ભાગ પાંચમો

૩૪. ‘નવજીવન’ ને ‘યંગ ઇન્ડિયા’

ગમે તેવી ધીમી તોપણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી. પંજાબમાં તેની અસરનો સાક્ષાત્કાર થયો. ત્યાં લશ્કરી કાયદો એટલે જોહુકમી  શરૂ થઈ. આગેવાનોને પકડ્યા. ખાસ અદાલતો તે અદાલતો નહોતી, પણ એક સૂબાનો હુકમ ઉઠાવનારી વસ્તુ થઈ રહી હતી. તેણે પુરાવા ને પ્રમાણ વિના સજાઓ કરી. લશ્કરી સિપાહીઓએ નિર્દોષ લોકોને કીડાની જેમ પેટે ચલાવ્યા. આની આગળ જલિયાંવાલા બાગની ઘોર કતલ તો મારી આગળ કંઈ વિસાતની નહોતી, જોકે પ્રજાનું અને દુનિયાનું ધ્યાન તો એ કતલે જ ખેંચ્યું.

પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યાં, પણ પરવાનગી ન મળે. પરવાનગી વિના જાઉં એટલે અંદર તો જવાય નહીં, પણ માત્ર સવિનયભંગ કર્યાનો જ સંતોષ મળે. આ ધર્મસંકટમાં મારે શું કરવું એ વિકટ પ્રશ્ન મારી પાસે આવી પડયો. હું મનાઈહુકમનો અનાદર કરીને પ્રવેશ કરું તો તે વિનયી અનાદર ન ગણાય, એમ મને લાગ્યું. શાંતિની જે પ્રતીતિ હું ઇચ્છતો હતો તે હજુ મને નહોતી થઈ. પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી હતી. આવે સમયે મારો કાનૂનભંગ બળતામાં ઘી હોમવા જેવો થાય એમ મને લાગ્યું, ને મેં સહસા પંજાબમાં પ્રવેશ કરવાની સૂચનાને માન ન આપ્યું. આ નિર્ણય મારે સારુ કડવો ઘૂંટડો હતો. રોજ પંજાબથી ગેરઇન્સાફના ખબર આવે, ને રોજ મારે તે સાંભળવા ને દાંત પીસી બેસી રહેવું!

આટલામાં મિ. હૉર્નિમૅન, જેમણે ‘ક્રૉનિકલ’ ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂકયું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યા કરે છે. હું જાણું છું કે મિ. હૉર્નિમૅન અંધાધૂંધી નહોતા ઇચ્છતા. મેં સત્યાગ્રહ સમિતિની સલાહ વિના પંજાબ સરકારના હુકમનો ભંગ કર્યો તે તેમને નહોતું ગમ્યું. સવિનયભંગ મુલતવી રાખ્યો તેમાં તે પૂરા સંમત થયા હતા. મુલતવી રાખવાનો ઇરાદો મેં પ્રગટ કર્યો તેના પહેલાં જ મુલતવી રાખવાની સલાહનો તેમનો કાગળ મને મોકલાયો હતો, તે મારો ઇરાદો પ્રગટ થયા પછી અમદાવાદ ને મુંબઈ વચ્ચેના અંતરને લીધે મને મળી શક્યો. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુઃખ થયું.

આમ થવાથી ‘ક્રૉનિકલ’ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો. મિ. બ્રેલ્વી તો હતા જ, એટલે મારે બહુ કરવાપણું નહોતું રહેતું. છતાં મારા સ્વભાવ પ્રમાણે મારે આ જવાબદારી બહુ થઈ પડી હતી.

પણ મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.

જેઓ ‘ક્રૉનિકલ’ના વહીવટમાં કર્તાહર્તા હતા તેઓ જ ‘યંગ ઇન્ડિયા’ના વહીવટ ઉપર અંકુશ રાખતા-ઉમર સોબાની અને શંકરલાલ બýકર. આ બને ભાઈઓએ ‘યંગ ઇન્ડિયા’ની જવાબદારી ઓઢવાનું મને સૂચવ્યું. ને ‘યંગ ઇન્ડિયા’ને ‘ક્રૉનિકલ’ની ખોટ કંઈક હળવી કરવા સારુ અઠવાડિયાના એક વખતને બદલે બે વખત કાઢવાનું તેમને ને મને ઠીક લાગ્યું. સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી. પંજાબ વિશે હું કંઈ નહીં તોપણ યોગ્ય ટીકા કરી શકતો હતો, અને તેની પાછળ સત્યાગ્રહરૂપી શક્તિ પડી છે એમ તો સરકારને ખબર હતી. તેથી આ મિત્રોની સૂચનાનો મેં સ્વીકાર કર્યો.

પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક ‘નવજીવન’ હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલ અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.

દરમિયાન ‘ક્રૉનિકલ’ સજીવન થયું, એટલે ‘યંગ ઇન્ડિયા’ ફરી સાપ્તાહિક થયું, ને મારી સૂચનાથી તેને અમદાવાદમાં લઈ ગયા. બે છાપાં નોખે નોખે ઠેકાણે ચાલે તેમાં ખર્ચ વધારે ને મને અગવડ વધારે થાય. ‘નવજીવન’ તો અમદાવાદમાં જ નીકળતું હતું. આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ એ તો મેં ‘ઇન્ડિયન ઓપીનિયન’ને વિશે જ અનુભવ્યું હતું. વળી અહીંના તે વખતના છાપાના કાયદા પણ એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે ‘યંગ ઇન્ડિયા’ અમદાવાદમાં લઈ ગયા.

આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાંપાની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. ‘નવજીવન’ની ઘરાકી એકદમ વધી, જ્યારે ‘યંગ ઇન્ડિયા’ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.

આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.

આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કે જોકે તુરત મારાથી સવિનયભંગનો આરંભ ન કરી શકાયો, પણ હું મારા વિચારો છૂટથી પ્રગટ કરી શક્યોઃ જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંઓ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદાના જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.