ગીત કોનાં લખું, કોનાં નહીં ? – જયમલ યાદવ

કોના લખું, કોનાં નહીં,
ગીત હું કોનાં લખું, કોનાં નહીં ?
કોનાં તે ગાઉં, કોનાં નહીં,
ગીત હું કોનાં ગાઉં, કોનાં નહીં ?

કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભાર ભઈ,
ગાગર-ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઈ દઈ;
મૂકતો મોર કળાયલ મહીં, ચીતરે પીંછી દાતણની લઈ.
કુંજાની પાવલી ને કોઠીનો રૂપિયો, તાવડીના બે જંઈ;
ટકોરા દઈ દઈને રણકારે લઈ લઈ આવજો મારા ભાઈ !
વાત હું કોની કરું, કોની નહીં ?…

કોનાં લખું, કોનાં નહીં ? – સાંભરી કાંગસીવાળી અહીં.
આંખમાં કાજળ આંજ્યું છે, માથું ઓળ્યું છે મીંડલાં લઈ,
ભાલે ડામણી લટકી રઈ;
બજરબટા ને પારા નજરિયા, રાખતી એ સીવવાની સૂઈ.
“લેતી જા બો’નબા, લેતી જા બો’નબા !” વેચે મીઠું મીઠું કહી,
કાંગસી ખંપળા લીખીઆ સહી.

કોનાં લખું, કોનાં નહીં ? –
વાત ભલે અહીં અધૂરી રહી !…

જયમલ યાદવ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.