ખોરડાં

ખોરડાં મટી ગ્યાં, અમે ખંડેર કે’વાણાં !
કિયે મોઢે દઈં આવકારા રે ?
ઓશિયાળી થૈ ગૈ ઓસરી હો….જી !

ઇંઢોણી મોતીડે ભરિયલ, ઊજળી ઈ હેલ્યું,
અમરત-કુંભ ક્યાં ઢોળાણો રે ?
પાણિયારે હવે પાણકા હો….જી !…

ચેતનવંતા ચૂલાના ક્યાં ગયા દેવતા ?
સીંકે ઢાંકેલાં ઈ ગોરસ રે !
તલખે છે કે’ને તાવડી હો….જી ?

આંગણે એકલ ખટ્ટકે ગાવડીનો ખીલડો,
વાછરું વેળા થ્યે નવ છૂટે રે,
થડકારો વેઠે થાંભલી હો…જી !

ઓરડાને હૈડેથી ચીજું ક્યાં ચોરાણી ?
ઢોલિયો, ધડકી, પટારા રે,
ગાયબ થૈ ગ્યા ગોખલા હો…જી !

જઈ આતમરામ પૂછે તુલસીને ક્યારે :
લગન લખી કાનને તેડયા રે,
જાનું ઈ ક્યારે આવશે હો…જી ?…

જયંતીલાલ સો. દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.