પોતાની સ્ત્રીને મારવાના આરોપસર એક માણસને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. એની ‘દર્દ-કહાણી’ સાંભળીને ન્યાયાધીશે એને ‘પ્રોબેશન’ પર છોડયો.
વળતે દિવસે જ સ્ત્રીનાં હાડકાં ફરી ખોખરાં કરનાર એ આદમી તે જ ન્યાયાધીશ સમક્ષ પાછો ખડો થયો. “સાહેબ, વાત જાણે એમ બની કે,” ધૂંવાં પૂંવા થયેલા ન્યાયાધીશ પાસે ખુલાસો કરતાં એણે જણાવ્યું, “કાલનો દિવસ મારો બહુ ખરાબ ગયો – અહીં કોરટમાં, આટલા બધા માણસો વચ્ચે, સાહેબ, મારું માથું ફાટફાટ થતું હતું. એટલે મને થયું કે જરાક નશો કરું તો કાંઈક કળ વળશે. પછી થોડોક વધુ…… અને વળી થોડો વધારે. અંતે જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે બાયડીએ મને “પીટયા દારૂડિયા” કહીને વધાવ્યો. તોયે, નામદાર, મેં કાંઈ કર્યું નહીં. મારી દશાનો મેં વિચાર કર્યો ને મને લાગ્યું કે એનો ગુસ્સો સાવ ગેરવાજબી નહીં હોય. ત્યાં તો એ પાછી તાડૂકી, “મૂઓ નઘરોળ, હરામનાં હાડકાંનો !” તોય, સાહેબ, મેં કાંઈ કર્યું નહીં. મારી છૂટી ગયેલી નોકરીનો ને ચડી ગયેલા ઘરભાડાનો વિચાર મને આવ્યો અને હું મૂંગો મૂંગો સાંભળી રહ્યો.
“પણ પછી, નામદાર, એ કાળમુખી એવું બોલી કે, રોયા માજિસ્ટ્રેટમાં ટીપુંય અક્કલ બળી હોત તો આ નખ્ખોદિયાને જેલ ભેળો જ કર્યો હોત !
“અને, સાહેબ, આવી રીતે એણે નામદાર કોર્ટને ગાળ દીધી એ તો મારાથી કોઈ રીતે સહન થયું નહીં !”
યાદ
જિંદગી પણ કેવી કમાલ છે !
પહેલાં
આંસુ આવતાં ત્યારે
બા યાદ આવતી;
ને આજે
બા યાદ આવે
ને આંસુ આવી જાય છે.
રમેશ જોશી
“અમે શીદને જીવતાં રહ્યાં ?”
અંજાર શહેરમાં હજારોનો ભોગ લેનારા ભૂકંપને આગલે દિવસે એક લગ્ન હતાં. તે માટે બંધાયેલા ભભકાદાર માંડવાની નીચે આશરો લઈ રહેલાં 200-300 માનવીઓમાંની એક છે ત્રાણ વર્ષની રીચા. દાદીમાના પડખામાં ભરાઈને એ બેઠી છે, આંખો ઝીણી કરીને એ દૂર દૂર તાકી રહી છે, અને થોડી થોડી વારે વિલાપ કરતી રહે છે : ‘મારી બા ક્યાં છે ? બા ક્યાં છે ? મને મારી બા ગોતી દ્યોને !’
બે માળના નાના મકાનમાં એ કુટુંબના ફ્લૅટમાં તે દિવસે રીચા દાદીમાની પાસે રમતી હતી, ને ધરતી ધણધણી ઊઠેલી. કોણ જાણે કેમ દાદીને સૂઝ્યું અને બાળકીને ઝટ ઉપાડીને એક ખાટલા હેઠળ લપાઈ ગયાં, ભયથી કંપી ઊઠયાં. ત્યાંથી એમની નજર પડી રીચાની બા ઉપર – દોડતી એ ઓરડામાં આવતી હતી ત્યાં એની ઉપર ધોધમાર ભંગાર તૂટી પડયો. રીચાના બાપા બાજુના મકાનમાં પોતાની દુકાનમાં કામ કરતા હતા – અંજાર જેને માટે મશહૂર છે તે કાપડ-છપાઈનું. થોડા દિવસ પછી ભંગાર નીચેથી એમનો નિષ્પ્રાણ દેહ ખેંચી કાઢવામાં આવેલો…
70 ઉપર પહોંચી ગયેલાં પાર્વતીમાની આંખે ઝાંખપ આવી ગઈ છે. રાત પડે ને માંડવામાં ટૂંટિયાં વાળીને પડેલાંનાં હાડ ઠંડી થિજાવી નાખે, ત્યારે રીચાનું રુદન થંભે છે ને એ ઊંઘમાં ઢળી પડે છે. દાદી વિમાસે છે કે પોતે હવે કેટલું જીવવાનાં ? આ છોકરીને એ શું ખવડાવશે ? આવતીકાલનો વિચાર કરતાં એક જ સમસ્યા એમને ઘેરી વળે છે : ‘અરેરે, અમે વળી શી રીતે બચી ગયાં, શીદને જીવતાં રહ્યાં ?’
*
ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં બે ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરના સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાડ માને છે. જ્યારે બીજાં કેટલાંય તો પોતાના અંધાધૂંધ ગામની ગેમેક્સીન ને ગંદવાડથી ગંધાતી, પાણીની ખાલી કોથળીઓથી છવાયેલી શેરીઓમાં બાવરાં બનીને આથડે છે અને જે કાંઈ રાહત-સામગ્રી મળે તેની ઝૂંટાઝૂંટ કરે છે. પણ આ તંબૂમાંથી નીકળીને કોઈક કાયમી નિવાસમાં જેનાબહેન જ્યારે જશે ત્યારે, અગાઉ એક છાપરા હેઠળ ટાયર-મરામત કરીને રોટલો રળનાર એમનાં ત્રાણ બાળકોનો બાપ કાસમ આ બધાંનો ગુજારો કેમ કરીને કરી શકશે ? “કાલનો તો હું વિચાર જ નથી કરતી,” જેનાબહેન કહે છે, “અત્યારે તો પરવરદિગારનો પાડ માનું છું કે અમારે માથે કાંઈક છાપરું તો છે અને છોકરાં ખેતરમાં રમે છે.”
હા, કહે છે કે કાસમનો ભાઈ હાસમ, તેની બીબી નસીમ અને આ ચાર બાળકોનું સુખી કુટુંબ હતું. વાસણની ફેરી કરીને હાસમ ઘર ચલાવતો. એનો ધંધો પણ સારો ચાલતો. પોતાની બચતમાંથી 40,000 રૂ. ચૂકવીને એણે બે ઓરડીનું પાકું ઘર હજી બે મહિના પર જ લીધું હતું. આઠ વરસના અસીફ ને છ વરસના નજીરને એ નિશાળે પણ મોકલતો હતો. ધરતીમાતાએ પડખું બદલ્યું તે સવારે છોકરા બેય નિશાળે ગયેલા ગણિતના વર્ગમાં. વર્ગના ઓરડાઓ તૂટી પડતા જોઈને એ ત્યાંથી ભાગી છૂટેલા ને ખુલ્લી પણ થરથરતી જમીન પર લેટી પડેલા. ચાર વરસની નજમા અને બે વરસની શબનમ ઘેર મા પાસે હતી. રોજની જેમ ગામની ફેરી હાસમે હજી માંડ શરૂ કરી હતી, એક શેરીયે તેણે હજી વટાવી નહોતી. ત્યાં ફેરી કાયમ માટે પૂરી થઈ ગઈ.
અસીફ ને તેનો ભાઈ નિશાળેથી આવ્યા ત્યારે પાડોશીએ મળીને એમની માતાને ભંગાર હેઠળથી હમણાં જ કાઢેલી હતી. અસીફ તેની વાત કરે છે ને એની આંખમાં આંસુ ઊભરાય છે. “એના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું. મેં પૂછ્યું કે, તને બહુ દુઃખે છે, અમ્મા ? એ માંડ માંડ બોલી કે, લૂગડાનો કટકો લાવીને ઘા ઉપર ઢાંકી દે. બસ, પછી એ બોલતી બંધ થઈ ગઈ. કોઈએ મને કહ્યું કે એ મરી ગઈ.”
તે પછી છોકરો પોતાના બાપને ગોતવા લાગ્યો. વાસણની લારી પર પડેલું એનું શરીર મળી આવ્યું, એના માથા ને ગળા ઉપર શિલાઓના ટુકડા પડેલા હતા. રાત પડે છે ને નાના નાના આંચકાઓ તંબૂને ધ્રુજાવે છે ત્યારે એ ચાર અનાથ બાળકો જેનાબહેનને જકડીને વળગી પડે છે. રોજ રાતે નજમા રડયા કરે છે : “મારી અમ્માને પાછી લઈ આવો ! મને મારી અમ્મા આપો !’
*
આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા. છોકરાનું ભણતર સુધરે તે માટે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઈને ઘેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200 રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા અમદાવાદ જવા જેટલું ગાડીભાડું ખરચવાની એમની ત્રોવડ નહોતી. એટલે અનિલ પણ ત્રાણ વરસમાં ફક્ત બે વાર સૌને મળવા ઘેર આવી શકેલો. ધરતીકંપ પછી બે દિવસે રત્નાલના એક પાડોશીનો સંદેશો અમદાવાદ આવેલો કે અનિલનાં માબાપ તથા દસ વરસનો ભાઈ જોગેશ ખતમ થઈ ગયાં છે. ત્રાણેક વરસનો એકલો જિગર ઈજાઓ પામવા છતાં બચી ગયો છે. અનિલના કાકા રાજુભાઈ કહે છે કે, “સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સૂનમૂન બનીને આકાશમાં તાકી રહે છે ને રડતાં થાકતો નથી.”
ત્યારે દૂર દૂરના રત્નાલમાં નાનો જિગર વાચા ગુમાવી બેઠો છે. ધરતીકંપ થયો ત્યારે એની માતા મંજુલાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતાં હતાં – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું. તેને બચાવવા દોટ મૂકનાર પતિ પણ દટાઈ ગયા. સડકની સામી બાજુ વાઘજીના બીજા એક ભાઈ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા. ધણધણાટી સાંભળીને એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઇનનું ઉદ્ઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે. પાછું વળીને જોયું તો ધૂળના ગોટેગોટા ચડયા હતા, ને એમણે હડી કાઢી. સિમેન્ટના બે મોટા સ્લેબ વચ્ચે જિગરને ફસાયેલો તેમણે જોયો. એના પેટ પર મોટો ઘા પડયો હતો ને એ શ્વાસ લેવા ફાંફાં મારતો હતો. ભંગાર હેઠળથી એને જ્યારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે બાકીનું કુટુંબ ખતમ થઈ ગયું છે. કાકા કહે છે, “બસ, ત્યારથી જિગર બોલતો સમૂળગો બંધ થઈ ગયો છે. એ રડી પણ શકતો નથી.”
સૌતિક બિશ્વાસ
[‘આઉટલુક’ અઠવાડિક : 2001]
Feedback/Errata