રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયો હતો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે લેવાનું એને મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે એ વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો – પણ એક જ દાણો !
એને મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એ એક દાણો વાવ્યો. રોજ તેની કાળજી લેવા માંડયો. થોડા દિવસે અંકુર ફૂટયો, છોડ મોટો થવા લાગ્યો અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાક લણ્યો ત્યારે, એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા ! રામનારાયણનું હૈયું હરખે ભરાઈ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂકી દીધી.
બીજે વરસે એ પોણો રતલ દાણા એણે પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના છ-છ ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે તેર ગણો પાક ઊતર્યો ને દસ રતલ ઘઉં નીપજ્યા. પછીને વરસે એ દસ રતલ વાવતાં તેમાંથી ઊંચી જાતના ત્રાણ મણ ઘઉં પાક્યા – પેલા એક જ દાણામાંથી !
મનોહર પ્રભાકર
Feedback/Errata