ભાગ બીજો

૧૭. રહ્યો

સન ૧૮૯૩ની સાલમાં નાતાલમાં હિંદી કોમના અગ્રગણ્ય નેતા શેઠ હાજી મહમદ હાજી દાદા ગણાતા. સાંપત્તિક સ્થિતિમાં શેઠ અબદુલ્લા હાજી આદમ મુખ્ય હતા. પણ તેઓ તેમ જ બીજા જાહેર કામમાં શેઠ હાજી મહમદને જ પ્રથમ સ્થાન આપતા. એટલે તેમના પ્રમુખપણા નીચે અબદુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઈ. તેમાં ફ્રેંચાઈઝ બિલની સામે થવાનો ઠરાવ થયો. સ્વયંસેવકો નોંધાયા. આ સભામાં નાતાલમાં જન્મેલા હિંદીઓ, એટલે ખ્રિસ્તી જુવાનિયાને એકઠા કર્યા હતા. મિ. પૉલ ડરબનની કોર્ટના દુભાષિયા હતા. મિ. સુભાન ગૉડફ્રે મિશન સ્કૂલના હેડમાસ્તર હતા. તેમણે પણ સભામાં હાજરી આપી, ને તેમની અસરથી તે વર્ગના જુવાનિયા સારી સંખ્યામાં આવ્યા હતા. આ બધા સ્વયંસેવક તરીકે જોડાયા. વેપારી તો ઘણા હતા જ. તેમાંનાં જાણવાજોગ નામ શેઠ દાઉદ મહમદ, મહમદ કાસમ કમરુદ્દીન, શેઠ આદમજી મિયાંખાન, એ કોલંદાવેલ્લુ પીલે, સી. લછીરામ, રંગસામી પડિયાચી. આમદ જીવા વગેરે હતાં. પારસી રુસ્તમજી તો હોય જ. મહેતા વર્ગમાંથી પારસી માણેકજી, જોશી, નરસીરામ વગેરે દાદા અબદુલ્લા ઇત્યાદિની મોટી પેઢીઓના નોકરો હતા. આ બધાને જાહેર કામમાં જોડાવાથી આશ્ચર્ય લાગ્યું. આમ જાહેર કામમાં નોતરાવાનો ને ભાગ લેવાનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. આવી પડેલા દુઃખની સામે નીચઊંચ, નાનામોટા, શેઠનોકર, હિંદુમુસલમાન, પારસી, ઈસાઈ, ગુજરાતી, મદ્રાસી, સિંધી વગેરે ભેદ ભુલાઈ ગયા હતા. સહુ હિંદના સંતાન અને સેવક હતા.

બિલની બીજી સુનાવણી થઈ ગઈ હતી કે થવાની હતી. તે વખતે થયેલાં ધારાસભાનાં ભાષણોમાં એવી ટીકા હતી કે, કાયદો આવો સખત હતો છતાં હિંદીઓ તરફથી કશો વિરોધ નહોતો, તે હિંદી કોમની બેદરકારી અને તેની મતાધિકાર ભોગવવાની નાલાયકીનો પુરાવો હતો.

મેં વસ્તુસ્થિતિ સભાને સમજાવી. પ્રથમ કાર્ય તો એ થયું કે ધારાસભાના પ્રમુખને તાર મોકલવો કે તેમણે બિલનો વધુ વિચાર મુલતવી રાખવો. એવો જ તાર મુખ્ય પ્રધાન, સર જોન રૉબિન્સનને પણ મોકલ્યો, ને બીજો દાદા અબદુલ્લાના મિત્ર તરીકે મિ. એસ્કંબને. આ તારનો જવાબ ફરી વળ્યો કે બિલની ચર્ચા બે દિવસ મુલતવી રહેશે. સહુ રાજી થયા.

અરજી ઘડાઈ. તેની ત્રણ નકલ મોકલવાની હતી. પ્રેસને સારુ પણ નકલ તૈયાર કરવાની હતી. અરજીમાં બની શકે તેટલી સહીઓ લેવાની હતી. આ કામ બધું એક રાતમાં પૂરું કરવાનું હતું. પેલા શિક્ષિત સ્વયંસેવકો અને બીજા લગભગ આખી રાત જાગ્યા. સારા અક્ષર લખનાર તેમાંના એક મિ. આર્થર બુઢ્ઢા હતા. તેમણે સુંદર અક્ષરે અરજીની નકલ કરી. બીજાઓએ તેની બીજી નકલો કરી. એક બોલે ને પાંચ લખતા જાય. એમ પાંચ નકલ એકસાથે થઈ. વેપારી સ્વયંસેવકો પોતપોતાની ગાડીઓ લઈ કે પોતાને ખર્ચે ગાડીઓ ભાડે કરી સહીઓ લેવા નીકળી પડ્યા.

અરજી ગઈ. છાપામાં છપાઈ. તેને વિશે અનુકૂળ ટીકાઓ થઈ. ધારાસભા ઉપર પણ અસર થઈ. તેની ચર્ચા પણ ખૂબ થઈ. અરજીમાં આપેલી દલીલના રદિયા અપાયા, પણ તે આપનારને પણ લૂલા લાગ્યા. બિલ તો પાસ થયું.

આ પરિણામ આવશે એમ સહુ જાણતા હતા. પણ કોમમાં નવજીવન રેડાયું. એક કોમ છીએ, માત્ર વેપારી હકોને જ સારું નહીં પણ કોમી હકોને સારુ લડવાનો પણ સહુનો ધર્મ છે, એમ સહુ સમજ્યા.

આ સમયે લોર્ડ રિપન સંસ્થાનોના પ્રધાન હતા. તેમને એક જંગી અરજી કરવાનો ઠરાવ કર્યો. આ અરજીમાં જેટલાની બને તેટલાની સહીઓ લેવાની હતી. એ કામ એક દહાડામાં ન જ થાય. સ્વયંસેવકો નિમાયા ને કામ ઉકેલવાનું સહુએ હાથ લીધું.

અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી. મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું. હિંદુસ્તાનમાં આપણે એક પ્રકારનો મતાધિકાર ભોગવીએ છીએ એ સિદ્ધાંતની દલીલને, અને હિંદુઓની વસ્તી જૂજ છે એ વ્યાવહારિક દલીલને, મેં મધ્યબિંદુ બનાવ્યું.

અરજીમાં દશ હજાર સહીઓ થઈ. એક પખવાડિયામાં અરજી મોકલવા જોગી સહીઓ મળી રહી. આટલા સમયમાં નાતાલમાં દશ હજાર સહીઓ લેવી એને વાંચનાર નાનીસૂની વાત ન સમજે. સહીઓ આખા નાતાલમાંથી લેવાની હતી. માણસો આવા કામથી અજાણ્યા હતા. શેમાં સહી કરે છે તે સમજે નહીં ત્યાં સુધી સહી ન લેવાનો નિશ્ચય હતો, તેથી મુદ્દામ સ્વયંસેવકોને મોકલીને જ સહી લેવાય તેમ હતું. ગામડાં દૂર દૂર હતાં. એટલે, ઘણા કામ કરનારા ચીવટથી કામ કરે તો જ આવાં કામ શીઘ્રતાથી થઈ શકે. તેમ જ થયું. આમાં બધાએ ઉત્સાહપૂર્વક કામ કર્યું. આમાંના શેઠ દાઉદ મહમદ, પારસી રુસ્તમજી, આદમજી મિયાંખાન, અને આમદ જીવાની મૂર્તિઓ અત્યારે પણ મારી નજરે તરે છે. તેઓ ઘણી સહીઓ લાવ્યા હતા. દાઉદ શેઠ આખો દહાડો પોતાની ગાડી લઈ નીકળી પડતા. કોઈએ ખીસાખર્ચ સુદ્ધાં ન માગ્યું.

દાદા અબદુલ્લાનું મકાન ધર્મશાળા કે જાહેર ઑફિસ જેવું થઈ પડયું હતું. શિક્ષિત ભાઈઓ તો મારી પાસે જ હોય. તેઓનું અને બીજા કામદારોનું ખાવાનું દાદા અબદુલ્લાને ત્યાં જ ખાય. આમ સહુ ખૂબ ખર્ચમાં ઊતર્યા.

અરજી ગઈ. તેની એક હજાર નકલ છપાવી હતી. તે અરજીએ હિંદુસ્તાનની જાહેર પ્રજાને નાતાલનો પહેલો પરિચય કરાવ્યો. જેટલો છાપાંના અને જાહેર આગેવાનોનાં નામ હું જાણતો હતો તેટલાંને તે અરજીની નકલો મોકલી.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એ તે ઉપર અગ્રલેખ લખ્યો ને હિંદીઓની માગણીઓને સરસ ટેકો આપ્યો. વિલાયતમાં પણ અરજીની નકલ બધા પક્ષના આગેવાનોને મોકલવામાં આવી હતી. ત્યાં લંડનના ‘ટાઇમ્સ’નો ટેકો મળ્યો. એટલે બિલને મંજૂરી ન મળવાની આશા બંધાઈ.

હવે મારાથી નાતાલ છોડાય એવું ન રહ્યું. લોકોએ મને ચોમેરથી ઘેર્યો ને નાતાલમાં જ સ્થાયી રહેવાનો અતિશય આગ્રહ કર્યો. મેં મારી મુશ્કેલીઓ જણાવી. મારા મનની સાથે મેં નિશ્ચય કર્યો હતો કે મારે જાહેર ખરચે ન જ રહેવું. નોખું ઘર માંડવાની મેં આવશ્યકતા જોઈ. ઘર પણ સારું અને સારા લત્તામાં લેવું જોઈએ એમ મેં તે વેળા માન્યું.

બીજા બારિસ્ટરો રહે તેમ મારે રહેવામાં કોમનું માન વધે એમ મેં વિચાર્યું. આવું ઘર હું વર્ષના ૩૦૦ પાઉન્ડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું. તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાય એમ મેં નિશ્ચય કર્યો ને તે કોમને જણાવ્યો.

‘પણ એટલા પૈસા તમે જાહેર કામને સારુ લો તે અમને પરવડે તેમ છે, ને તેટલા એકઠા કરવા એ અમારે સારુ સહેલું છે. વકીલાત કરતાં મળે તે તમારું.’ આમ સાથીઓએ દલીલ કરી.

‘મારાથી એમ પૈસા લેવાય નહીં. મારા જાહેર કામની હું એટલી કિંમત ન ગણું. મારે કંઈ તેમાં વકીલાત ડહોળવાની નથી, મારે તો લોકોની પાસેથી કામ લેવાનું રહ્યું છે. તેના પૈસા કેમ લેવાય? વળી મારે તમારી પાસેથી જાહેર કામને અર્થે પૈસા કઢાવવા રહ્યા. જો હું મારે સારુ પૈસા લઉં તો તમારી પાસેથી મોટી રકમો કઢાવતાં મને સંકોચ થાય ને છેવટે આપણું વહાણ અટકે. કોમની પાસે તો હું દર વર્ષે ૩૦૦ પાઉન્ડ કરતાં વધારે જ ખરચ કરાવવાનો.’ મેં જવાબ આપ્યો.

‘પણ તમને અમે ઓળખતા થઈ ગયા છીએ. તમારે ક્યાં તમારે સારુ પૈસા માગવા છે? તમારે રહેવાનો ખરચ તો અમારે આપવો જોઈએ ના!’

‘એ તો તમારો સ્નેહ અને તાત્કાલિક ઉત્સાહ બોલાવે છે. આ જ ઉત્સાહ ને આ જ સ્નેહ સદાય ટકે એમ આપણે કેમ માની લઈએ? મારે તો તમને કોઈ વેળા કડવાં વેણ પણ કહેવાં પડે. ત્યારે પણ તમારો સ્નેહ હું જાળવી શકું કે નહીં એ તો દૈવ જાણે. પણ મૂળ વાત એ છે કે જાહેર સેવાને સારુ મારે પૈસા ન જ લેવા. તમે બધા તમારું વકીલકામ મને આપવા બંધાઓ એટલું મારે સારુ બસ છે. આટલું પણ તમને કદાચ ભારે પડે. હું કંઈ ગોરો બારિસ્ટર નથી. કોર્ટ મને દાદ આપે કે નહીં એ હું શું જાણું? મને વકીલાત કરતાં કેવું આવડશે તે પણ હું ન જાણું. એટલે મને પહેલેથી વકીલ-ફી આપવામાં પણ તમારે જોખમ ખેડવાનું છે. છતાં તમે મને વકીલ-ફી આપો એ તો કેવળ મારી જાહેર સેવાને લીધે જ ગણાય ના?’

આમ ચર્ચા કરતાં છેવટે એ આવ્યું કે વીસેક વેપારીઓએ મને એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું. તે ઉપરાંત દાદા અબદુલ્લા મને વિદાયગીરી વખતે ભેટ આપવાના હતા તેને બદલે તેમણે મને જોઈતું ફર્નિચર લઈ આપ્યું ને હું નાતાલમાં રહ્યો.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.