અમેરિકામાં ખેતરો ઓછાં થતાં જાય છે, ખેતીનાં કારખાનાં વધતાં જાય છે; યંત્રો વધતાં જાય છે, માનવી ઘટતાં જાય છે. ખેતર પર મજૂરી કરીને રોટલો રળનારાઓની સંખ્યા ઘટી છે, કારણ કે ખેતીમાં વપરાતાં યંત્રોની સંખ્યા એક જ દાયકામાં અઢીગણી થઈ ગઈ છે.
ખેતરોના ઊભા મોલ વચ્ચેથી સડસડાટ ચાલ્યા જતાં, ડૂંડાં લણતાં ને તે જ ઘડીએ તેમાંથી દાણા કાઢી આપી અનાજના કોથળા પણ ભરી દેતાં ‘કંબાઈન’ નામનાં મોટાં યંત્રો આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં 1910માં પૂરાં એક હજાર પણ નહોતાં; 1950માં એવાં છ લાખ રાક્ષસી યંત્રો અમેરિકન ખેતરોને ખૂંદી રહ્યાં હતાં. ખેડૂતોને એ યંત્રો વસાવવાની પણ જરૂર નહીં; મોટી મોટી કંપનીઓનાં કંબાઈન યંત્રો લાણી ટાણે ગ્રામપ્રદેશને ગજાવતાં નીકળી પડે છે અને ચોક્કસ ભાડું લઈને હરકોઈ ખેતરનો મોલ વાઢી આપી અનાજના કોથળા ભરી દે છે.
પણ માનવીને બદલે યંત્રોનું, યંત્રારાજ્યનું મહત્ત્વ વધારનારા આ ફેરફારોની વચ્ચે પેલાં જીવનમૂલ્યોની શી દશા થઈ છે ? કંબાઈન યંત્રો આવ્યાં તે પહેલાંનાં લાણી-ટાણાં સાંભરે છે ? એ કાળે લાણીના દિવસો એટલે તહેવારના દિવસો, થનગનાટના કલાકો, સોનેરી મોલાતોની સમીપે કલેજાના ઈશ્કની પળો. વાઢનારાંઓનાં હજારો દાતરડાં સપાસપ ચાલ્યાં જતાં, એની પાછળ હજારો બીજા હાથ પૂળા બાંધતા ચાલ્યા આવતા, એ પૂળાઓ ગાડામાં ખડકાતા. લાણીની મોસમ આવતી ત્યારે ઘઉંના મબલક પાકથી છવાઈ ગયેલાં ખેતરોની તસુતસુ ધરતી સાદ પાડી ઊઠતી કે, આવો, આવો ! કોઈ આવીને મારી છાતી પરથી આ સોનાવર્ણો ભાર હવે હળવો કરો. રેલગાડીઓને પણ એ ખેતરો પરથી અનાજની અપંરપાર ગૂણો વહી જવાનાં ભાડાં ખપતાં હતાં, એટલે ગામડાં ભણી આવતાં ખાલી વેગનોમાં એ ઊભડિયાં મજૂરોને મફત સહેલ કરાવતી.
પહેલી લડાઈ ફાટી નીકળી તેની આગલી સાલ વાશેલ લિંડ્ઝે નામનો અમેરિકન કવિ આ ઊભડિયાંઓનાં ટોળાં ભેળો ભળીને રોટલાના સાટામાં પોતાનાં ગીતો લૂંટાવતો કેન્સસ રાજ્યના ઘઉંપ્રદેશોમાં ભમવા નીકળી પડેલો. ખેતરોની દુનિયામાં એણે જે જે અનુભવ્યું, તેનો આબેહૂબ ચિતાર ‘કેન્સસ’ નામના પોતાના ગીતમાં એ મૂકતો ગયો છે. એ કાવ્યમાં આગ વરસાવતો સૂરજ તપે છે, એની ઊની ઊની લૂ વાય છે, ધૂળની ડમરીઓ ઊડે છે અને છતાં માનવી એમાં મહાલતો દેખાય છે. એમાં વાળુ ટાણે મીઠાં ભોજનથી ભરેલી થાળીઓ પીરસાય છે અને કયા ખેત-ધણીની નાર પોતાનાં દાડિયાંને સૌથી વધુ સ્વાદીલી વાનીઓ જમાડે છે તેની સરસાઈ એમાં ચાલે છે. એમાં ગીતો છે, રમતગમતો છે, માણસ-માણસ વચ્ચેની દોસ્તીનો ગુલાલ એમાં ઊડે છે.
અને તે પછી બારતેર વરસમાં તો કંબાઈન યંત્રોનો વપરાશ એટલો વધી ગયો કે ઘઉંનાં ખેતરો પરથી 33,000 ઊભડિયાં ફંગોળાઈ ગયાં. 1910થી 1945 વચ્ચે અમેરિકામાં ઊભડિયાં ખેતમજૂરોની સંખ્યા ત્રીસમાંથી ઘટીને બાવીસ લાખ જેટલી થઈ ગઈ. વરસ પછી વરસ વીતતાં આવે છે અને વધુ ને વધુ માનવીઓનાં મૂળિયાં ધરતીની ગોદમાંથી ઊખડતાં જાય છે તેની વેદનાના ચિત્કાર ચોમેર ફેલાઈ રહે છે.
ખેતી એ જિંદગી જીવવાની એક અજબ અનોખી રીત હતી, તરકીબ હતી. એમાં જીવન આકરું હતું, પણ આરોગ્યભર્યું હતું. તેમાંથી એકલું અનાજ નહીં પણ કદાવર દેહનાં ને ભર્યાંભર્યાં હૈયાંનાં નરનારી નીપજતાં. નિજનું વ્યક્તિત્વ ખીલી શકે એટલી મોકળાશ એ પ્રત્યેકની આસપાસ હતી. કુદરતના મંદ મંદ તાલ-સૂર એમને પાઠ શીખવતા પ્રામાણિકતાના, પરસ્પરના આદરસન્માનના.
બેશક, જૂના જમાનાનાં ગામડાંને નામે કેટલાય વાહિયાત લાગણીવેડા આલેખાઈ ચૂક્યા છે. પરંતુ એ બધું એક કોર મૂકીએ ત્યારે પણ પેલો પ્રશ્ન તો ખડો રહે જ છે કે, જેનાં મૂળિયાં એક પછી એક એની જ માટીમાં કરમાઈ રહ્યાં છે તે સંસ્કૃતિ ખરેખર ખમીરવંતી રહી શકશે ?
આભમાંથી લૂ વરસે છે, વંટોળિયાઓ ચડે છે અને ધૂળની ડમરીઓ વચ્ચેથી ડોકિયાં કરે છે એ સવાલ.
કેનેથ ડેવીસ
Feedback/Errata