આવો, અંતરનાં કમાડ ઉઘાડીએ ! – ગ્રેગરી સ્ટોક

૧. તમે ભૂતપ્રેતમાં માનો છો ? ન માનતા હો, તો ‘ભૂતિયા બંગલા’ તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો ?

૨. આજથી એકસો વરસ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ ?

૩. અઠવાડિયા પછી પરમાણુ-યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હો, તો શું કરો ?

૪. તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છે ? હજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે ?

૫. છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલો ? તેનું કારણ શું હતું ?

૬. તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છે, એમનાં અંગો લકવાનો ભોગ બન્યાં છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ દાક્તરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે, ‘આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો !’ તો તમે આપો ?

૭. તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે ?

૮. તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો ?

૯. તમે માંસાહાર કરો છો ? તો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?

૧૦. એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોય, તો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો ?

૧૧. તમને પ્રખ્યાત થવું ગમે ? કઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો ?

૧૨. કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છે ? તો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી ?

૧૩. તમે જેનાથી બચી શકતા ન હો, એવી તમારી કઈ આદતો છે ? તેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો ?

૧૪. જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો ? – કોઈ સિદ્ધિ, સલામતી, પ્રેમ, સત્તા, જ્ઞાન કે બીજા કશાક માટે ?

૧૫. તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરો, અને પછી એ તમારો આભાર ન માને, ત્યારે તમને શી લાગણી થાય છે ?

૧૬. દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હો, અને પૈસાની કશી ચિંતા કરવાની ન હોય, તો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો ?

૧૭. જેના વિના જિંદગી જીવવા જેવી ન રહે, એટલી બધી મહત્ત્વની કઈ વસ્તુ તમને લાગે છે ?

૧૮. તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોય, તો તમે એવું ઇચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?

૧૯. અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોય, અને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચિઠ્ઠી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવે, અને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોય, તો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ ?

૨૦. જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છે ? કઈ ?

૨૧. કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે ?

૨૨. કોઈ માણસને ફાંસી આપવાની હોય ને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવે, તો તમે તે જુઓ ખરા ?

૨૩. બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાય, તેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે ?

૨૪. કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી ? તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી ?

૨૫. તમારી કેટલી મૈત્રીઓ દસ વરસથી વધુ ટકી છે ? અત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી દસ વરસ પછી પણ તમારે મન મહત્ત્વના રહ્યા હશે ?

ગ્રેગરી સ્ટોક

[લેખકના અંગ્રેજી પુસ્તક ‘ધ બુક ઑફ કવેશ્ચન્સ’માંથી નમૂનારૂપે ઉપરના પ્રશ્નો આપ્યા છે. અમેરિકામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદી ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’ દૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે, તેમાં આ પુસ્તકે પહેલું સ્થાન મેળવેલું.

સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પુછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવાં પડે છે. પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છે, અંતર-નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નોના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે, કારણ કે તે પ્રામાણિક હૃદયોએ આપેલા હશે.

આ પ્રશ્નપત્રાની થોડીક નકલો કઢાવીને એક સાંજે સહુ કુટુંબીજનો ભેગાં બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાય, તો પોતાના ઘરનાં જ માણસોની કેટલીક નવી પિછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે.

શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે, તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે.

– સંપાદક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.