પૂછીને અંદર ગયા. આઠ-દસ પાવૈયા રોતા હતા. એ રોણું અંદરની વેદનામાંથી ફૂટેલું હતું. તેમની સાથે થોડી વાતો કરી. મઠમાં માતાજીનું સ્થાપન છે. ફળિયામાં પાળિયા છે, તે ગામને બચાવવા શૂરાપૂરા થઈ ખપી ગયેલા પાવૈયાના. એમના મોભીએ કહ્યું કે ગામનું તોરણ જ પાવૈયાના હાથે બંધાયેલું. અત્યારે તો આ પાવૈયાઓ અમદાવાદ, વીરમગામ, મહેસાણા તરફ રહે છે, પણ તેમને દીક્ષા અહીં અપાયેલી. જાત-મજૂરીએ આ મઠ ઊભો કરેલો, પછી તેનો જિર્ણોદ્ધાર પણ કર્યો. તેમના ગુરુ અને માતાજી આ થાનકમાં. ગુરુની વાત કરી. તેમની એક આજ્ઞા છે કે બ્રાહ્મણીની પેલી પાર તમતમારે ફૂલફટાક થઈને ફરો, પણ નદીનો પટ વટાવીને ગામમાં દાખલ થાવ તે પહેલાં બધા વાઘા ઉતારીને શોકનાં કાળાં કપડાં પહેરવાનાં. ધરતીકંપમાં અહીં તો એકેય પાવૈયો મર્યો નથી, તોય દૂરદૂરથી ગામની કાણે આવ્યા છે. “ગામની તમને આટલી બધી લગન ?” આશ્ચર્યથી મેં પૂછયું. તો કહે, “અમારે ક્યાં છોકરાં જણવાં છે ? ગામની પરજા એ જ અમારી પરજા. આ ગામને અમે કેવું રૂડું દીઠેલું છે ! હવે આ દશા જોવાતી નથ.”
મઠનાં માતાજીને, ફળીના પાળિયાને પગે લાગી, પાવૈયાઓને મોઢે રામરામ કરી, પણ મનોમન તો પ્રણામ કરી, અમે ચાલ્યા. બે પાવૈયાય ગામની ખબર કાઢવા નીકળેલા. તૂટેલી ડેલીવાળા કોઈક ફળિયામાંથી એક ભાભાએ સાદ દીધો : “માશી, આયાં ચા પીતાં જાવ.” જવાબમાં “હમણાં આવીએ, હોં !” કહીને એ બે શોકાકુલ ચહેરે, શિથિલ ચાલે ગામની શેરીઓના અવશેષ ભણી વળ્યા. સામાન્ય રીતે રુક્ષ્ણ લાગતા, આપણા માટે ઉપહાસ અને વ્યંગનું પાત્રા બનતા પાવૈયાઓનો બીજો જ ચહેરો આ પહેલી વાર જોવા મળ્યો.
ત્યાંથી વળતાં આવ્યા જૂના ઘાટિલા. હાંડા જેવું ગામ કહેવાતું. ધરતીકંપે ઠીબડીની જેમ ભાંગી નાખ્યું છે. હવે માણસને હાથે એ ફરી ઘડાય ત્યારે ખરું.
માળિયા-મિયાણાના સુખપુર જેવા ગામનો તો સાવ કડુસલો બોલી ગયો છે. ખુદ માળિયામાંય તારાજી જ તારાજી. કાચાં ખોરડાં તો લગભગ સાફ થઈ ગયાં. પાકાં ઘર જે ટક્યાં તેય બાંડાં, ઠૂંઠાં, કૂબડાં. મુખ્ય રસ્તા બુલડોઝરથી સાફ થતા હતા, નાની ગલીઓમાં તો એવાં તોસ્તાન પેસી પણ ક્યાંથી શકે ? એનાં ઘરોમાં જ ગરીબ મિયાણાઓની ઘરવાળી, મા, દીકરી કે બાપબેટા દફન થઈ ગયેલાં છે. ઉઘાડા આભ નીચે પડેલાં આ માનવીઓ ચાર જ દિવસ પર જે એમનાં ઘરબાર હતાં તેની યાદને વાગોળતાં હતાં… અમારું રેકોઋડગ ચાલુ હતું.
હવે રાજકોટ પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. ઝટ પહોંચીને રાતોરાત કાર્યક્રમ બનાવીને રેડિયો પર મૂકવાનો હતો, ને સાત તો અહીં જ થઈ ગયા હતા. ખેર, આ વિસ્તારના લોકોની મુલાકાત-આધારિત કાર્યક્રમ રાતે રેડિયો પર રજૂ કરીને મોડા મોડા તોયે અમારે તો સાજાસમા ઘરમાં ગરમાગરમ રસોઈ ખાઈ, ટીવીની ચેનલો પર ભૂકંપનાં રોમાંચક દૃશ્યો નિહાળ્યા પછી ધાબળો ઓઢીને સૂઈ જવાનું છે… ત્યારે એ બધા લોકો માટે તો એવો દિવસ હજી કોણ જાણે કેટલોય દૂર હશે !
Feedback/Errata