ભાગ બીજો

૧૫. ધાર્મિક મંથન

હવે પાછો ખ્રિસ્તી મિત્રો સાથેનો સંબંધ વિચારવાનો સમય આવ્યો છે.

મારા ભવિષ્યને વિશે મિ. બેકરની ચિંતા વધતી જતી હતી. તે મને વેલિગ્ટંન કન્વેન્શનમાં લઈ ગયા. પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તીઓમાં થોડે થોડે વર્ષે ધર્મ જાગૃતિ એટલે આત્મશુદ્ધિને સારુ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. આને ધર્મની પુનઃ પ્રતિષ્ઠા અથવા ધર્મના પુનરુદ્ધારને નામે આપણે ઓળખીએ. તેવું સંમેલન વેલિંગ્ટનમાં હતું. તેના સભાપતિ ત્યાંના પ્રખ્યાત ધર્મનિષ્ઠ પાદરી રેવરંડ ઍન્ડ્રૂ મરે હતા. મિ. બેકરને એવી આશા હતી કે આ સંમેલનમાં થનારી જાગૃતિ, ત્યાં આવનારા લોકોનો ધાર્મિક ઉત્સાહ, તેમની નિખાલસતા મારા હૃદય ઉપર એવી ઊંડી છાપ પાડશે કે હું ખ્રિસ્તી થયા વિના નહીં રહી શકું.

પણ મિ. બેકરનો અંતિમ આધાર પ્રાર્થનાની શક્તિ ઉપર હતો. પ્રાર્થનાને વિશે તેમને ખૂબ શ્રદ્ધા હતી. અંતઃકરણપૂર્વક થયેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે જ છે એવો તેમનો વિશ્વાસ હતો. પ્રાર્થનાથી જ મૂલર (એક પ્રખ્યાત ભાવિક ખ્રિસ્તી)જેવા માણસો પોતાનો વ્યવહાર ચલાવતા તેનાં દૃષ્ટાંતો તે મને આપતા. પ્રાર્થનાના મહિમા વિશે મેં બધું તટસ્થપણે સાંભળ્યું. ખ્રિસ્તી થવાનો અંતર્નાદ આવે તો તેનો સ્વીકાર કરતાં કોઈ પણ વસ્તુ મને આડે આવે તેમ નહોતી, એમ મેં તેમને કહ્યું. અંતર્નાદને વશ થવાનું હું આ અગાઉ કેટલાંક વર્ષ થયાં શીખી ચૂક્યો હતો. તેને વશ થવામાં મને આનંદ આવતો તેની વિરુદ્ધ જવું મને કઠિન અને દુઃખરૂપ હતું.

અમે વેલિંગ્ટન ગયા. મને ‘શ્યામળા સાથી’ને સાથે લેવો એ મિ. બેકરને ભારે પડયું. અનેક વેળા મારે ખાતર તેમને અગવડ ભોગવવી પડતી. રસ્તામાં અમારે મુકામ કરવાનો હતો. કેમ કે મિ. બેકરનો સંઘ રવિવારે મુસાફરી ન કરે, અને વચ્ચે રવિવાર આવતો હતો. વચ્ચે તેમ જ સ્ટેશને હોટેલમાં મને દાખલ કરવાની અને રકઝક બાદ દાખલ કર્યા પછી ખાણાઘરમાં જમવા દેવાની હોટેલમાં માલિકે ના પાડી. પણ મિ. બેકર એમ નમતું મેલે તેમ નહોતા. તેઓ હોટેલમાં ઊતરનારના હક ઉપર કાયમ રહ્યા. પણ તેમની મુશ્કેલી હું કળી શક્યો. વેલિંગ્ટનમાંયે મારો ઉતારો તેમની સાથે જ હતો. ત્યાં પણ ઝીણી ઝીણી અગવડો, તે ઢાંકવાના તેમના શુભ પ્રયત્ન છતાં, હું જોઈ જતો હતો.

સંમેલનમાં ભાવિક ખ્રિસ્તીઓનો મેળાપ થયો. તેમની શ્રદ્ધા જોઈ હું રાજી થયો. મિ. મરેની મુલાકાત કરી. મારે સારુ ઘણા પ્રાર્થના કરતા હતા એમ મેં જોયું. તેમનાં કેટલાંક ભજનો મને બહુ મીઠાં લાગ્યાં.

સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. સંમેલનમાં આવનારાંની ધાર્મિકતા હું સમજી શક્યો, તેની કદર કરી શક્યો. પણ મને મારી માન્યતામાં -મારા ધર્મમાં-ફેરફાર કરવાનું કારણ ન મળ્યું. હું મને ખ્રિસ્તી કહેવડાવીને જ સ્વર્ગે જઈ શકું કે મોક્ષ મેળવી શકું એવું મને ન જણાયું. આ વાત મેં જ્યારે ભલા ખ્રિસ્તી મિત્રોને કહી ત્યારે તેમને આઘાત તો પહોંચ્યો, પણ હું લાચાર હતું.

મારી મુશ્કેલીઓ ઊંડી હતી. ‘ઈશુ ખ્રિસ્ત એ જ એક ઈશ્વરનો પુત્ર છે, તેને જે માને તે તરે,’ એ વાત મને ગળે ન ઊતરે.  ઈશ્વરને જો પુત્રો હોઈ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈશુ જો ઈશ્વરસમ હોય, ઈશ્વર જ હોય તો મનુષ્યમાત્ર ઈશ્વરસમ છે; ઈશ્વર થઈ શકે, ઈશુના મૃત્યુથી ને તેના લોહીથી જગતનાં પાપ ધોવાય એ અક્ષરશઃ અર્થમાં માનવા બુદ્ધિ તૈયાર જ ન થાય. રૂપક તરીકે તેમાં સત્ય ભલે હો. વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વથા નાશ થઈ જાય છે; ત્યારે મારી માન્યતા આથી વિરુદ્ધ હતી. ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષરૂપે નહોતો સ્વીકારી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેના મૃત્યુમાં કંઈ ગુહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હૃદય સ્વીકારી નહોતું શકતું. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધર્મીઓના જીવનમાંથી નહોતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતોમાં મેં અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુધર્મીઓનો ત્યાગ મને ચડતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો.

આ હૃદયમંથન મેં પ્રસંગો આવતા ખ્રિસ્તી મિત્રોની પાસે મૂક્યું. તેનો જવાબ તેઓ મને સંતોષે તેવો ન આપી શક્યા.

પણ હું જેમ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર ન કરી શક્યો, તેમ હું હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણા વિશે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીઓ મારી નજર આગળ તર્યાં કરતી હતી. અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતોની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તો બાઇબલ અને કુરાન કાં નહીં?

જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે.

મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો : ‘હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા  ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.’

મેં સેલનું કુરાન ખરીદી તે વાંચવાનું શરૂ કર્યું. બીજા પણ ઇસ્લામી પુસ્તકો મેળવ્યાં. વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાંના એકે એડવર્ડ મેટલýડની સાથે ઓળખ કરાવી. તેમની સાથે પત્રવ્યવહાર ચાલ્યો. તેમણે ઍના કિંગ્સફ્રડની સાથે મળીને ‘પરફેક્ટ વે’ (ઉત્તમ માર્ગ) નામનું પુસ્તક લખ્યું હતું તે મને વાંચવા મોકલ્યું. પ્રચલિત ખ્રિસ્તી ધર્મનું તેમાં ખંડન હતું. ‘બાઇબલનો નવો અર્થ’ નામનું પુસ્તક પણ તેમણે મને મોકલ્યું. આ પુસ્તકો મને ગમ્યાં. તેમાંથી હિંદુ મતને પુષ્ટિ મળી. ટૉલ્સ્ટૉયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેના સત્ય આગળ મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તકો શુષ્ક લાગ્યાં.

આમ મારો અભ્યાસ ખ્રિસ્તી મિત્રો ન ઇચ્છે તે દિશામાં મને લઈ ગયો. એડવર્ડ મેટલýડ સાથે મારો પત્રવ્યવહાર ઠીક લંબાયો. કવિ (રાયચંદભાઈ)ની સાથે તો છેવટ સુધી ટક્યો. તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં તે પણ મેં વાંચ્યાં. તેમાં ‘પંચીકરણ’, ‘મણિરત્નમાળા’, યોગવાસિષ્ઠનું ‘મુમુક્ષુ પ્રકરણ’, હરિભદ્રસૂરિનું ‘ષડ્દર્શનસમુચ્ચય’ ઇત્યાદિ હતાં.

આમ, જોકે હું ખ્રિસ્તી મિત્રોએ ન ધારેલે માર્ગે ચડયો છતાં તેમના સમાગમે મારામાં જે ધર્મજિજ્ઞાસા જાગ્રત કરી તેને સારું તો હું તેમનો સદાયનો ઋણી બન્યો. એ મારો સંબંધ મને હંમેશાં યાદ રહી જશે. તેવા મીઠા અને પવિત્ર સંબંધો ભવિષ્યમાં વધતા ગયા, પણ ઘટયા નહીં.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.