ભાગ બીજો

૨૦. બાલાસુંદરમ

જેની જેવી ભાવના તેવું તેને થાય, એ નિયમ મારે વિશે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે. લોકની એટલે ગરીબની સેવાની મારી પ્રબળ ઇચ્છાએ ગરીબોની સાથે મારું અનુસંધાન સદાય અનાયાસે કરી આપ્યું છું.

‘નાતાલ ઇન્ડિયન કાýગ્રેસ’માં જોકે સંસ્થાનોમાં જન્મ પામેલા હિંદીઓએ પ્રવેશ કર્યો હતો, મહેતાવર્ગ દાખલ થયો હતો, છતાં તેમાં છેક મજૂર, ગિરમીટિયાવર્ગે પ્રવેશ નહોતો કર્યો. કાýગ્રેસ તેમની નહોતી થઈ. તેઓ તેમાં લવાજમ ભરી દાખલ થઈ તેને અપનાવી શકતા નહોતા. તેઓને કાýગ્રેસ પ્રત્યે ભાવ પેદા ત્યારે જ થાય જ્યારે કૉંગ્રેસ તેમને સેવે. એવો પ્રસંગ એની મેળે આવ્યો, અને તે એવે વખતે કે જ્યારે હું પોતે અથવા તો કૉંગ્રેસ ભાગ્યે જ તૈયાર હતાં. કેમ કે હજુ મને વકીલાત શરૂ કર્યાને બેચાર માસ ભાગ્યે થયા હતા. કૉંગ્રેસની પણ બાળવય હતી. તેટલામાં એક દિવસ એક ફાટેલાં કપડાં પહેરેલો, ધ્રૂજતો, મોઢેથી લોહી ઝેરતો, જેના આગલા બે દાંત પડી ગયા હતા એવો, મદ્રાસી હિંદી ફેંટો હાથમાં રાખીને રોતો રોતો મારી સમક્ષ આવી ઊભો. તેને તેના માલિકે સખત માર માર્યો હતો. મારો મહેતો જે તામિલ જાણતો હતો તેની મારફત મેં તેની સ્થિતિ જાણી. બાલાસુંદરમ એક પ્રતિષ્ઠિત ગોરાને ત્યાં મજૂરી કરતો હતો. માલિકને કંઈ ગુસ્સો ચડયો હશે, તે ભાન ભૂલ્યો ને તેણે બાલાસુંદરમને સારી પેઠે માર માર્યો. પરિણામે બાલાસુંદરમના બે દાંત તૂટી ગયા.

મેં તેને દાક્તરને ત્યાં મોકલ્યો. તે કાળે ગોરા દાક્તરો જ મળતા. ઈજા વિશેના પ્રમાણપત્રની મને ગરજ હતી. તે મેળવી હું બાલાસુંદરમને મૅજિસ્ટ્રેટ પાસે લઈ ગયો. ત્યાં બાલાસુંદરમનું સોગનનામું રજૂ કર્યું. એ વાંચી મૅજિસ્ટ્રેટ માલિક ઉપર ગુસ્સે થયો. તેના ઉપર તેણે સમન કાઢવાનો હુકમ કર્યો.

મારી નેમ માલિકને સમજા કરાવવાની નહોતી. મારે તો બાલાસુંદરમને તેની પાસેથી છોડાવવો હતો. હું ગિરમીટિયાને લગતો કાયદો તપાસી ગયો. સામાન્ય નોકર જો નોકરી છોડે તો શેઠ તેના ઉપર દીવાની દાવો માંડી શકે, તેને ફોજદારીમાં ન લઈ જઈ શકે. ગિરમીટ અને સામાન્ય નોકરીમાં ઘણો ભેદ હતો, પણ મુખ્ય ભેદ એ હતો કે ગિરમીટિયો શેઠને છોડે તો તે ફોજદારી ગુનો ગણાય ને તેને સારુ તેને કેદ ભોગવવી પડે. આથી જ સર વિલિયમ વિલ્સન હંટરે આ સ્થિતિને લગભગ ગુલામીના જેવી ગણી. ગુલામની જેમ ગિરમીટિયો શેઠની મિલકત ગણાય. બાલાસુંદરમને છોડાવવાના બે જ ઇલાજ હતા : કાં તો ગિરમીટિયાને અંગે નિમાયેલો અમલદાર, જે કાયદામાં તેમના રક્ષક તરીકે ઓળખાતો હતો, તે ગિરમીટ રદ કરે અથવા બીજાને નામે ચડાવી આપે, અથવા માલિક પોતે તેને છોડાવવા તૈયાર થાય. હું માલિકને મળ્યો. તેને કહ્યું, ‘મારે તમને સજા નથી કરાવવી. આ માણસને સખત માર પડયો છે એ તો તમે જાણો જ છો. તમે તેનું ગિરમીટ બીજાને નામે ચડાવવામાં સંમત થાઓ તો મને સંતોષ છે.’ માલિકને તો એ જ જોઈતું હતું. પછી હું રક્ષકને મળ્યો. તેણે પણ સંમત થવાનું કબૂલ કર્યું, પણ એ શરતે કે બાલાસુંદરમને સારુ નવો શેઠ મારે શોધી કાઢવો.

મારે નવો અંગ્રેજ માલિક શોધવાનો હતો. હિંદીઓને ગિરમીટિયા રાખવા નહોતા દેતા. હું હજુ થોડા જ અંગ્રેજોને ઓળખતો હતો તેમાંના એકને મળ્યો. તેમણે મારા પર મહેરબાની કરી બાલાસુંદરમને રાખવાનું સ્વીકાર્યું. મેં મહેરબાનીનો સ્વીકાર કર્યો. મૅજિસ્ટ્રેટે માલિકને ગુનેગાર ઠરાવી તેણે બાલાસુંદરમની ગિરમીટ બીજાને નામે ચડાવી આપવા કબૂલ્યાની નોંધ કરી.

બાલાસુંદરમના કેસની વાત ગિરમીટિયામાં ચોમેર ફેલાઈ ને હું તેમને બંધુ ઠર્યો. મને આ વાત ગમી. મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુઃખ જાણવાની મને ભારે સગવડ મળી.

બાલાસુંદરમના કેસના ભણકારા છેક મદ્રાસ ઇલાકા સુધી સંભળાયા. એ ઇલાકાના જે જે પ્રદેશોમાંથી લોકો નાતાલની ગિરમીટમાં જતા તેમને ગિરમીટિયાઓએ જ આ કેસની જાણ કરી. કેસમાં એવું મહત્ત્વ નહોતું. પણ લોકોને નવાઈ લાગી કે તેમને સારુ જાહેર રીતે કામ કરનાર કોઈ નીકળી પડયું છે. આ વાતની તેમને હૂંફ મળી.

હું ઉપર જણાવી ગયો કે બાલાસુંદરમ પોતાનો ફેંટો ઉતારી તે પોતાના હાથમાં રાખી દાખલ થયો હતો. આ વાતમાં બહુ કરુણ રસ ભર્યો છે; તેમાં આપણી નામોશી ભરેલી છે. મારી પાઘડી ઉતારવાનો કિસ્સો તો આપણે જોઈ ગયા. ગિરમીટિયા તેમ જ બીજા અજાણ્યા હિંદી કોઈ પણ ગોરાને ત્યાં દાખલ થાય ત્યારે તેના માનાર્થે પાઘડી ઉતારે    પછી તે ટોપી હો કે બાંધેલી પાઘડી હો કે વીંટાળેલો ફેંટો. બે હાથે સલામ ભરે તે બસ ન થાય. બાલાસુંદરમે વિચાર્યું કે મારા આગળ પણ તેમ જ અવાય. મારી સામે બાલાસુંદરમનું આ દૃશ્ય એ પહેલો અનુભવ હતો. હું શરમાયો. મેં બાલાસુંદરમને ફેંટો બાંધવા કહ્યું. બહુ સંકોચથી તેણે ફેંટો બાંધ્યો. પણ તેથી તેને થયેલી ખુશાલી હું વરતી શકતો. બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતા હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી નથી શક્યો.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.