એક ઝટકે ઉખેડવાનું – કાકા કાલેલકર

અસ્પૃશ્યતા અન્યાયમૂલક છે, તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એ વાત લોકોને ઠીક ઠીક ગળે ઊતરવા લાગી છે. તોપણ એમ કહેનારા ઘણા મળે છે કે હજારો વર્ષથી ચાલતી આવેલી રૂઢિ – અને તે પણ ધર્મને નામે ચાલતી રૂઢિ – એકદમ નહીં તૂટી શકે. જરા ધીરેથી કામ લેવાવું જોઈએ.
ધીરેથી કામ લેવાનું આ તત્ત્વજ્ઞાન બહુ ભયંકર છે. અમેરિકન સ્વાતંત્રયવીર વિલિયમ લોઈડ ગેરીસને જ્યારે કમર કસીને ગુલામીનો વિરોધ કરવા માંડયો ત્યારે વહેવારદક્ષ લોકો તેને કહેવા લાગ્યા કે, “આમ જહાલ ન થશો; જરા ધીરેથી ચાલો, હળવે હળવે પગલાં માંડો.” તે વખતે ગેરીસને જવાબ વાળેલો કે :
“હળવે હળવે પગલાં કેમ માંડવાં તે હું સમજતો નથી. તમારા ઘરને આગ લાગી હોય ત્યારે કોઈ તમને કહે કે, બંબો જરા આસ્તેથી ચલાવો, પાણી જરા થોડું થોડું છાંટો, તો તમે તેનું કેટલું સાંભળશો ? તમારું ઘર લૂંટનાર ચોરનો હળવે હળવે વિરોધ તમે કેવી રીતે કરશો ? તમારી માતા પર અત્યાચાર કરવા પ્રવૃત્ત થયેલા નરાધમનો પ્રતિકાર હળવેથી શી રીતે કરી શકશો ?”
સુધારો કે પ્રગતિ ભલે આરામથી ચાલે, પરંતુ અન્યાયનું મૂળ તો એક ઝટકે ઉખેડવું જોઈએ; કંઈ નહીં તો આપણો પ્રયત્ન તો તે જ હોવો જોઈએ. નિર્ભેળ અન્યાય, હડહડતું પાપ, મહા અધર્મ, માણસની સ્વતંત્રાતાને પગ નીચે કચડવી – એ બધાં સાથે છૂટછાટ શી મૂકવી ? શરીરમાં ગરમ લોહીનું એક ટીપું પણ રહ્યું હોય ત્યાં સુધી, આ અનાચારનો તીવ્રમાં તીવ્ર નિષેધ જ કરવો જોઈએ. કાં તો અસ્પૃશ્યતાની જડ ઊખડી જવી જોઈએ, અથવા ઉઘાડી આંખે તે જોઈ રહેનાર આપણો સદંતર નાશ થવો જોઈએ.

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.