“ખોદી લે તારી મેળે !” – પ્રબોધ ચોક્સી

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી સોળ માઈલ દૂર સેહાની નામનું ગામ છે.

બ્રહ્મોદેવી નામની નવવધૂ પરણીને સેહાનીમાં પોતાને સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો, પણ અહીં સેહાનીમાં બે ખેતરવા દૂર ગામને કૂવેથી પાણીની હેલ સીંચી લાવવી પડતી હતી. ઉમંગભરી નવોઢાને ઘરના કૂવાની ખોટ સાલી અને રાતે પિયુની પાસે એણે વાત મૂકી : “આપણા ફળિયામાં જ એક કૂવો હોય તો કેવું સારું !”

“તું કાંઈ ગામમાં નવીનવાઈની નથી આવી,” પતિએ કહી દીધું. “કૂવાની તારે એટલી બધી જરૂર હોય તો, ખોદી લે તારી મેળે !”

એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઈ ગયાં. વળતી સવારે પાણી ભરવા જતાં પોતાની પાડોશણો પરમાલી, શિવદેઈ અને ચંદ્રાવતી સાથે એણે વાત કરી. અને ચારેય સહિયરોએ મળીને એક યોજના ઘડી કાઢી.

એક સવારે, ચારેયના ધણી પોતપોતાનાં ખેતરે ગયા પછી, એ પાડોશણોએ ગામના ગોરને તેડાવ્યો, સારું મૂરત જોવરાવ્યું ને…. પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડયો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં આઠ ફૂટ ઊંડો ખાડો જોઈને અજાયબ થઈ ગયા. તે છતાં મોઢેથી તો એટલું જ બોલ્યા કે, “અરે, આ તે કાંઈ બાયડિયુંનાં કામ છે ? આફૂરડી થાકીને પડતું મેલશે !”

પણ ખાડો તો દિવસે દિવસે ઊંડો થતો ગયો. ચારેય બાઈઓને કૂવાની ધૂન એવી લાગી ગઈ હતી કે રોજ ઊઠીને ઊંધે માથે ખોદ્યે જ જતી હતી. બે જણિયું અંદર ઊતરીને ખોદે, તો બીજી બે માટીના સૂંડલા બહાર ઠાલવી આવે.

પછી તો અડખેપડખેનાં છોકરાંઓ ને બીજી થોડી બાઈઓને પણ ચાનક ચડી…. ફક્ત ગામના મૂછાળા મરદો જ હાંસી કરતા અળગા રહ્યા.

મૂરત કર્યા પછીના વીસમા દિવસે બ્રહ્મોદેવી ને શિવદેઈ ખાડાને તળિયે ઊભી ઊભી તીકમ ચલાવી રહી હતી, ત્યાં એમના પગ તળેથી શીતલ જળની સરવાણી ફૂટી. એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો. ટાબરિયાંઓએ કિકિયાટા કર્યા. ગામની સ્ત્રીઓએ હરખનાં ગીતો ગાયાં. હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહરી ફરી વળી. પંચાયત ભેગી થઈ ને તેણે કૂવા પર પથ્થર-સિમેન્ટનું પાકું મંડાણ મુકાવવાનો ખર્ચ મંજૂર કર્યો.

આપણું સૌભાગ્ય છે કે બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામેગામ પડેલી છે. “ખોદી લે તારી મેળે !” કહીને કોઈ વાર એને ચાનક ચડાવી જોજો !

**

કેટલું છેટું છે ?

રાષ્ટ્રીય આવકના વિભાગવાર આંકડા રિઝર્વ બૅન્ક વખતોવખત પ્રસિદ્ધ કરે છે. તેમાં ખેતી વિભાગના કરતાં ઉદ્યોગ વિભાગની આવક વધારે ઝડપથી વધે છે, અને તેના કરતાં પણ વધુ વેગથી ‘સેવા-વિભાગ’ની આવક વધતી દેખાય છે.

આ સેવા-વિભાગમાં કોણ આવે છે ? સરકારી નોકરો, શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, ઇજનેરો, કલાકારો, સાહિત્યકારો, સામાજિક સેવકો તેમજ નેતાઓ : ટૂંકમાં એવા લોકો જે કશી નક્કર ચીજવસ્તુ પેદા નથી કરતા પણ ‘સેવા’ પેદા કરે છે.

ભારતમાં ખેતીના શોષણ પર ઉદ્યોગો અને સેવાઓ વધ્યાં છે. ખેતી વિભાગના લોકોને દુકાળને આરે ધકેલીને દસેક કરોડ લોકો શહેરી સુખસવલતો ભોગવે છે. એ દસ કરોડ લોકો માને છે કે પોતે જ સમગ્ર ભારત દેશ છે અને પોતાના પ્રશ્નો તે જ રાષ્ટ્રના પ્રશ્નો છે. એ વર્ગ માટે, એ વર્ગ દ્વારા, એ વર્ગનું રાજ્ય આજે આ દેશ પર ચાલે છે.

એક બાજુ દુકાળો પડે છે, અનાજ તેલને ભાવે વેચાય છે, તેલ ઘીના ભાવે વેચાય છે અને બીજી બાજુ બૅન્કોનાં થાપણખાતાં છલકાય છે, ગગનચુંબી મકાનો બંધાયે જાય છે. એક બાજુ સંપત્તિની છાકમછોળ છે; બીજી બાજુ કિસાનોને પોતાનાં હળબળદ ને ઘરવખરી વેચીને જીવવાના દહાડા આવ્યા છે. મરવા પડેલી માનવતામાં ફરિયાદની ચીસ પાડવા જેટલા હોશકોશ પણ નથી રહ્યા. લોકો આત્મશ્રદ્ધા ગુમાવી બેઠા છે. એમને પોતાની શક્તિમાં જરાકે વિશ્વાસ નથી રહ્યો; પૈસાની ને લાગવગની શક્તિમાં જ રહ્યો છે.

સ્વરાજની લડતના આરંભકાળે ગાંધીએ એક લેખમાં કહેલું કે આ ‘ડેથ ડાન્સ’ છે, ‘પતંગ-નૃત્ય’ ચાલી રહ્યું છે. શોષણની પરંપરા પર મંડાયેલી આ નાચગાનની મહેફિલનો અંજામ ગાંધીએ દેશના મોતમાં જોયો હતો. આજે જે દશા છે, તેનાથી દેશનું મોત કેટલું છેટું છે ? – વહેંત, બે વહેંત ?

પ્રબોધ ચોક્સી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.