અદના તે આદમી છઈએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
ઝાઝું તે મૂંગા રહીએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
ખાણના ખોદનારા છઈએ;
હોડીના હાંકનારા, મારગના બાંધનારા,
ગીતોના ગાનારા થઈએ,
હે જી અમે રંગોની રચનાય દઈએ !
છઈએ રચનારા અમે છઈએ ઘડનારા,
તે સંહારની વાતું નહીં સહીએ !
જીવતરનો સાથી છે સર્જન અમારો :
નહીં મોતના હાથા થઈએ,
હે જી એની વાતુંને કાન નહીં દઈએ !
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
પ્રહ્લાદ પારેખ
Feedback/Errata