આ સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઈ ગયા કે પિતાજી ભગંદરની બીમારીથી તદ્દન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માતુશ્રી, ઘરનો એક જૂનો નોકર એન હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્યારે લગાડવા, તેમને દવા આપવી અને જ્યારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ હમેશાં તેમના પગ ચાંપવા અને રજા આપે ત્યારે અથવા તો એ ઊંઘી ગયા હોય ત્યારે મારે સૂઈ જવું એવો નિયમ હતો. મને આ સેવા અતિશય પ્રિય હતી. કોઈ દિવસ તેમાંથી હું ચૂક્યો હોઉં એવું મને સ્મરણ નથી. આ દિવસો હાઈસ્કૂલના તો હતા જ, એટલે મારો ખાવાપીવામાંથી બચતો વખત નિશાળમાં અથવા તો પિતાજીની સેવામાં જ જતો. એમની આજ્ઞા મળે અને એમની તબિયતને અનુકૂળ હોય ત્યારે સાંજના ફરવા જતો.
આ જ વર્ષે પત્ની ગર્ભવતી થઈ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઈ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભક્તિનો ધર્મ સમજતો હતો, – તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્થાથી જ શ્રવણ મારો આદર્શ થઈ રહ્યો હતો, – તે છતાં વિષય મારા ઉપર સવાર થઈ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજીની પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન શયનગૃહ તરફ દોડ્યા કરતું, અને તે પણ એવે સમયે કે જ્યારે સ્ત્રીનો સંગ ધર્મશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને વ્યવહારશાસ્ત્ર પ્રમાણે ત્યાજ્ય હતો. જ્યારે મને સેવામાંથી છૂટી મળતી ત્યારે હું રાજી થતો અને પિતાશ્રીને પગે લાગીને સીધો શયનગૃહમાં ચાલ્યો જતો.
પિતાજીની માંદગી વધતી જતી હતી. વૈદ્યોએ પોતાના લેપ અજમાવ્યા, હકીમોએ મલમપટ્ટીઓ અજમાવી, સામાન્ય હજામાદિની ઘરગથ્થુ દવાઓ પણ કરી; અંગ્રેજ દાક્તરે પણ પોતાની અક્કલ અજમાવી. અંગ્રેજ દાક્તરે શસ્ત્રક્રિયા એ જ ઇલાજ છે એમ સૂચવ્યું. કુટુંબના મિત્ર વૈદ્ય વચમાં આવ્યા અને એમણે પિતાજીની ઉત્તરાવસ્થામાં તેવી શસ્ત્રક્રિયા નાપસંદ કરી. અનેક પ્રકારની બાટલીઓ લીધેલી વ્યર્થ ગઈ અને શસ્ત્રક્રિયા ન થઈ. વૈદ્યરાજ બાહોશ, નામાંકિત હતા. મને લાગે છે કે જો તેમણે શસ્ત્રક્રિયા થવા દીધી હોત તો ઘા રુઝાવામાં અડચણ ન આવત. શસ્ત્રક્રિયા મુંબઈના તે સમયના પ્રખ્યાત સર્જન મારફત થવાની હતી. પણ અંત નજીક આવ્યો હતો એટલે યોગ્ય પગલું શાનું ભરાય? પિતાશ્રી મુંબઈથી શસ્ત્રક્રિયા કરાવ્યા વિના અને તેને અંગે ખરીદેલો સામાન સાથે લઈને પાછા ફર્યા. તેમણે વધુ જીવવાની આશા છોડી દીધી હતી. નબળાઈ વધતી ગઈ અને દરેક ક્રિયા બિછાનામાં જ કરવી પડે એ સ્થિતિ આવી પહોંચી, પણ છેવટ લગી તેમણે એમ કરવાનો વિરોધ જ કર્યો, અને પરિશ્રમ ઉઠાવવાનો આગ્રહ રાખ્યો. વૈષ્ણવધર્મનું એ આકરું શાસન છે. બાહ્ય શુદ્ધિ અતિ આવશ્યક છે, પણ પાશ્ચાત્ય વૈદ્યકશાસ્ત્રો શીખવ્યું છે કે, મળત્યાગાદિની તથા સ્નાનાદિની બધી ક્રિયાઓ બિછાને પડ્યાં પડ્યાં પણ સંપૂર્ણ સ્વચ્છતાથી થઈ શકે છે, ને રોગીને કષ્ટ ઉઠાવવું પડતું નથી; જ્યારે જુઓ ત્યારે તેનું બિછાનું સ્વચ્છ જ હોય. આમ સચવાયેલી સ્વચ્છતાને હું તો વૈષ્ણવધર્મને નામે જ ઓળખું. પણ આ સમયે પિતાજીનો સ્નાનાદિને સારુ બિછાનાનો ત્યાગ કરવાનો આગ્રહ જોઈ હું તો આશ્ચર્યચકિત જ થતો અને મનમાં તેમની સ્તુતિ કર્યા કરતો.
અવસાનની ઘોર રાત્રિ નજીક આવી. આ વખતે મારા કાકાશ્રી રાજકોટમાં હતા. મને કંઈક એવું સ્મરણ છે કે પિતાશ્રીની માંદગી વધતી જાય છે એવા સમાચાર મળવાથી જ તેઓ આવેલા. બન્ને ભાઈઓની વચ્ચે ગાઢ પ્રેમભાવ વર્તાતો હતો. કાકાશ્રી આખો દિવસ પિતાશ્રીના બિછાનાંની પાસે જ બેસી રહે અને અમને બધાને સૂવાની રજા આપી પોતે પિતાશ્રીના બિછાનાની પાસે સૂએ. કોઈને એવું તો હતું જ નહીં કે આ રાત્રિ આખરની નીવડશે. ભય તો સદાય રહ્યા કરતો હતો. રાતના સાડાદસ કે અગિયાર થયા હશે. હું પગચંપી કરી રહ્યો હતો. કાકાશ્રીએ મને કહ્યું, ‘તું જા, હવે હું બેસીશ.’ હું રાજી થયો ને સીધો શયનગૃહમાં ગયો. સ્ત્રી તો બિચારી ભરઊંઘમાં હતી. પણ હું શાનો સૂવા દઉં? મેં જગાડી. પાંચસાત મિનિટ થઈ હશે. તેટલામાં જે નોકરને વિશે હું લખી ગયો તેણે કમાડ ઠોક્યું. મને ફાળ પડી. હું ચમક્યો. ‘ઊઠ, બાપુ બહુ બીમાર છે,’ એમ નોકરે કહ્યું. બહુ બીમાર તો હતા જ એ હું જાણતો હતો, એટલે અહીં ‘બહુ બીમાર’નો વિશેષ અર્થ હું સમજી ગયો. બિછાનામાંથી એકદમ કૂદી પડયો.’
‘શું છે કહે તો ખરો?’
‘બાપુ ગુજરી ગયા!’ જવાબ મળ્યો.
હવે હું પશ્ચાત્તાપ કરું એ શું કામ આવે? હું બહુ શરમાયો, બહુ દુઃખી થયો. પિતાશ્રીની ઓરડીમાં દોડી ગયો. હું સમજ્યો કે જો હું વિષયાંધ ન હોત તો આ છેવટની ઘડીએ મારે નસીબે વિયોગ ન હોત, અને હું પિતાજીની અંતની ઘડીએ પગચંપી કરતો હોત. હવે તો મારે કાકાશ્રીને મુખેથી જ સાંભળવું રહ્યું: ‘બાપુ તો આપણને મૂકીને ચાલ્યા ગયા.’ પોતાના વડીલ ભાઈના પરમ ભક્ત કાકા છેવટની સેવાનું માન લઈ ગયા. પિતાશ્રીને પોતાના અવસાનની આગાહી થઈ ચૂકી હતી. તેમણે સાન કરીને લખવાની સામગ્રી માગેલી. કાગળમાં તેમણે લખ્યું: ‘તૈયારી કરો.’ આટલું લખીને પોતાના હાથે માદળિયું બાંધેલું હતું તે તોડીને ફેંક્યું. સોનાની કંઠી હતી તે પણ તોડીને ફેંકી. એક ક્ષણમાં આત્મા ઊડી ગયો.
મારી જે શરમનો ઇશારો મેં આગલા પ્રકરણમાં કરેલો છે તે આ શરમ, – સેવાને સમયે પણ વિષયેચ્છા. એ કાળો ડાઘ હું આજ સુધી ઘસી શક્યો નથી, ભૂલી શક્યો નથી. અને મેં હમેશાં માન્યું છે કે જોકે માતપિતા પ્રત્યેની મારી ભક્તિ પાર વિનાની હતી, તેને સારુ હું બધું છોડી શકતો, પણ તે સેવાને સમયે સુધ્ધાં મારું મન વિષયને છોડી શકતું નહોતું એ, તે સેવામાં રહેલી અક્ષમ્ય ઊણપ હતી. તેથી જ મેં મને એકપત્નીવ્રતનો પાળનાર માનવા છતાં વિષયાંધ માનેલો છે. એમાંથી છૂટતાં મને ઘણો સમય ગયો, અને છૂટતાં પહેલાં ઘણાં ધર્મસંકટો વેઠવાં પડ્યાં.
આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્વાસ લઈને ચાલ્યું ગયું. બીજું પરિણામ શું હોઈ શકે? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દૃષ્ટાંતથી ચેતો.
Feedback/Errata