એક બાળકે મને કાગળ લખ્યો છે તેમાં એ પૂછે છે : “પારસમણિ ખરેખર હોય છે ખરો ?” એના જવાબમાં મારે કબૂલ કરવું જોઈએ કે પારસમણિ મને જોવા મળ્યો નથી.
પણ એમ તો બધી વસ્તુઓ આપણે જાતે જોઈએ તો જ માનીએ, એવું ક્યાં હોય છે ? ઘણાએ મુંબઈ જાતે નથી જોયું, પણ મુંબઈ છે એ વાત તો સાચી છે. વળી, આજે કોઈ વસ્તુ ન હોય, તો થોડો વખત પછી માણસ તે બનાવી પણ શકે છે. વિમાન પહેલાં ન હતું; આજે છે. એવું પારસમણિની બાબતમાં બને પણ ખરું.
પણ એ બાળકે બીજો સવાલ પૂછ્યો છે : “કહે છે કે પારસમણિ જેને અડકે તે વસ્તુ સોનાની થઈ જાય; પણ લોઢાનું સોનું કોઈ દિવસે બને ખરું ?”
એનો જવાબ પણ આપું છું. બધાએ કોયલો તો જોયો છે. હવે એ કોયલો જમીનમાં ખૂબ ઊંડે દટાઈ જાય અને તેના ઉપર પાવાગઢ જેવો પર્વત પડે, તો શું થાય તે જાણો છો ? એ કોયલાનો જ હીરો બની જાય !
પણ કોઈને થશે કે જમીનમાં દટાઈ ગયેલો કોલસો હીરો બની જાય છે તે કાંઈ આપણે જાતે, આપણી નજરે જોઈ શકતા નથી. તો એ મુશ્કેલીનો જવાબ ફ્રાંસ દેશના એક રસાયણશાસ્ત્રીએ આપ્યો છે. લાવોઝીર એનું નામ. એણે કોયલાની ભૂકી લઈને ખૂબ ગરમ ધાતુમાં નાખીને પછી એકદમ તેના ઉપર પેલા પર્વતના જેટલું ભારે દબાણ યંત્રો વડે કર્યું. પરિણામે નાની નાની હીરાની કણીઓ બંધાઈ ગઈ ! એટલે કોયલાનો હીરો બને છે, એ નક્કી થયું.
પથરા કે કોયલામાં સમૂળો ફેરફાર થઈ જઈ શકે છે, તેમ જીવતા પ્રાણીમાં પણ કેટલીક વાર એવો ફેરફાર થતો જોવામાં આવે છે. જમીન પર પેટ ઘસીને ચાલતી ઇયળની એક જાત એવી થાય છે કે એની આજુબાજુ માટીનું પડ કરીને અંદર તેને પૂરી રાખવામાં આવે છે. એ કેદખાનાની અંદર ને અંદર એનો વિકાસ થાય છે, અને ધીમે ધીમે એને પાંખો ફૂટે છે. ત્યાર પછી માટીના પડને તોડીને તે બહાર નીકળી ઊડી જાય છે; એ પતંગિયું બની જાય છે ! જમીન પર પેટ ઘસડતી ઈયળ, અને હવામાં છૂટથી ઊડતું પતંગિયું : એ બેમાં કેટલો ફેર છે ! પણ ઇયળમાંથી પતંગિયું બની જાય છે.
જોકે ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઈક વસ્તુ રહેલી છે કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઈ જાય; આપણે પોતે જેવા હોઈએ તે મટી જઈને જુદા જ બની જઈએ.
પોતાની અંદર રહેલો આ પારસમણિ ઘણાને હાથ લાગતો નથી. એમાંના કેટલાકને કોઈ ગુરુમાં કે મહાપુરુષમાં એ પારસમણિ મળી આવે છે. એવાનો પરસ થતાં આપણું જીવન બદલાઈ જાય છે.
ભગવાન એક એવા પારસમણિ છે કે, જો કોઈ એને અડકે – અરે, એને અડકવાનો વિચાર પણ કરે – તો એવા માણસમાં ફેરફારો થવા લાગે છે અને આખરે માણસ પોતે એ અસલ પારસમણિ જેવો બની જાય છે !
અંબાલાલ પુરાણી
Feedback/Errata