ભાગ ત્રીજો

૧૨. દેશગમન

લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. દક્ષિણ આફ્રિકામાં બેઠો બેઠો હું કાંઈક સેવા તો જરૂર કરું, પણ ત્યાં મારો મુખ્ય ધંધો તો પૈસા કમાવાનો જ થઈ પડે એમ મને લાગ્યું.

દેશથી મિત્રવર્ગની ખેંચ પણ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. નાતાલમાં મિ. ખાન અને મનસુખલાલ નાજર હતા જ.

મેં સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. મને આ શરત કઠણ લાગી, પણ પ્રેમપાશથી હું બંધાયેલો હતોઃ

કાચે રે તાંતણે મને હરજીએ બાંધી

જેમ તાણે તેમ તેમની રે

મને લાગી કટારી પ્રેમની.

આ મીરાંબાઈની ઉપમા થોડેઘણે અંશે મને લાગુ પડતી હતી. પંચ પણ પરમેશ્વર જ છે. મિત્રોના બોલને હું તરછોડી નહોતો શકતો. મેં વચન આપ્યું ને રજા મેળવી.

આ વેળા મારો નિકટ સંબંધ નાતાલ સાથે જ હતો એમ કહેવાય. નાતાલના હિંદીઓએ મને પ્રેમામૃતથી નવડાવી મૂક્યો. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીમતી ભેટો આવી.

૧૮૯૬માં જ્યારે હું દેશ આવેલો ત્યારે પણ ભેટો મળેલી, પણ આ વખતની ભેટોથી ને સભાઓનાં દૃશ્યથી હું અકળાયો. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ. પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી.

આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય? એનો સ્વીકાર કરું તો કોમની સેવા હું પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવું? આ ભેટોમાં, થોડી અસીલોની બાદ કરતા બાકીની બધી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં પણ મદદ દેનારા હતા.

વળી, આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ તેને મળેલી વસ્તુ પણ મારી સેવાને અંગે હતી, એટલે તેને નોખી તારવી ન શકાય.

જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.

હું કદાચ ભેટો જીરવી શકું. પણ મારાં બાળકોનું શું? સ્ત્રીનું શું? તેમને શિક્ષણ તો સેવાનું મળતું હતું. સેવાનું દામ લેવાય નહીં એમ હમેશાં સમજાવવામાં આવતું હતું. ઘરમાં કીમતી દાગીના વગેરે હું નહોતો રાખતો. સાદાઈ વધતી જતી હતી. આવી સ્થિતિમાં સોનાની ઘડિયાળો કોણે વાપરવી? સોનાના અછોડા ને હીરાની વીંટીઓ કોણે પહેરવાં? ઘરેણાંગાંઠાંનો મોહ તજવા ત્યારે પણ હું બીજાઓને કહેતો. હવે આ દાગીના ને ઝવેરાતનું મારે શું કરવું?

મારાથી આ વસ્તુઓ ન જ રખાય એવા નિર્ણય ઉપર હું આવ્યો. પારસી રુસ્તમજી ઇત્યાદિને આ દાગીનાઓના ટ્રસ્ટીઓ નીમી તેમના પર લખવાનો કાગળ ઘડયો, ને સવારમાં સ્ત્રીપુત્રાદિની સાથે મસલત કરી મારો ભાર હળવો કરવાનો નિશ્ચય કર્યો.

ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો.

બાળકો તો તુરત સમજ્યાં. ‘અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતા?’ આમ તેઓ બોલ્યા.

હું રાજી થયો. ‘ત્યારે બાને તમે સમજાવશો ને?’ મેં પૂછયું.

‘જરૂર, જરૂર, એ અમારું કામ. એને ક્યાં એ દાગીના પહેરવાં છે? એ તો અમારે સારુ રાખવા ઇચ્છે. અમારે એ ન જોઈએ, પછી એ શાની હઠ કરે?’

પણ કામ ધાર્યા કરતા વસમું નીવડયું.

‘તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે? અને કોણ જાણે છે કે કાલે શું થશે? એટલા હેતથી આપેલી વસ્તુઓ પાછી ન દેવાય.’ આમ વાગ્ધારા ચાલી ને તેની સાથે અશ્રુધારા મળી. બાળકો મક્કમ રહ્યાં, મારે ડગવાપણું ન્હોતું.

મેં હળવેથી કહ્યું: ‘છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો?’

‘જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક?’

‘પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે?’ મે પૂછયું.

‘ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી એ સેવામાં નહીં ગણાતું હોય? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરીઓ કરાવી તેનું શું?’

આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. ઘણી વાતોમાં હું જેવીતેવી સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી ને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, મારી ઇચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ, થાય એ શરતે તે બૅન્કમાં મુકાઈ. એ ઘરેણાં વેચવા નિમિત્તે ઘણી વેળા હું પૈસા એકઠા કરી શક્યો છું. આજે પણ આપત્તિફાળા તરીકે તે મોજૂદ છે ને તેમાં વૃદ્ધિ થતી ગઈ છે.

આ પગલાને વિશે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યા છીએ.

જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.