ભાગ ત્રીજો

૧૭. ગોખલે સાથે એક માસ – ૧

પહેલે જ દહાડેથી ગોખલેએ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મારી હાજતો બધી જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મારી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોશાક વગેરેની સુઘડતાની, મારા ઉદ્યમની, ને મારી નિયમિતતાની તેમના ઉપર ઊંડી છાપ પડી, ને તેની હું અકળાઉં એટલી સ્તુતિ કરવા લાગ્યા.

તેમને મારાથી છાનું એવું કશું હોય એમ મને ન ભાસ્યું. જે કોઈ મોટા માણસો તેમને મળવા આવતા તેમની મને ઓળખાણ કરાવતા. આવી ઓળખાણોમાં મારી નજર આગળ અત્યારે સહુથી વધારે તરી આવે છે દા. પ્રફુલ્લચંદ્ર રૉય. તેઓ ગોખલેના મકાનની પાસે જ રહેતા ને લગભગ હમેશાં આવતા એમ કહી શકાય.

‘આ પ્રોફેસર રૉય, જેમને દર માસે આઠસો રૂપિયા મળે છે, અને જે પોતાના ખર્ચને સારુ રૂ. ૪૦ રાખી બાકીના બધા જાહેર કામમાં આપી દે છે તેઓ પરણ્યા નથી અને પરણવા માગતા નથી.’ આવા શબ્દોમાં ગોખલેએ મને તેમની ઓળખાણ કરાવી.

આજના દા. રૉયમાં અને ત્યારના પ્રો. રૉયમાં હું થોડો જ ભેદ જોઉં છું. જેવી જાતનો પોશાક ત્યારે પહેરતા તેવો જ લગભગ આજે છે. હા, આજે ખાદી છે; ત્યારે ખાદી નહોતી જ; સ્વદેશી મિલની બનાવટનાં કપડાં હશે. ગોખલેની અને પ્રો. રૉયની વાતો સાંભળતાં હું તૃપ્ત જ ન થતો, કેમ કે તેમની વાતો દેશહિતને જ લગતી હોય અથવા કોઈ જ્ઞાનવાર્તા હોય. કેટલીક વાતો દુખદ પણ હોય. કેમ કે તેમાં નેતાઓની ટીકા હોય. જેમને હું મહાન યોદ્ધા ગણતાં શીખ્યો હતો તેઓ નાના દેખાવા લાગ્યા.

ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જેવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી. અનેક માણસો તેમને અનેક બાબતોમાં રસ લેવડાવવા આવે. તેમને એક જ જવાબ દેતાઃ ‘તમે એ કામ કરો. મને મારું કરવા દો. મારે તો દેશની સ્વાધીનતા મેળવવી છે. તે મળ્યા પછી મને બીજું સૂઝશે. અત્યારે તો એ વ્યવસાયમાંથી મારી પાસે એક ક્ષણ પણ બાકી રહેતી નથી.’

રાનડે પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ તો વાતવાતમાં જોઈ શકાય. ‘રાનડે આમ કહેતા’ એ તો એમની વાતચીતમાં લગભગ ‘સૂત ઉવાચ’ જેવું હતું. હું હતો તે દરમિયાન રાનડેની જયંતી (કે પુણ્યતિથિ એનું અત્યારે સ્મરણ નથી) આવતી હતી. ગોખલે તે હમેશાં પાળતા હોય એમ લાગ્યું. તે વખતે મારા ઉપરાંત તેમના મિત્રો પ્રોફેસર કાથવટે અને બીજા એક સબજજ ગૃહસ્થ હતા. એમને તેમણે જયંતી ઊજવવા નોતર્યા, અને તે પ્રસંગે તેમણે અમારી આગળ રાનડેના અનેક સ્મરણ કહ્યાં. રાનડે, તેલંગ અને મંડલિકની સરખામણી પણ કરી. તેલંગની ભાષાની સ્તુતિ કર્યાંનું મને સ્મરણ છે. મંડલિકની સુધારક તરીકે સ્તુતિ કરી. પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજીના દૃષ્ટાંતમાં, રોજની ટ્રેન ચૂકી જવાથી પોતે સ્પેશિયલ ટ્રેન કરીને લેવા ગયેલા, એ કિસ્સો સંભળાવ્યો. અને રાનડેની સર્વદેશી શક્તિનું વર્ણન કરી બતાવી, તે કાળના અગ્રણીઓમાં તેમની સર્વોપરીતા બતાવી. રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઇતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી હતા, સુધારક હતા. પોતે સરકારી જડજ હોવા છતાં પણ મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડરપણે હાજરી આપતા. તેમ તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે, સહુ તેમના નિર્ણયોનો સ્વીકાર કરતા. આ વર્ણન કરતાં ગોખલેના હર્ષનો કંઈ પાર નહોતો.

ગોખલે ઘોડાગાડી રાખતા. મેં તેમની પાસે ફરિયાદ કરી. હું તેમની મુશ્કેલીઓ નહોતો સમજી શક્યો. ‘તમે કાં બધે ટ્રામમાં ન જઈ શકો? શું એથી નેતાવર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય?’

જરા દિલગીર થઈને તેમણે જવાબ આપ્યોઃ ‘તમે પણ મને ન સમજી શક્યા કે? મને વડી ધારાસભામાંથી જે મળે છે તે હું મારે સારુ નથી વાપરતો. તમારી ટ્રામની મુસાફરીની મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું. તમને જ્યારે મારા જેટલા જ લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ ટ્રામમાં ફરવું અસંભવિત નહીં તો મુશ્કેલ થઈ પડવાનું છે. નેતાઓ જે કંઈ કરે છે તે મોજશોખને જ સારુ કરે છે એમ માનવાનું કશું કારણ નથી. તમારી સાદાઈ મને પસંદ છે. હું બને તેટલી સાદાઈથી રહું છું. પણ તમે જરૂર માનજો કે કેટલુંક ખર્ચ મારા જેવાને સારુ અનિવાર્ય છે.’

આમ મારી એક ફરિયાદ તો બરોબર રદ થઈ. પણ બીજી ફરિયાદ મારે રજૂ કરવી રહી હતી તેનો સંતોષકારક જવાબ તેઓ ન આપી શક્યાઃ

‘પણ તમે ફરવા પણ પૂરા નથી જતા. એટલે તમે માંદા રહો છો એમાં શી નવાઈ? શું દેશકાર્યમાંથી વ્યાયામને સારુ પણ નવરાશ ન મળી શકે?’ મેં કહ્યું.

‘મને કયે વખતે તમે નવરો જુઓ છો, જ્યારે હું ફરવા જઈ શકું?’ જવાબ મળ્યો.

મારા મનમાં ગોખલેને વિશે એવા આદર હતો કે હું તેમને પ્રત્યુત્તર ન આપતો. ઉપરના જવાબથી મને સંતોષ ન થયો, પણ હૂં ચૂપ રહ્યો. મેં માન્યું ને હજુ માનું છું કે, ગમે તેવાં કામ છતાં જેમ આપણે ખાવાનો સમય કાઢીએ છીએ તેમ જ વ્યાયામનો કાઢવો જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય પણ ઓછી નહીં, એવો મારો નમ્ર અભિપ્રાય છે.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.