ભંગિયાની ફાટય – વજુભાઈ શાહ

“એ બા, અમારો પગાર આલશો કે ? આજ તો ચાર તારીખ થઈ ગઈ !”
“ઊભો રહે, હમણાં તને પગાર અપાવું છું ! કામબામ કરવું નહીં, સાવ વેઠ કાઢવી, ને પહેલી તારીખ આવી કે પગાર લેવા તૈયાર ઊભો જ છે !”
“કામ નહીં કરતા હોઈએ તો મેલું રોજ કોણ ઉપાડી જાતું હશે, બા ! તમે માવતર છો. અમને ગરીબ માણસને આમ કાં કરો ?”
“હા, તમને ગરીબ માણસને બરાબર ઓળખું છું. ત્રાણત્રાણ ચારચાર દિવસ સુધી ડબો ભરાઈ જાય તોયે કંઈ પરવા જ કરવી નહીં, ને જ્યાં પહેલી તારીખ આવે ત્યાં ગરીબ ગાય જેવા ! તારા જેવાને તો પગાર જ ન આપવો જોઈએ – ઊલટો દંડ કરવો જોઈએ !”
“તો એમ કરો, માબાપ ! અમારો કાંઈ થોડો ઉપાય છે ?”
“એલા ક્યારનો શું કચકચ કરે છે ? રોજ ઊઠીને હમણાં જીવ કાં ખાય છે ?” ગૃહસ્થ ઘરમાંથી બહાર આવ્યા.
“સા’બ, અમારો ગરીબ માણસનો પગાર… આજ ચાર તારીખ…”
“હવે આવ્યો મોટો પગારવાળો ! એલા, નિયમસર તો આવતો નથી, ને પાછો પગારની ઉઘરાણી કરવા નીકળે છે ? મોટો સાજાની !”
“સા’બ, અમે મૂઆ ઓછી અક્કલવાળા; કો’ક દી વહેલુંમોડું થઈ જાય. કો’ક વાર બે દી પાડયા હોય તોય ઈ બે દીનુંય ભેગું અમારે જ ઉપાડવાનું ને ? કોઈ બીજું થોડું કરી જાય છે ?”
“લે હવે સાફાઈ કર મા, દાનત-ચોર ! હું ઓળખું છું તને. આ વખતે તો ચાર આના જ કાપી લઉં છું, પણ હવે જો એક દી યે પાડયો છે તો બિલકુલ પગાર જ નહીં મળે, સમજ્યો ?”
સાહેબે ચાર આના ફળિયામાં ફેંક્યા.
*
“એ શેઠ, હવે તો કંઈક દયા કરો ! આ ડબાનું તળિયું જ સડીને ખવાઈ ગયું છે. મારે રોજ ઉપાડીને ઠલવવું કેમ ?”
“એલી, તને એક વાર કીધું નથી કે હવે બીજો ડબો લાવી દેશું ? તારે તો જાણે લાગી કે દાગી ! જરા ધારણ તો રાખતી જા !”
“અરે, મારા શેઠ, ધારણ કેટલીક રાખું ? હમણાં હમણાં કરતાં આ ત્રાણ મહિના થવા આવ્યા. અમને મેલું ઉપાડવામાં કેટલી આપદા પડે છે એનો કંઈક તો વિચાર કરો, બાપા !”
“ભાળી હવે આપદાવાળી – તું મોટી રાયજાદી ! તને અહીં ફૂલવાડી વાળવા બોલાવતાં હઈશું, કેમ ? એલી, નવાજૂના તો ઠીક – પણ મૂળ ડબા જ કેટલાકને ઘરે છે ઈ તો જઈને જોઈ આવ !”
“અરે, શેઠ, આને નહીં આંકડિયો કે નહીં સાજું તળિયું; કાંઠાને ધાર નીકળી છે ને પડખે કાણાં પડયાં છે તે ચૂવે છે. હાથપગ તો ઠીક, પણ મારે લૂગડાં ય કેમ સાચવવાં ? મહાજન છો, તે ગરીબ માણસ ઉપર કંઈક તો રહેમ રાખો !”
“લ્યો, આ નાગરાણી સાટુ એક નવી ડોલ ઘડાવવા નાખો, આંકડિયાવાળી ! મારાં સાળાં ભંગિયાંમાંય સુધારાનો પવન ક્યાંથી પેસી ગયો છે !”
“નવી ડોલનું કોણ કહે છે, મારા દાદા ! પણ ઠામ કાંક સાજું તો જોવે ને ?”
“હવે રોજ ઊઠીને જીવ ખા મા ! એલા જીવણ, ભંગાર બજાર બાજુ જવાનું થાય ત્યારે જરાક ધ્યાન રાખજે. પાંચ-પંદર દી’માં ક્યાંય જૂનો ડબો નજરે ચડે તો લેતો આવજે – નહીંતર વળી આ રાયજાદીનાં પાછાં લૂગડાં બગડી જાશે !”
*
“એલા, તમારામાં નાત-પટેલ કોણ છે ?” નગરશેઠે રોષમાં પૂછયું.
“હું છું, માબાપ ! હું ખીમો.”
“એલા ખીમલા ! તમે બધાએ આ શું વિચાર કર્યો છે ?” હડતાલ પર ઊતરેલાને શેઠ દબડાવવા માંડયા.
“માબાપ, વિચાર તો શું હોય ? પણ અમારો આ સત્તર રૂપિયાનો પગાર – એમાં પૂરું કેમ કરવું ? મલક આખામાં બધાના પગાર વધે, મોંઘવારી મળે, ને અમારી કાંઈ ગણતરી જ નહીં ! મોંઘવારી તો અમને ય નડે છે. અમારી વાત તો એટલી જ છે કે ગરીબ માણસ ઉપર કાંઈક રહેમ કરો. લૂગડાંની જોડ કે રજાનું તો ઠીક, પણ બાર મહિનામાં બે વાર અમને સૂંડલા-સાવરણાય ન મળે ? બસ, આ અમારું દખ ને આ અમારી ફરિયાદ. બીજો અમારે તે શો વિચાર કરવાનો હોય, માવતર ?”
“બસ ત્યારે… એમ સીધી વાત કરોને ? એમાં આ હડતાલ શું ને તોફાન શું ? જાવ ઝટપટ કામે ચડી જાવ. કીધું કે ઈ તો એની મેળે સમજી જાશે, ત્યાં તો આજ બીજો દી થયો. પોચું મૂક્યું, તો માથે ચડી ગયા ! જાવ, ઝટ કામે ચડી જાવ. બોલો, જાવ છો કે નહીં ?”
ભંગી પટેલિયા એકબીજા સામું જોવા માંડયા. એક જુવાનિયાએ હિંમત કરી : “પણ બધાએ એકડો કર્યો કે આટલી માગણી કબૂલ થાય પછી જ કામે ચડવું. મોઢેથી તો આજ ત્રાણ વરસથી કે’તા આવ્યા છીએ, પણ અમારી વાત સામું જુએ છે જ કોણ ?”
“આ ગામના ભંગિયાને ય ફાટય આવવા માંડી ખરી ! એને એમ ને એમ નહીં ખબર પડે, ઈ જાત જ એવી – બોલાવવા કે મનાવવા જાશું તો સમજશે નહીં ને ઊલટા ચડશે. ઠીક છે. એલા જાવ હવે તમારે જવું હોય ત્યાં. અને ખીમલા, જે વિચારવું હોય ઈ આજ રાતે વિચારી લેજો. કાલ સવારે જો કામે ચડયા નથી ને, તો ગામમાં સાદ પડાવી દઉં છું કે ભંગિયાને કોઈ એક પૈસાનું મીઠુંય ન તોળે. વિચાર કરવો હોય ઈ કરી લેજો !” નગરશેઠે તાડૂકીને હુકમ છોડયો.

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.