ભાગ ચોથો

૨૦. પહેલી રાત

ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલું ન નીવડયું. બે સાવચેતી મને ન સૂઝી હોત તો એક એક અઠવાડિયું બંધ રહેત અથવા મોડો નીકળત. આ સંસ્થામાં એન્જિનથી ચાલનારા સંસ્થા વસાવવાની મારી દાનત ઓછી જ હતી. જ્યાં ખેતી પણ હાથ વડે કરવાની હતી ત્યાં છાપું પણ હાથે જ ચલાવી શકાય એવાં યંત્રોથી ચાલે તો સારું એમ મનમાં હતું. પણ તે ન બને એવું આ વેળા લાગેલું, તેથી ત્યાં ઑઇલ-એન્જિન લઈ ગયા હતા. પણ આ તેલયંત્ર ખોટકે તો તે વેળાને સારુ કંઈક પણ બીજી કામચલાઉ શક્તિ હોય તો સારું એમ મેં વેસ્ટને સૂચવેલું. તેથી તેમણે હાથ વતી ચલાવવાનું એક ચક્ર રાખેલું, ને તે વતી મુદ્રણયત્રને ગતિ આપી શકાય એમ કર્યું હતું. વળી છાપાનું કદ રોજિંદા પત્રના જેવું હતું. મોટું યંત્ર ખોટકે તો તે તુરત સમારી શકાય એવી સગવડ આ સ્થળે નહોતી. તેથી પણ છાપું અટકે. આ અગવડને પહોંચી વળવા કદ બદલીને સામાન્ય સાપ્તાહિક જેવડું રાખ્યું, કે જેથી અડચણ વેળાએ નાના યંત્ર ઉપર પણ પગ વતી થોડાં પાનાં કાઢી શકાય.

આરંભકાળમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ પ્રગટ કરવાના દિવસની આગલી રાતે તો સહુને ઓછોવત્તો ઉજાગરો થતો જ. પાનાંની ગડી વાળવાના કામમાં નાનામોટા બધા રોકાતા, ને કામ રાતના દશબાર વાગ્યે પૂરું થતું. પણ પહેલી રાત ન ભુલાય તેવી હતી. છાપવાનું ચોકઠું બંધાયું, પણ એન્જિન ચાલવાની ના પાડે! એન્જિન ગોઠવવા અને ચલાવી દેવા એક ઇજનેરને બોલાવ્યો હતો. તેણે અને વેસ્ટે ખૂબ મહેનત કરી, પણ એન્જિન ચાલે જ નહીં. સહુ ચિંતાયુક્ત થઈ બેઠા. છેવટે વેસ્ટ નિરાશ થઈ ભીની આંખે મારી પાસે આવ્યા ને કહેઃ ‘હવે એન્જિન આજે ચાલે તેમ નથી, અને આ અઠવાડિયે વેળાસર આપણે છાપું નહીં કાઢી શકીએ.’

‘એમ જ હોય તો આપણે લાચાર થયા. પણ આંસુ ઢાળવાનું કશું કારણ નથી. હજી કાંઈ પ્રયત્ન થઈ શકતા હોય તો કરી છૂટીએ. પણ પેલા ઘોડાનું શું?’ એમ બોલી મેં આશ્વાસન આપ્યું.

વેસ્ટ બોલ્યાઃ ‘એ ઘોડો ચલાવનારા આપણી પાસે માણસો ક્યાં છે?’ આપણે છીએ તેટલાથી એ ઘોડો ન ચાલે. તેને ચલાવવાને સારુ વારાફરતી ચાર ચાર માણસ જોઈએ. આપણે તો બધા થાક્યા છીએ.’

સુતારીકામ તો બધું પૂરું નહોતું થયું. તેથી સુતારો હજુ ગયા નહોતા. છાપખાનામાં જ સૂતા હતા. તેમને ચીંધીને મેં કહ્યું: ‘પણ આ બધા મિસ્ત્રીઓ છે એનું શું? ને આજની રાતને સારુ આપણે બધા અખંડ ઉજાગરો કરશું. આટલું કર્તવ્ય બાકી રહે છે એમ મને લાગે છે.’

‘મિસ્ત્રીઓને ઉઠાડવાની ને તેમની મદદ માગવાની મારી હિંમત નથી, ને આપણા થાકેલા માણસોને પણ કેમ કહેવાય?’

‘એ મારું કામ,’ મેં કહ્યું.

‘તો સંભવ છે કે આપણે પહોંચી વળીએ.’

મેં મિસ્ત્રીઓને જગાડ્યા ને તેમની મદદ માગી. મારે તેમને વીનવા ન પડ્યા. તેમણે કહ્યું: ‘આવે ટાણે અમે તમને કામ ન આવીએ તો અમે માણસ શેના? તમે આરામ લો. અમે ઘોડો ચલાવી દઈશું. અમને એમાં મહેનત લાગે એમ નથી.’

છાપખાનાના જણ તો તૈયાર હતા જ.

વેસ્ટના હર્ષનો પાર ન રહ્યો. તેમણે કામ કરતાં ભજન શરૂ કર્યું. ઘોડો ચલાવવામાં મિસ્ત્રીઓની સામે હું ઊભો ને બીજા બધા વારાફરતી ઊભા. કામ નીકળવા માંડયું.

સવારના સાતેક વાગ્યા હશે. મેં જોયું કે હજુ કામ સારી પેઠે બાકી હતું. વેસ્ટને મેં કહ્યું: ‘હવે ઇજનેરને જગાડી ન શકાય? દિવસના અજવાળામાં પાછી મહેનત કરે ને કદાચ એન્જિન ચાલે તો આપણું કામ વખતસર પૂરું થઈ જાય.’

વેસ્ટે ઇજનેરને ઉઠાડયો. તે તુરત ઊઠી નીકળ્યો ને એન્જિનની કોટડીમાં પેઠો. શરૂ કરતાં જ એન્જિન ચાલવા માંડયું. પ્રેસ ખુશીના પોકારથી ગાજી ઊઠયું. ‘આમ કેમ થતું હશે? રાત્રે આટઆટલી મહેનત કર્યા છતાં ચાલ્યં નહીં, ને હવે કેમ જાણે કંઈ દોષ ન હોય એમ ચલાવતાં જ ચાલવા લાગ્યું?’

વેસ્ટે કે ઇજનેરે જવાબ આપ્યોઃ ‘એનો ઉત્તર આપવો મુશ્કેલ છે. યંત્રોને પણ કેમ જાણે આપણી પેઠે આરામ જોઈતો હોય નહીં, એવી રીતે કેટલીક વેળા તેઓ વર્તતાં જોવામાં આવે છે!’

મેં તો માન્યું કે આ એન્જિનનું ન ચાલવું અમારી બધાની કસોટી હતી, ને તેનું અણીને સમયે ચાલવું શુદ્ધ મહેનતનું ફળ હતું.

છાપું નિયમસર સ્ટેશને પહોંચ્યું, ને બધા નિશ્ચિંત થયા.

આવા આગ્રહને પરિણામે છાપાની નિયમિતતાની છાપ પડી ને ફિનિક્સમાં મહેનતનું વાતાવરણ જામ્યું. આ સંસ્થામાં એવો પણ એક યુગ આવ્યો કે જ્યારે એન્જિન ચલાવવાનું ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવેલું ને દૃઢતાપૂર્વક ઘોડાથી જ કામ ચલાવતા. ફિનિક્સનો આ ઊંચામાં ઊંચો નૈતિક કાળ હતો એવી મારી માન્યતા છે.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.