પંડનાં પાતાળપાણી – મકરન્દ દવે

દુષ્કાળ ઉપર દુષ્કાળ વરસ આતમનાં !
ઘોડાપૂર ગયાં ક્યાં ઘૂઘવતાં ?
શેવાળ હવે તો ખરસટ, સૂકોભટ રેતાળ
પડયો પટ દૂર દૂર, ભગ્નાશ હૃદય
ગોથું ખાતું, ચિત્કાર કરી ચકરાતું.
તાપ – બળી, તલખ-વલખતી સમળી – શું દુષ્કાળ !

ક્યાં જાવું ? મન, જબ્બર બંધ તણી માયા છોડો !
મોડો મુખ જગ-વિસ્તરતાં છિલ્લર વારિ થકી.
પોતીકા નાના ખેતરમાં
આ ઊંડા ભમ્મર, તરછોડયા કૂવા પર ઝૂક્યાં
ઝાડઝાંખરાં, વેલા, કાળા વિષધર કેરા
કરો રાફડા સાફ; જવું ઊંડે ઊંડે ઊંડે.

પહાડની છાતી ચીરી, અંધારાં ભેદી
ધરતીની ધોરી નસ પામીને
સેંજળ છલકાવો ! લાવો, જોડો પાછો
એ કાટ ચડેલો કોશ : કિચુડ-બોલે ગાશે
પંખી પાછાં, ક્યારી ક્યારીમાં રેલ
નાચતી મલકાશે; દુશ્કાળ ભલે ભેંકાર
ખડો જમદાઢ કચડતો માથા પર !

એકાકી, એકાંતઘોર મંડાણ પરે
મથવું પડશે એકલપંડે દિનરાત
રાતદિન જંપ વિના, જાગે નહીં જ્યાં લગ
ઝળહળ નિરમળ અનગળ જળ.

દુષ્કાળ ! આવ, ધર ખોબો, પી જળ ઘટક ઘટક.

મકરન્દ દવે
[‘સમર્પણ’ પખવાડિક : 1964]

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.