ભાગ ત્રીજો

૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઑફ કૉમર્સ ઇત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટેલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી ‘ઇન્ડિયા ક્લબ’માં રહેવાનું ગોઠવ્યું. એ ક્લબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો; તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. આ ક્લબમાં ગોખલે હમેશાં નહીં તો વખતોવખત બિલિયર્ડ રમવા આવતા. હું કલકત્તામાં રોકાવાનો હતો એ તેમના જાણવામાં આવતાં જ તેમણે મને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. મેં તે આભારસહિત સ્વીકાર્યું. પણ મારે મારી મેળે ત્યાં જવું એ તો મને ઠીક ન લાગ્યું. એકબે દિવસ રાહ જોઈ એટલામાં ગોખલે પોતાની સાથે જ મને લઈ ગયા. મારો સંકોચ જોઈ તેમણે કહ્યું: ‘ગાંધી, તમારે તો દેશમાં રહેવું છે એટલે આવી શરમ કામ નહીં આવે. જેટલાના સંબંધમાં અવાય તેટલાનાં સંબંધમાં તમારે આવવું જોઈએ. મારે તમારી પાસેથી મહાસભાનું કામ લેવું છે.’

ગોખલેને ત્યાં જતાં પહેલાં ‘ઇન્ડિયા ક્લબ’નો એક અનુભવ નોંધું.

આ જ અરસામાં લૉર્ડ કર્ઝનનો દરબાર હતો. તેમાં જનારા કોઈ રાજામહારાજા આ ક્લબમાં હતા. ક્લબમાં તો તેમને હું હમેશાં સુંદર બંગાળી ધોતી, પહેરણ તથા પછેડીના પોશાકમાં જોતો. આજે તેમણે પાટલૂન, ઝભ્ભો, ખાનસામાની પાઘડી અને ચમકદાર બૂટ પહેર્યાં. મને દુઃખ થયું ને મેં આવા ફેરફારનું કારણ પૂછયું.

‘અમારું દુઃખ અમે જાણીએ. અમારા પૈસા ને અમારા ઇલકાબો રાખવા સારુ અમારે જે અપમાનો સહન કરવાં પડે છે તે તમે કઈ રીતે જાણો?’ જવાબ મળ્યો.

‘પણ આ ખાનસામાશાઈ પાઘડી ને આ બૂટ શાં?’

‘અમારામાં ને ખાનસામામાં તમે શો ફેર ભાળ્યો? તેઓ અમારા તો અમે લૉર્ડ કર્ઝનના ખાનસામા. હું લેવીમાંથી ગેરહાજર રહું તોપણ માંડે સોસવું પડે. હું મારા સામાન્ય પોશાકમાં જાઉં તો એ ગુનો ગણાય. અને ત્યાં જઈને પણ મને કંઈ લૉર્ડ કર્ઝનની સાથે વાત કરવા મળવાની કે? મુદ્દલ નહીં.’

મને આ નિખાલસ ભાઈ ઉપર દયા આવી.

આવા જ પ્રસંગનો બીજો એક દરબાર મને યાદ આવે છે. જ્યારે કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો લૉર્ડ હાર્ડિગને હાથે નખાયો ત્યારે તેમનો દરબાર હતો. તેમાં રાજામહારાજાઓ તો હોય જ. ભારતભૂષણ માલવીજીએ મને પણ તેમાં હાજરી આપવાનો ખાસ આગ્રહ કર્યો હતો. હું ત્યાં ગયો હતો. રાજામહારાજાઓના કેવળ ઓરતોને જ શોભે એવો પોશાક જોઈ હું દુઃખી થયો. રેશમી ઇજાર, રેશમી અંગરખાં ને ડોકમાં હીરામોતીની માળાઓ! હાથે બાજુબંધ ને પાઘડી ઉપર હીરામોતીનાં લટકણિયાં! આ બધાની સાથે કેડે સોનાની મૂઠવાળી તલવાર લટકતી હોય. આ તેમના રાજ્યાધિકારની નહીં પણ તેમની ગુલામીની નિશાનીઓ હતી એમ કોઈએ કહ્યું. હું માનતો હતો કે, આવાં નામર્દીના આભૂષણ તેઓ સ્વેચ્છાએ પહેરતા હશે. મને ખબર મળી કે, આવા મેળાવડામાં રાજાઓએ પોતાનાં બધાં કીમતી ઘરેણાં પહેરવાં જ જોઈએ એવી ફરજ હતી. મેં જાણી લીધું કે, કેટલાકને તો આવાં ઘરેણાં પહેરવાનો તિરસ્કાર હતો, ને આવા દરબારના પ્રસંગ સિવાય બીજે કોઈ વખતે તેઓ એવાં ઘરેણાં પહેરતા નહોતા. આ હકીકત કેટલે અંશે સાચી હતી તે હું નથી જાણતો. તેઓ બીજે પ્રસંગે પહેરતા હો યા ન પહેરતા હો, વાઇસરૉયના દરબારમાં શું કે બીજે શું, ઓરતોને જ શોભે એવાં આભૂષણો પહેરીને જવું પડે એ જ પૂરતો દુખદ પ્રસંગ છે, ધન, સત્તા અને માન મનુષ્યની પાસે કેટલાં પાપો ને અનર્થો કરાવે છે!

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.