ગરીબીનું ગૌરવ – મો. ક. ગાંધી

આપણા દેશમાં ગરીબીનું પણ એક પ્રકારનું ગૌરવ છે, એક જાતનો મોભો છે. અહીં ગરીબ પોતાની ગરીબીથી શરમાતો નથી. તવંગરના મહેલના કરતાં પોતાની ઝૂંપડીને તે વધારે ચાહે છે – અરે, તે ઝૂંપડીને વિશે અભિમાન પણ રાખે છે. દુનિયાના ભૌતિક પદાર્થોની માલિકીની બાબતમાં ગરીબ હોવા છતાં, તે દિલનો અથવા આત્માનો દરિદ્રી નથી. સંતોષ તેની સંપત્તિ છે. હિંદુસ્તાનમાં માણસનો એવા પ્રકારનો ખાસ નમૂનો જોવાને મળે છે, જે પોતાની જરૂરિયાતો બને તેટલી ઓછી રાખવામાં આનંદ માને છે. તે પોતાની પાસે માત્રા મૂઠી લોટ ને ચપટી મીઠું-મરચું રાખી એક કકડામાં બાંધીને ફરે છે. કૂવામાંથી પાણી ખેંચીને પીવાને માટે તે ખભે દોરી-લોટો ભેરવીને ચાલે છે. તેને આ સિવાય બીજી એકે વસ્તુનો ખપ નથી. રોજના દસથી બાર માઈલ તે પગે ચાલી નાખે છે. પોતાના કપડાના કટકામાં જ તે લોટ બાંધી લે છે, બળતણને માટે થોડાં સૂકાં ડાંખળાં આમતેમથી વીણી લઈ તેની ધૂણીના અંગારા પર પોતે બાંધેલા લોટને શેકી લે છે. આ રીતે શેકાયેલા લોટને બાટી કહે છે. મેં તે ચાખી છે. મને તે ઘણી સ્વાદિષ્ટ લાગી છે. સ્વાદ સાચું જોતાં ખાવાની વાનીમાં નથી; પ્રામાણિક મજૂરી અને મનનો સંતોષ જે ભૂખ લગાડે છે, તેમાં રહેલો છે. આવા માણસનો સાથી કે બેલી અને મિત્રા ઈશ્વર છે, અને તે પોતાને કોઈ રાજા કે બાદશાહથીયે વધારે શ્રીમંત માને છે.

એથી ઊલટું, જે કોઈ પૈસાની તૃષ્ણામાં ને તૃષ્ણામાં તેની પાછળ પડે છે તેને, ગમે તે રૂપાળા નામે પણ, બીજાને લૂંટયા કે ચૂસ્યા વિના છૂટકો નથી. અને એ બધું કરવા છતાં દુનિયાના કરોડો તો કદી લક્ષાધિપતિ થવાના નથી.

મો. ક. ગાંધી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.