ભાગ ચોથો

૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ

આમ એક પ્રકારની આત્મશુદ્ધિ કરી તે કેમ જાણે સત્યાગ્રહને અર્થે જ ન થઈ હોય એવી ઘટના જોહાનિસબર્ગમાં મારે સારુ તૈયાર થઈ રહી હતી. બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને જ સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું.

‘સત્યાગ્રહ’ શબ્દની ઉત્પત્તિ થઇ તે પહેલાં તે વસ્તુની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ નહોતો શક્યો. તેને ગુજરાતીમાં ‘પૅસિવ રિઝિન્ટન્સ’ એ અંગ્રેજી નામે બહુ ઓળખવા લાગ્યા. જ્યારે એક ગોરાઓની સભામાં મે જોયું કે, ‘પૅસિવ રિઝિસ્ટન્સ’નો તો સંકુચિત અર્થ કરવામાં આવે છે, તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેમાં દ્વેષ હોઈ શકે છે, અને તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે, ત્યારે મારે તેની સામે થવું પડયું ને હિંદીઓની લડતનું ખરું સ્વરૂપ સમજાવવું પડયું. અને ત્યારે હિંદીઓને પોતાની લડતનું ઓળખાવવા સારુ નવો શબ્દ યોજવાની જરૂર પડી.

પણ મને તેવો સ્વતંત્ર શબ્દ કેમે કર્યો સૂઝે નહીં. તેથી તેને સારુ નામનું ઇનામ કાઢી ‘ઇન્ડિયન ઓપીનિયન’માં વાચકો વચ્ચે તેને સારુ હરીફાઈ કરાવી. આ હરીફાઈને પરિણામે સત્ + આગ્રહ એમ મેળવીને ‘સદાગ્રહ’ શબ્દ મગનલાલ ગાંધીએ બનાવી મોકલ્યો. તેમણે ઇનામ લીધું. પણ ‘સદાગ્રહ’ શબ્દને વધારે સ્પષ્ટ કરવા ખાતર મેં ‘ય’ અક્ષરને વચ્ચે ઉમેરીને ‘સત્યાગ્રહ’ શબ્દ બનાવ્યો, ને તે નામે ગુજરાતીમાં એ લડત ઓળખાવા લાગી.

આ લડતનો ઇતિહાસ તે મારા દક્ષિણ આફ્રિકાના જીવનનો ને વિશેષે કરીને મારા સત્યના પ્રયોગોનો ઇતિહાસ છે એમ કહી શકાય. આ ઇતિહાસ મેં ઘણોખરો યેરવડાની જેલમાં લખી નાખ્યો હતો ને બાકીનો બહાર આવ્યા પછી પૂરો કર્યો. તે બધો ‘નવજીવન’માં પ્રગટ થયો ને પછી ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ એ નામે પુસ્તક રૂપે પણ પ્રગટ થઈ ચૂક્યો છે. તેનું અંગ્રેજી* ભાષાન્તર શ્રી વાલજી ગોવિન્દજી દેસાઈ ‘કરન્ટ થૉટ’ને સારુ કરે છે, પણ હવે તેને અંગ્રેજીમાં પુસ્તકાકારે ઝટ પ્રગટ કરાવવાની તજવીજ હું કરી રહ્યો છું, કે જેથી મારા દક્ષિણ આફ્રિકાના મોટામાં મોટા પ્રયોગો જેની ઇચ્છા હોય તે બધા સમજી શકે. ગુજરાતી વાંચનારા જેમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ન જોયો હોય તેમને તે જોઈ લેવાની મારી ભલામણ છે. હવે પછીના થોડાં પ્રકરણો ઉપલા ઇતિહાસમાં આવી જતો મુખ્ય કથાભાગ છોડીને બાકીના દક્ષિણ આફ્રિકાના મારા જીનના જે થોડા અંગત પ્રસંગો રહી ગયા હશે તેટલા જ આપવામાં રોકવાનો મારો ઇરાદો છે. અને એ પૂરાં થયે તુરત હિંદુસ્તાનના પ્રયોગોનો પરિચય વાંચનારને કરાવવા ધારું છું. આથી પ્રયોગોના પ્રસંગોનો ક્રમ અવિચ્છિન્ન જાળવવા ઇચ્છનારે દક્ષિણ આફ્રિકાના ઇતિહાસના એ પ્રકરણો હવે પોતાની સામે રાખવા જરૂરી છે.

*‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’નું અંગ્રેજી ભાષાન્તર નવજીવન પ્રકાશન મંદિર તરફથી પુસ્તકરૂપે પ્રગટ થયું છે.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.