અગાઉ અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખતા અને તેમની પાસેથી ઢોરની જેમ કામ લેતા. તેમના પર બહુ જુલમો થતા. એ ગુલામો તેમના માલિકની મિલકત ગણાતા. માલિકને ત્યાંથી ગુલામ નાસી જાય તો કાયદા મુજબ તેને આકરી સજા થતી. છતાં માણસના હૃદયમાં મુક્તિની ઝંખના એવી રહેલી છે કે ઘણી વાર ગુલામો નાસી જતા અને પકડાય પછી ભારે સજા ભોગવતા.
એવો એક નાસી ગયેલો ગુલામ પોલીસને હાથે પકડાયો. કોર્ટમાં એને ખડો કર્યો, ત્યાં મેજિસ્ટ્રેટે પૂછયું : “તારે કેમ નાસી જવું પડયું ? શું તારો શેઠ તને મારે છે ?”
ગુલામ કહે, “ના જી.”
“ત્યારે શું એ પૂરતું ખાવાનું આપતો નથી ?”
“ના જી, મને પેટ ભરીને ખાવાનું મળે છે.”
“ત્યારે કપડાં પૂરતાં મળતાં નથી ?”
“એ પણ પૂરતાં મળે છે.”
“ત્યારે શું બહુ સખત મહેનત કરાવે છે ?”
“ના જી, એમ તો ન કહેવાય.”
મેજિસ્ટ્રેટે પૂછયું, “તો પછી શેઠ સામે બીજી કાંઈ ફરિયાદ છે તારે ?”
ગુલામ કહે, “ના જી, અમારો આ શેઠ અને તેના ઘરનાં લોકો માયાળુ છે.”
આ સાંભળી મેજિસ્ટ્રેટે આશ્ચર્યથી પૂછયું, “તારો શેઠ તને મારતો નથી, બહુ સખત મજૂરી કરાવતો નથી, પૂરતાં ખોરાક-કપડાં આપે છે, અને માયાળુ પણ છે – તો પછી આટલા સુખમાંથી નાસી જવા માટે તારે કારણ શું છે ?”
ઘડીભર મૂંગો રહીને ગુલામ બોલ્યો, “નામદાર, એ જગ્યા હજુ ખાલી છે. આપ એ લઈ શકો છો !”
Feedback/Errata