ભાગ ચોથો

૪૨. દર્દને સારુ શું કર્યું?

પાંસળીનો દુખાવો નહોતો મટતો તેથી હું ગભરાયો. દવાના ઉપચારથી નહીં પણ ખેરાકના ફેરફારથી અને કંઈ બાહ્ય ઉપચારથી દર્દ જવું જ જોઈએ એટલું હું જાણતો હતો.

સને ૧૮૯૦માં અન્નાહારી અને ખોરાકના ફેરફારથી દર્દોનો ઇલાજ કરનાર દાક્તર ઍલિન્સનને હું મળ્યો હતો. તેમને મેં બોલાવ્યા. તે આવ્યા. તેમને શરીર બતાવ્યું. ને દૂધના મારા વિરોધની વાત કરી. તેમણે મને તુરત દિલાસો દીધો, ને કહ્યું: ‘દૂધની કશી જરૂર નથી. ને મારે તો તમને થોડા દહાડા કશી ચરબી વિના જ રાખવા છે.’ એમ કહી પ્રથમ તો મને કેવળ સૂકી રોટી અને કાચાં શાકો ઉપર ને ફળો ઉપર રહેવાનું કહ્યું. કાચાં શાકમાં મૂળા, પ્યાજ અને એવાં મૂળિયાં તથા લીલોતરી, અને મેવામાં મુખ્યત્વે નારંગી, શાકોને ખમણીને કે વાટીને ખાવાનાં હતા. મેં આમ ત્રણેક દિવસ ચલાવ્યું, પણ કાચાં શાકો બહુ ફાવ્યાં નહીં. આ પ્રયોગને પૂરો ન્યાય આપી શકું એવું મારું શરીર નહોતું, ને એવી શ્રદ્ધા નહોતી. આ ઉપરાંત તેમણે ચોવીસે કલાક બારીઓ ખુલ્લી રાખવાનું, રોજ નવશેકે પાણીએ નાહવાનું, દુખતા ભાગ ઉપર તેલ ચોળવાનું અને પાથી અરધો કલાક ખુલ્લી હવામાં ફરવાનું સૂચવ્યું. આ બધું મને ગમ્યું. ઘરમાં તો ફ્રેન્ચ ઢબની બારીઓ હતી. તે આખી ઉઘાડવાથી ઘરમાં વરસાદનું પાણી આવતું હતું. ઉપરનું અજવાળિયું ખુલ્લું કરાય તેમ નહોતું. તેથી તેનો આખો કાચ ભંગાવીને ત્યાંથી તો ચોવીસે કલાક હવા આવવાની સગવડ કરી. ફ્રેન્ચ બારી વાછંટ ન આવે તેટલી ઉઘાડી રાખતો.

આ બધું કરવાથી તબિયત કંઈક સુધરી. સાવ સારી તો ન જ થઈ. કોઈ કોઈ વાર સિસિલિયા રૉબર્ટ્સ મને જોવા આવતા. તેમનો પરિચય સારો હતો. તેમની મને દૂધ પિવડાવવાની પ્રબળ ઇચ્છા હતી. તે તો લઉં નહીં, એટલે દૂધના ગુણવાળા પદાર્થોની તેમણે શોધ ચલાવી. તેમના કોઈ મિત્રે તેમને ‘માલ્ટેડ મિલ્ક’ બતાવ્યું, ને અણજાણપણે તેમણે કહ્યું કે એમાં દૂધનો સ્પર્શ સરખોયે નથી, પણ રસાયણી પ્રયોગથી બનાવેલી દૂધના ગુણવાળી ભૂકી છે. લેડી રૉબર્ટ્સને મારી ધર્મલાગણી તરફ બહુ આદર હતો એમ હું જાણી ગયો હતો. તેથી મેં તે ભૂકીને પાણીમાં મિલાવીને પીધી. મને તેમાં દૂધના જેવો જ સ્વાદ આવ્યો. પાણી પીધા પછી ઘર પૂછયા જેવું મેં કર્યું. બાટલી ઉપરનો કાગળ વાંચતાં માલૂમ પડયું કે આ તો દૂધનો જ પદાર્થ છે. એટલે એક જ વાર પીધા પછી તેનો ત્યાગ કરવો પડયો. લેડી રૉબર્ટ્સને ખબર આપી ને જરાયે ચિંતા ન કરવાનું લખ્યું. તેઓ ઉતાવળાં ઉતાવળાં ઘેર આવ્યાં. પોતાની દિલગીરી જાહેર કરી. તેમના મિત્રે બાટલી ઉપરનો કાગળ વાંચેલો જ નહીં. મેં આ ભલી બાઈને આશ્વાસન આપ્યું, ને તેમણે તસ્દી લઈ મેળવેલો પદાર્થનો ઉપયોગ મારાથી ન થાય તેની માફી માગી. અણજાણપણે મારાથી ભૂકી લેવાઈ તેને સારુ મને પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્તનું કારણ નથી એ પણ જણાવ્યું.

લેડી રૉબર્ટ્સની સાથેનાં બીજાં મધુર સ્મરણો છે તે હું મૂકી દેવા ઇચ્છું છું એવાં સ્મરણો ઘણાં છે કે જેનો મહાન આશ્રય ઘણી વિપત્તિઓ ને વિરોધોમાં મને મળી શક્યો છે. શ્રદ્ધાળુ આવાં મીઠાં સ્મરણોમાં જુએ છે કે ઈશ્વર દુઃખરૂપી કડવાં ઔષધો આપે છે તેની જ સાથે મૈત્રીના મીઠાં અનુપાનો પણ આપે જ છે.

દાક્તર ઍલિન્સને બીજી મુલાકાતે વધારે છૂટ મૂકી, અને ચરબીને સારુ સૂકા મેવાનું એટલે મગફળી આદિ બીજોનું માખણ અથવા જીતુનનું તેલ લેવાનું કહ્યું. કાચાં શાકો ને ગમે તો તેને રાંધી ચોખાની સાથે લેવાનું કહ્યું, આ સુધારો મને વધારે અનુકૂળ આવ્યો.

પણ દર્દ સાવ નાબૂદ ન થયું. સંભાળની જરૂર તો હતી જ. ખાટલો ન છોડી શક્યો. દાક્તર મહેતા વખતોવખત તપાસી જતા જ.  ‘મારો ઇલાજ કરો તો હમણાં સાજા કરું.’ એ તો હમેશાં એમના મોઢામાં હતું જ.

આમ ચાલતું હતું તેવામાં મિ. રોબર્ટ્સ એક દહાડો આવી ચડ્યા, ને તેમણે મને દેશ જવાનો આગ્રહ કર્યઃ ‘આ હાલતમાં તમે નેટલી કદી નહીં જઈ શકો. સખત ઠંડી તો હજુ હવે આવશે. મારો તો ખાસ આગ્રહ છે કે તમે હવે દેશ જાઓ અને ત્યાં સાજા થાઓ. ત્યાં લગી લડાઈ ચાલતી હશે તો મદદ કરવાના ઘણાયે પ્રસંગો તમને મળશે જ. નહીં તો તમે અહીં કર્યું છે તે હું ઓછું નથી માનતો.’

મેં આ સલાહનો સ્વીકાર કર્યો ને દેશ જવાની તૈયારી કરી.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.