ક્યાં સુધી ? – જયન્ત પાઠક

જૂઠનાં આ દૃશ્ય ચાલે ક્યાં સુધી ?
સાચનો પડદો પડે ના ત્યાં સુધી.

આયનાઓ સાથ આપે ક્યાં સુધી ?
ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુધી….

શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુધી ?
મૌન ના મૂકે મલાજો ત્યાં સુધી.

તો તમારો સાથ – બોલો, ક્યાં સુધી ?
ભૂલા પડયાનું ભાન આવે ત્યાં સુધી.

ખોજ બીજાની કરીશું ક્યાં સુધી ?
આપણે ખોવાઈએ ના ત્યાં સુધી.

જયન્ત પાઠક
[‘સમર્પણ’ માસિક : ૧૯૭૬]

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.