આવા હતા ઠક્કરબાપા ! – રામુ ઠક્કર

્રાણ વરસ સુધી યુગાંડા રેલવેમાં ભારે પગારથી એન્જિનિયર તરીકે નોકરી કરીને મોટા કાકા પાછા આવ્યા, ત્યારે મુંબઈથી ભાવનગર સુધીની રેલ-ટિકિટના પૂરા પૈસા નહોતા. એક રૂપિયો ખોટો હતો, એટલે એમણે વઢવાણ જંકશન સુધીની જ ટિકિટ લીધેલી. મારા પિતા એ અરસામાં વઢવાણમાં નોકરી કરતા હતા, એ તેમને સ્ટેશને મળવા ગયા ત્યારે એમણે મોટા કાકા માટે વઢવાણથી ભાવનગર સુધીની બાકીની ટિકિટ લઈ આપી હતી.
મોટા કાકાની સાથે એમનો રસોઈયો પણ આફ્રિકાથી આવેલો, તે 500 રૂપિયાની નગદ બચત કરીને આવેલ. આ લગભગ 1904ની વાત.
ઘરમાંથી વાત સાંભળેલી કે મોટા કાકા આફ્રિકા હતા તે દરમિયાન મારાં કાકીએ એમને એક કાગળમાં લખેલું કે, “આફ્રિકામાં તો સોનું બહુ મળે છે, તો તમે આવો ત્યારે મારે માટે સોનાનાં ઘરેણાં લેતા આવજો.” મોટા કાકાએ જવાબ લખેલો કે, “અહીંનાં હબસી લોકો તો લોઢાનાં ઘરેણાં પહેરે છે – કહે તો એવાં થોડાં તારે માટે લેતો આવું !”
*
મોટા કાકા આપણી સાથે વાત કરતા બેઠા હોય ત્યારે તકિયાના કવરની કસ ખુલ્લી જુએ તો બાંધી દે, આજુબાજુમાં કાગળની કરચ કે કોઈ નકામી ચીજ પડેલી દેખાય તો તે ઉપાડીને નાખી આવે. બધી વસ્તુઓ બરાબર ઠેકાણાસર સારી દેખાય એવી રીતે ગોઠવેલી છે કે નહીં તે જોયા કરે, અને એવું ન લાગે ત્યાં જાતે જ સરખું કરી લે. આ રીતે, કોઈને ઉપદેશ આપ્યા વગર જાતે બધું વ્યવસ્થિત કરી લેવાના એમના વર્તનમાંથી બીજા લોકો કેટલીય નાનીનાની ચીજો શીખી જાય.
મુંબઈમાં એક વાર એમને બોરીબંદર સ્ટેશને વળાવવા હું ગયેલો, ત્યારે મારા ડગલાનું એક બટન તૂટેલું હતું તેના પર એમની નજર પડી હશે. પૂના પહોંચીને એમણે મારી પત્ની ઉપર એક પોસ્ટકાર્ડ લખ્યું કે, “પુરુષો કામકાજમાં આવી વાતો ભૂલી જાય, પણ તેમના ડગલાનાં તૂટેલાં બટન ટાંકી દેવાનું સ્ત્રીઓએ યાદ રાખવું ઘટે.”
આજે એંશી વરસેય એમના મોંમાં કુદરતે આપ્યા બત્રીસમાંથી અઠયાવીસ દાંત સાબૂત છે. અને આ ઉંમરેય એમની પાચનશક્તિ ગજબની છે. મિષ્ટાન્ન કે ફરસાણ મળે, તો ના પાડતા નથી. અને ભીલોની વચ્ચે ફરતા હોય ત્યારે બંટી કે મકાઈનો રોટલો પણ એટલા જ સ્વાદથી આરોગે છે. તેઓ કહે છે કે, “શરીરને કામ કરતું રાખવા માટે બે ટંકનું ભોજન જોઈએ; પણ ભોજનમાં કઈ વાનીઓ છે તેનું મહત્ત્વ નથી. કોઈ પણ વસ્તુથી પેટ ભરાવું જોઈએ.”
એંશી વરસની ઉંમરેય બાપા હંમેશની જેમ ટટ્ટાર માથું રાખીને લાંબી ફાળ ભરતા ચાલી શકે છે, આંખો ક્ષીણ થઈ જવા છતાં કોઈના ટેકા વગર દાદરા ચડે- ઊતરે છે.

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.