– એવી નામના મેળવજો ! – કાકા કાલેલકર

મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે – ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો, ગરીબોની સેવા એ જ તમારું વ્રત છે. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે તે કોને આધારે ? ગરીબ ખેડૂતના આપેલા પાઈપૈસા પર સરકાર નભે છે. ગરીબોની દાઝ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે.

ગરીબોને કોણ નથી દબાવતું ?

ધર્મગુરુઓ, સાધુસંતો, સરકાર, કાયદા-કોર્ટો, દુકાળ બધાં જ એમને દબાવે છે, ડરાવે છે. એટલું ઓછું હોય તેમ ધર્મપ્રચારકો એમાં જાતજાતની બીકોનો ઉમેરો કરે છે. જ્યાં જાઓ ત્યાં બીક, બીક ને બીક જ ભરેલી છે. તારાઓ, શનિ, બળિયાકાકા – એ બધાંની બીક. ઘરમાં ખાવાનું ન હોય તો ભલે – પણ અમુક દેવ કોપ્યો છે, અમુક ગ્રહ અવળો થયો છે, તેને તો દાન આપવું જ જોઈએ ! સમાજ પણ એ દબાયેલાને દબાવે છે. રેલવેભાડું વધારે તો કંઈ ન બોલાય, પણ મજૂરને બે પૈસા વધારે ન અપાય ! વિલાયતી માલની દુકાનમાં ભાવની રકઝક કરીએ તો પ્રતિષ્ઠા ઓછી થાય, પણ શાકબજારમાં કેટલી રકઝક કરીએ છીએ ! વખત છે ને શાકવાળી છેતરે તો ! એ બાઈ છેતરી છેતરીને કેટલું છેતરવાની હતી ? બહુ બહુ તો બે આના. અને તે બે આના એ શા માટે મેળવે છે ? મોજમજા કરવા ? કે ફક્ત જીવતા રહેવા ?

ગરીબોની દાઝ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. એક વરસના જેલનિવાસ દરમિયાન મેં જોયું કે ગરીબો જ જેલમાં આવે છે. કોણ છાતી પર હાથ રાખીને કહી શકે એમ છે કે ગરીબો વધારે ગુનેગાર છે અને પૈસાદાર નથી ? પૈસાદારો પૈસાની મદદથી સજામાંથી છટકી જાય છે, ને ગરીબ લોકો જ સપડાય છે. જેલમાં પણ એમને નસીબે મુસીબતો અને જુલમો લખેલાં હોય છે. કાયદાનો પણ અમલ કરનાર તો માણસો જ હોય છે ને ! સજામાં પૈસાદાર-ગરીબ બંને સરખા છે. પણ જેલમાં પૈસાદાર માણસ સહેલાઈથી સગવડો મેળવે છે ને બિચારા ગરીબો જ સજાઓ ભોગવે છે.

ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું ? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને આપણે ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની શરતમાં ન દોડીએ, અને ગરીબાઈનાં કષ્ટો વેઠીને ગરીબોની દાઝ પ્રદર્શિત કરીએ. એ નવી કેરિયર વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉદ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નિમાય એ નથી, પણ ભણેલા લોકો ગરીબોની સેવા કરતા થાય એ છે. નહીં તો પછી પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચે ભેદ શો ?

દુકાળથી આપણામાંથી કોઈ મરી નથી જતું, પણ અનાજ પેદા કરનાર લોકો જ મરે છે. કેટલું દુર્દૈવ ! એ દશા જોઈને માણસમાં માણસાઈ રહી છે કે કેમ એ વિશે શંકા થાય છે.

જેલમાં રાવજી કરીને એક ભીલ કેદી હતો. તે પોતાની બહાદુરીનું વર્ણન કરતાં મને કહેતો હતો કે, મેં ત્રાણ દુકાળમાં મારાં બાળબચ્ચાંને જીવતાં રાખ્યાં ! આ વાતમાં તે અભિમાન લેતો હતો. એની કરુણ કહાણી સાંભળીને મારી ઓરડીમાં જઈને હું રોઈ પડયો. ત્રાણ-ત્રાણ દુકાળમાં પોતાનાં બાળબચ્ચાંને બચાવ્યાં, એમાં માણસને અભિમાન લેવું પડે, એ સ્થિતિ કેવી ! આવી સ્થિતિમાં માણસ કેરિયર ખોળે, પૈસાદાર થવા માગે ?

**

જેમને ઉચ્ચ કેળવણી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા વિદ્યાર્થીઓને કહું છું કે શહેરમાં જાઓ ત્યાં તમારી સાથે ગામડાંની સાદાઈ ને તેજસ્વિતા લઈ જાઓ. ગામડાંનો ચેપ શહેરને લગાડવા જજો, શહેરનો ચેપ લેવા નહીં જતા. શહેરના સારા સંસ્કારો હોય તે અહીં લાવો અને ગામડાંઓમાં પણ ફેલાવો.

નાના વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો.

ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત મુસાફરી કરજો. મુસાફરી કરવાથી અનુભવ મળે છે, દેશની પરિસ્થિતિની માહિતી મળે છે, ગરીબ લોકો કેવું કષ્ટ વેઠે છે તેની ખબર પડે છે. અને એ બધાં ઉપરાંત, કોઈ જબરો ઊઠીને જ્યારે ગરીબને કનડે ત્યારે ગરીબનું ઉપરાણું લેવા જાઓ. ગરીબનું ઉપરાણું લેવાની વૃત્તિ અને શક્તિ તો તમારામાં હોવી જ જોઈએ. ગરીબોમાં, આ દીનદુખિયાંનો બેલી છે એવી નામના મેળવો.

ગરીબોની સેવા કરો… ગરીબોની સેવા કરો. એ વિના બીજું કશું મારે કહેવાનું નથી.

કાકા કાલેલકર

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.