ભાગ પાંચમો

૪૧. એક સંવાદ

જે વેળાએ સ્વદેશીને નામે ઓળખાતી આ પ્રવૃત્તિ ચાલવા માંડી, ત્યારે મિલમાલિકો તરફથી મને ઠીક ટીકા મળવા લાગી. ભાઈ ઉમર સોબાની પોતે બાહોશ મિલમાલિક હોવાથી તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મને આપતા જ હતા, પણ બીજાઓના અભિપ્રાયની ખબર પણ મને આપતા રહેતા હતા. તેમનામાંના એકની દલીલની અસર તેમની ઉપર પણ પડી, અને મને તેમની પાસે લઈ જવાની તેમણે સૂચના કરી. મેં તે વધાવી લીધી. અમે તેમની પાસે ગયા. તેમણે આરંભ કર્યઃ

‘તમારી સ્વદેશી ચળવળ પહેલી જ નથી એ તો તમે જાણો છો ના?’

મેં જવાબ આપ્યોઃ ‘હા, જી.’

‘તમે જાણો છો કે, બંગાળના ભાગલા વખતે સ્વદેશી ચળવળે ખૂબ જોર પકડયું હતું તેનો અમે મિલોએ ખૂબ લાભ ઉઠાવ્યો, ને કાપડનાં દામ વધાર્યાં? કેટલુંક ન કરવાનું પણ કર્યું?’

‘મેં એ વાત સાંભળી છે, ને સાંભળીને દિલગીર થયો છું.’

‘તમારી દિલગીરી હું સમજું છું. પણ તેને સારુ કારણ નથી. અમે કંઈ પરોપકાર કરવાને સારુ અમારો વેપાર નથી કરતા. અમારે તો રળવું છે. અમારે શેરહોલ્ડરોને જવાબ દેવો છે. વસ્તુની કિંમત તેની માગણી ઉપર આધારા રાખે છે એ નિયમની સામે કોણ થઈ શકે? બંગાળીઓએ જાણવું જ જોઈતું હતું કે, તેમની ચળવળથી સ્વદેશી કાપડનું દામ વધશે જ.’

‘એ બિચારા મારા જેવા વિશ્વાસુ એટલે તેમણે માની લીધું કે, મિલમાલિકો છેક સ્વાર્થી નહીં બને, દગો તો નહીં જ દે, સ્વદેશીને નામે પરદેશી કાપડ તો નહીં જ વેચે.’

‘આમ તમે માનો છો એમ હું જાણતો હતો, તેથી જ મેં તમને ચેતવવા ધાર્યું ને અહીં આવવાની તસ્દી આપી, કે જેથી તમે પણ ભોળા બંગાળીની જેમ ભૂલમાં ન રહો.’ આમ કહી શેઠે પોતાના વાણોતરને નમૂના લાવવાનો ઇશારો કર્યો. ચૂંથામાંથી બનેલી કામળના એ નમૂના હતા. તે લઈ તેમણે કહ્યું: ‘જુઓ, આ માલ અમે નવો બનાવ્યો છે. તેની સારી ખપત છે. ચૂંથામાંથી બનાવ્યો છે એટલે સોંઘો તો પડે જ. આ માલ અમે છેક ઉત્તર લગી પહોંચાડીએ છીએ. અમારા એજંટો ચોમેર પથરાયેલા છે. એટલે તમે જુઓ છો કે, અમને તમારા જેવા એજંટની જરૂર નથી રહેતી. ખરું તો એ છે કે, જ્યાં તમારા જેવાનો અવાજ સરખોય ન પહોંચે ત્યાં અમારા એજંટો ને અમારો માલ પહોંચે છે. વળી તમારે એમ પણ જાણવું જોઈએ કે, હિંદુસ્તાનને જોઈએ એટલો માલ અમે ઉત્પન્ન કરતા પણ નથી. તેથી સ્વદેશીનો સવાલ તે મુખ્યત્વે તે ઉત્પન્નનો છે. જ્યારે અમે જોઈતા પ્રમાણમાં કાપડ પેદા કરી શકીશું ત્યારે, ને જાતમાં સુધારો કરી શકીશું ત્યારે, પરદેશી કાપડ આવતું તેની મેળે બંધ થઈ જશે. તેથી મારી સલાહ તો તમને એ છે કે, તમે જે રીતે ચલાવો છો તે રીતે તમારી સ્વદેશી ચળવળ ન ચલાવો, ને નવી મિલો કાઢવા તરફ ધ્યાન આપો. આપણે ત્યાં સ્વદેશી માલ ખપાવવાની ચળવળની જરૂર નથી, પણ ઉત્પન્ન કરવાની છે.’

‘ત્યારે હું એ જ કામ કરતો હોઉં તો તો તમે આશીર્વાદ આપો ના?’ હું બોલ્યો.

‘એ કેવી રીતે? તમે જો મિલ ખોલવાનો પ્રયત્ન કરતા હો તો તમને ધન્યવાદ ઘટે છે.’

‘એ તો હું નથી કરતો. પણ હું તો રેંટિયાપ્રવૃત્તિમાં રોકાયો છું.’

‘એ શું?’

મેં રેંટિયાની વાત કહી સંભળાવી ને ઉમેર્યુઃ

‘તમારા વિચારને હું મળતો આવું છું. મારે મિલોની એજન્સી ન કરવી જોઈએ. તેથી ફાયદાને બદલે નુકસાન જ છે. મિલોનો માલ કાંઈ પડયો નથી રહેતો. મારે તો ઉત્પન્ન કરવામાં ને જે કાપડ ઉત્પન્ન થાય તે ખપાવવામાં રોકાવું જોઈએ. અત્યારે તો હું ઉત્પન્નમાં જ રોકાયો છું. આ પ્રકારના સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનના ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે. રેંટિયાપ્રવૃત્તિ કેટલી સફળ થશે એ તો હું નથી જાણતો. હજુ તો માત્ર તેનો આરંભકાળ છે. પણ મને તેમાં પૂરો વિશ્વાસ છે. ગમે તેમ હોય પણ તેમાં નુકસાન તો નથી જ. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાપડમાં જેટલો વધારો આ ચળવળથી થાય એટલો લાભ જ છે. એટલે આ પ્રયત્નમાં તમે કહો છો તે દોષ તો નથી જ.’

‘જો એ રીતે તમે ચળવળ ચલાવતા હો તો મારે કંઈ કહેવાનું નથી. આ યુગમાં રેંટિયો ચાલે કે નહીં એ જુદી વાત છે. હું તો તમને સફળતા જ ઇચ્છું છું.’

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.